Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ સુધરાઇ દિવાળી મામલતદાર કચેરીમાં કરશે !
ભુજનગરપાલિકાની બિલ્ડિંગ પાડીને જગ્યાએ નવી બનાવવામાં આવશે, દરમિયાન સુધરાઇની કચેરી ભુજ મામલતદાર કચેરીના પહેલા માળે કાર્યરત રહેશે. જેને ડિસેમ્બર સુધીનો સમય લાગી જશે, જેથી ભુજ સુધરાઇ દિવાળી મામલતદાર કચેરીમાં કરે એવી શક્યતા છે.
ભુજ નગર સેવા સદનની સૌથી જૂની કચેરી નાના વોકળામાં હતી. ત્યારબાદ પાળેશ્વર ચોક પાસે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે ખસેડાઇ હતી, જે ભુજ સ્વામિનારાયણ મંદિરને સોંપી દેવાયા બાદ ઓપનએર થિયેટર પાછળ નવી ઇમારતમાં ખસેડાઇ હતી, જે બે માળની બિલ્ડિંગ ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયા બાદ સુધરાઇની કચેરી અન્યત્ર ખસેડવાની વાત લાંબો સમયથી ચાલતી હતી, પરંતુ છેવટે જૂની બિલ્ડિંગ પાડીને સ્થળે સુધરાઇની કચેરી બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા એકાદ અઠવાડિયામાં શરૂ થાય તેવા આસાર છે. સૂત્રોએ કહ્યું હતું કે, બિલ્ડિંગ પાડવા અને બનાવવા માટેના ટેન્ડરની જાહેરાત આપવા માટેની વિધિ પૂરી થઇ ગઇ છે. એકાદ-બે દિવસમાં ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવશે. બે-ત્રણ માસમાં જૂની ઇમારત પાડી દેવામાં આવશે. જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરી દેવાશે, જેથી દિવાળી સુધી સુધરાઇની કચેરી અન્યત્ર કાર્યરત રાખવી પડશે, જે માટે બે વિકલ્પો વિચારાયા હતા. જેમાં માહિતી ખાતાની કચેરીના પહેલા માળે અથવા મામલતદાર કચેરીના પહેલા માળે સુધરાઇની કચેરી ખસેડવી એવી વિચારણા હતા, જેમાં મામલતદાર કચેરીના પહેલા માળે સુધરાઇની કચેરીને હંગામી ધોરણે કાર્યરત રાખવાની મંજૂરી અપાઇ ગઇ છે.
એકાદ અઠવાડિયામાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાય તેવા આસાર
3 કરોડના ખર્ચે નવી બિલ્ડિંગ બનાવાશે
નવાપૂર્ણકાલીન મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા ફળ્યા હોય એમ ભુજ સુધરાઇની નવી ઇમારત બનવાની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. ભુજ સુધરાઇની કચેરી બનાવવામાં અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ થાય એમ છે. જે માટેની ગ્રાન્ટ પણ મંજૂર થઇ ગયાના હેવાલ છે.