Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગંદકીના મુદ્દે બાન્દ્રામાં સયાજી ટ્રેન રોકી દેવાઇ : સાફ થયા પછી ઉપડી
બાન્દ્રાથીભુજ આવતી સયાજીનગરી એક્સપ્રેસમાં અસહ્ય ગંદકી નજરે ચડતાં મૂળ ભુજના મહિલાએ તીવ્ર વિરોધ કરતાં ટ્રેનને થોભાવતા રેલવે તંત્રે સફાઇ કરવી પડી હતી અને પછી ટ્રેન ઉપડી શકી હતી.
મૂળ ભુજના અને હાલ પુના વસવાટ કરતા ગાયત્રીબેન જાટે સખેદ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેઓ સયાજી એક્સપ્રેસમાં ભુજ આવવા નીકળ્યા, ત્યારે કોચમાં ચડતાવેંત ઠેર-ઠેર ગંદકી નજરે ચડતાં તેમણે રેલવેતંત્રનું ધ્યાન દોર્યું હતું. જોકે, ટ્રેન રવાના થવાને ખાસ્સો સમય બાકી હોવા છતાં કોઇ સફાઇ કરી માત્ર બહાનાબાજી કરવામાં આવી હતી. અંતમાં ગાડીનો સમય થઇ ગયાનું કહી ટ્રેન ભુજ પહોંચે બાદમાં સમગ્ર ટ્રેનની સફાઇ કરાવી લેવાની ખાતરી અપાઇ હતી, પરંતુ ગાયત્રીબેને પહેલાં ગાડી સાફ કરો પછી ટ્રેનને રવાના કરવા દઇશું, તેમ જીદ કરી પગ ખોડી ઊભા રહી ગયા હતા.
પોતે રેલવે વેલફેર કમિટીના મેમ્બર હોવાનું જણાવ્યા છતાં પણ જાણે પાડાની પીઠ પર પાણી ઢોળાતું હોય તેમ ત્યાંના રેલવેબાબુઓએ નફ્ફટાઇથી સફાઇ અંગે કોઇ પગલાં ભર્યા અને ટ્રેન રવાના કરી દીધી હતી. ચેઇન પુલિંગ કરવા જતાં અલગ-અલગ 6 કોચમાં ચેઇન કામ કરતી નહોતી, પરંતુ અન્ય મુસાફરોના સાથ-સહકારથી સાતમા ડબ્બામાં ચાર વખત લગાતાર ચેઇન ખેંચ્યા બાદ ગાર્ડ તેમજ ટી.સી. ત્યાં ધસી આવ્યા હતા, બાદમાં ટ્રેનને પાછી સ્ટેશન પર લાવી લગભગ અડધા કલાક સુધી સાફ કર્યા બાદ ચલાવવા દેવામાં આવી હતી.
કચ્છી મહિલાએ અવાજ ઉઠાવતાં રેલવેતંત્ર હરકતમાં આવ્યું