Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પુનડીમાં 20,000 ભક્તોએ ગુરુવંદના કરી
ભુજ-માંડવીહાઇવે પર આવેલાં પુનડી ગામ પાસેના કચ્છ સમર્પણ આશ્રમ ખાતે સ્વામી શિવકૃપાનંદજી બાબાસ્વામીના સાંનિધ્યમાં ત્રિદિવસીય ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
17થી 19 જુલાઇ સુધી યોજાયેલા મહોત્સવમાં 1051 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. ઉપરાંત, સમર્પણ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ જેવી કે સમર્પણ પ્રદર્શની, કૃક્ષક પ્રદર્શની, અધ્યાત્મ અને વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરાયું. ગુરૂપૂર્ણિમાના દિવસે પોતાના ઉપદેશમાં બાબા સ્વામીએ ધ્યાનનો શોખ કેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં ધ્યાન કરતી વખતે ભલે વિચારો આવે, તેને આવવા દો. એક વખત શરીર નિશ્ચિત સમય સુધી બેસતાં શીખી જશે તો ધીરે - ધીરે મન પણ વિચારોમાંથી પાછું વળશે.
દિવસના 24 કલાકમાંથી માત્ર અડધો કલાક જો ધ્યાન પાછળ દઇ શકાય અને અંતર્મુખતા કેળવી શકાય તો બાકીના સાડા ત્રેવીસ કલાકનું કામ માત્ર કામ રહે સાધના થઇ જાય. જો કે તેમણે પણ ઉમેર્યું કે ધ્યાનથી મને કે તે ફાયદો થશે એવું પણ વિચારવું નહીં, ધ્યાન અપેક્ષારહિત હોવું ઘટે. વ્યક્તિએ ગુરૂદક્ષિણામાં તેનો અડધો કલાક અપાય છે એમ માનીને પણ ધ્યાન કરવું જોઇએ.
મહોત્સવના અંતિમ દિવસે એટલે કે ગુરૂપૂનમે 22 દેશોના 20,000થી વધુ ભક્તોએ ગુરૂદર્શનનો લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવને રાજ્યમંત્રી તારાચંદ છેડા અને સાંસદ વિનોદ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી. આયોજનને સફળ બનાવવા મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો. ધૈવત મહેતા, ઉપાધ્યક્ષ આનંદ ચૌહાણ, સચિવ શૈલેષ રૂડાણી, જ્યોત્સનાબેન પટેલ, વસંત પટેલ, પ્રવિણ પટેલ, મનુભા જાડેજા, લોકેશ જોષી, વિનોદ આહીર, મયુરીબેન ગોર, પવિત્રાબેન ગોર, જીગ્નેશ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
પુનડીમાં ત્રિદિવસીય મહોત્સવમાં પ્રવચન આપી રહેલા બાબાસ્વામી અને બીજી તસવીરમાં ઉમટેલા લોકો.