Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકામાં ઓનલાઇન ગંદકીની ફરિયાદ માત્ર 26
ભુજનગરપાલિકા દ્વારા 1લી જુલાઇના સફાઇ અભિયાન અંતર્ગત રાજ્ય અને લોકલ સ્તરે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. જેમાં રાજ્ય સરકારની ઓન લાઇન સેવા પર માત્ર 26 અને લોકલ હેલ્પલાઇન સેવા પર 115 જેટલા કોલ આવ્યા હોવાના હેવાલ છે.
કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ભાગરૂપે સફાઇ અભિયાન શરૂ કરાયો છે. જેમાં વોર્ડ નં. 1થી 11માં કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર માર્ગો ઉપર સફાઇ કાર્યો થાય છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા 1લી જુલાઇથી લોકલ સફાઇ હેલ્પલાઇન નંબર (02832) 655336 શરૂ કરાઇ છે. જેના પર 16મી જુલાઇ સુધી 115 જેટલા કોલ આવ્યા હતા. જેમાંથી 107 ફરિયાદોનો નિકાલ કરી દેવાયો છે. બાકી 8 જેટલી ફરિયાદોનો નિકાલ કરવાનો બાકી રહે છે, જે એકાદ-બે દિવસમાં થઇ જશે.
સેનિટેશન શાખાના ચીફ ઇન્સ્પેક્ટર કલ્યાણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં દરરોજ સરેરાશ 9 જેટલી ફરિયાદોના કોલ આવતા હતા. બાદમાં ધીરેધીરે દરરોજના સરેરાશ 5 જેટલા કોલ આવ્યા લાગ્યા છે. જેથી સફાઇ હેલ્પલાઇન પર બહોળો પ્રતિસાદ મળ્યા બાદ સફળતાપૂર્વક કામગીરી કરાઇ હોવાનું સ્પષ્ટ થાય છે. દરરોજના કોલની સંખ્યા ઘટતી જાય છે એજ બતાવે છે કે, શહેરમાં ગંદકીનું પ્રમાણ ઘટતું જાય છે. જે એક સારી નિશાની છે. હેડ ક્લાર્ક જયંત લિંબાચિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન સફાઇ ફરિયાદ માટે ટોલ ફ્રિ નંબર 1800 419 0620 અપાયા છે. જેમાં 26 ફરિયાદો આવી હતી. જેમાંથી 14 ફરિયાદોનો નિકાલ કરી દેવાયો છે.
લોકલ હેલ્પલાઇન પર 115 કોલ આવ્યા, 107નો થયો નિકાલ
ભુજ સુધરાઇ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર સફાઇ કામગીરી માટે કોન્ટ્રાકટ અપાયો છે. જે ક્યારે અને ક્યાં થાય છે તે દેખાતું નથી. શહેરના માર્ગો ઉપર ફરી ઠેરઠેર કચરાના ઠગ દેખાવા લાગ્યા છે. બે મહિના પહેલા એકાદ અઠવાડિયામાં વિદેશથી સફાઇ મશીન લાવવાની વાતો થઇ હતી, જેને પણ બે માસ જેટલો સમય થઇ ગયો છે, પરંતુ હજુ સુધી સફાઇ મશીન નજરે નથી ચડ્યા. રાત્રિના ભાગે ટ્રેકટર દ્વારા સફાઇ કામ થાય છે, તેમાં પણ મશીન બગડી ગયો હોવાથી રેતી અને કચરો હવામાં ઉઠવા લાગે છે. લોકોના ઘર, દુકાનો રેતીથી ભરાઇ જાય છે.
સુધરાઇ દ્વારા ક્રમશ: વોર્ડવાઇઝ સફાઇ બંધ
સુધરાઇનાપ્રમુખે ક્રમશ: વોર્ડવાઇઝ સફાઇ કામદારોની ફોજ ઉતારી સફાઇ અભિયાન છેડ્યું હતું. જેમાં પહેલો અને ત્રીજો શનિવાર તથા બીજો અને ચોથો શુક્રવાર પસંદ કરાયો હતો. જે કામગીરી પણ બંધ કરી દેવાઇ છે. જે બાબતે નગરપતિ અશોક હાથીએ જણાવ્યું હતું કે, સફાઇનો કોન્ટ્રાક્ટ અપાઇ ગયો હોવાથી તે કામગીરી બંધ કરી દેવાઇ છે.
વિદેશથી સફાઇ મશીન લાવવાની માત્ર વાતો થઇ