તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રઅને શનિવારે કચ્છના વિવિધ વિસ્તારોમાં આગોતરી મેઘસવારીએ ટાઢક ફેલાવ્યા બાદ રવિવારના દિવસે વરસવાનું ટાળી વરસાદે પણ રજા પાળી હતી.ત્યારે વરસાદી વિરામની સાથેજ જિલ્લામાં ગરમીના પ્રમાણમાં વધારો નોંધાયો છે. રવિવારે 40.2 ડિગ્રી મહતમ તાપમાન સાથે ભુજ ડીસા બાદ રાજયનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું.

ભુજમાં 10 દિવસ પૂર્વે મહતમ તાપમાન 42 ડિગ્રીના આંકે પહોંચ્યા બાદ રવિવારે પુન: એકવાર પારો 40.2 ડિગ્રીના આંકે પહોંચતાં તડકો ચડતાંજ ભુજવાસીઓ આકરી ગરમીમાં રીતસરના શેંકાયા હતા. દિવસભર વાદળોની આવન જાવન રહી હતી. પણ મોડી સાંજ સુધી વરસાદ વરસે તેવા કોઇ અણસાર સર્જાયા નહોતા.

મહતમ તાપમાન વધવા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા સાથે પવનની ગતિ મંદ પડતાં અસહ્ય બફારાનો અનુભવ પણ મોટાભાગના વિસ્તારમાં થયો હતો. ભુજ ઉપરાંત કંડલા પોર્ટમાં મહતમ તાપમાન 39.4 અને કંડલા એરપોર્ટમાં 38.8 ડિગ્રી નોંધાયું હતું.

ભુજમાં રાત્રીનું લઘુતમ તાપમાન 23 ડિગ્રીએ પહોંચતાં થોડી ટાઢક વર્તાઇ હતી પણ તે સિવાયના તમામ મથકોમાં રાત્રીનું તાપમાન 27થી29 ડિગ્રી જેટલું ઉંચુ રહેતાં રાતનો સમય પણ ઉકળાટભર્યો પસાર થયો હતો.

ઉલ્લેખનિય છે કે ચોમાસાના સતાવાર આગમન પૂર્વે પ્રીમોન્સુન એકટીવીટી વેગીલી બનતાં ગુરૂવારથી જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસવાનો દોર શરૂ થયો હતો. શુક્વારે 7 તાલુકામાં વરસાદે હાજરી પુરાવ્યા બાદ શનિવારે પણ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વેગીલા વાયરા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે રવિવારે વરસાદે વિરામ લેતાની સાથેજ તાપની તીવ્રતાએ વધુ એકવાર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું હતું.

4 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની આગાહી

રવિવારે વરસાદે વિરામ રાખ્યો હતો પણ રાજયના હવામાન વિભાગ અને ભુજની સ્થાનિક હવામાન કચેરીના વર્તારા અનુસાર હજુ ચારેક દિવસ સૃધી કચ્છમાં વરસાદી ઝાપટાં વરસાવાનો દોર જારી રહેશે.આગાહી અનુસાર આગામી ગુરૂવાર સુધી મહતમ તાપમાન 38-39 ડિગ્રી આસપાસ સ્થીર રહેશે. તો સમયગાળા દરમ્યાન કયારેક તો કયારેક ભારે વરસાદી ઝાપટાં ગાજવીજ સાથે વરસે તેવી શકયતા વ્યકત કરાઇ છે. જોકે કચ્છમાં ચોમાસાના સતાવાર મંડાણ 20 જુન આસપાસ થાય તેવી શકયતાઓ વ્યકત કરાઇ છે.

વરસાદી વિરામ બાદ વધ્યું ગરમીનું પ્રમાણ

અન્ય સમાચારો પણ છે...