• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ

ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ

દેશનાપશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં 250 કુટુંબમાંથી 150 કારીગર અને...

DivyaBhaskar News Network | Updated - Jul 23, 2016, 03:40 AM
ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
દેશનાપશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં 250 કુટુંબમાંથી 150 કારીગર અને તેમાંથી 28 તો દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ સહિત રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક વિજેતા છે. દેશ-વિદેશમાં ગરમશાલનું વેચાણ કરી પ્રખ્યાતિ મેળવેલું નાનકડું ગામ ઉનના વણાટકામમાં અવ્વલ છે.

ભુજ તાલુકાના ભુજોડી ગામ જેની મુખ્ય વસાહત છે, એવા વણકર સમાજના ભાટના જણાવ્યા મુજબ 800 વર્ષ અગાઉ થયો છે. ભોજો નામના રબારીએ વસાવેલા ગામમાં 1600 વણકર અને 700 જેટલા રબારી અહીં વણાટકામમાંથી વર્ષે 3 કરોડથી વધુનો વ્યાપાર કરે છે. પોતાની સુઝબુઝથી ડિઝાઇન કરી શાલ અને અન્ય અનેક આઇટમ બનાવતા વણકર સમાજના અગ્રણી ગાભુભાઇ વણકરના જણાવ્યા પ્રમાણે વણકર સમાજ વણાટનું કામ વંશ પરંપરાગતથી કરે છે. કોઇ પણ કારીગર બહાર શીખવા નથી જતો. તેમને આત્મસુઝ હોય છે. માત્ર ગરમ શાલ નહીં, અન્ય વસ્તુઓ પણ બનાવે છે. જેવી કે, કચ્છી ધાબળા, સ્ટોલ, શેતરંજી, ગાલીચા, નેપકીન, ટેબલ મેટ અને આસન જેવી અનેક વેરાયટીઓ માર્કેટની માંગ મુજબ બનાવીએ છીએ. શિયાળાની મુખ્ય ઋતુ વ્યસાય માટે લેખાય છે. રણોત્સવ બાદ પ્રવાસીઓ વધ્યા છે, પરંતુ એક સમસ્યા ઉભી થઇ છે કે, અગાઉ સતત ટુરીસ્ટ આવતા તેને બદલે હવે માત્ર 3 મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે, બાકીના 9 મહિના 5 ટકા પણ ધંધો નથી હોતો. જેથી એક સાથે બનાવીને રાખવું પડે, જેને કારણે રોકાણ વધી જાય. તો બીજીતરફ ટર્નઓવર વધ્યો છે.

ભાસ્કર વિશેષ| 150 વણાટકારો પૈકી 28ને મળ્યા છે રાષ્ટ્રીયકક્ષાના વિવિધ એવોર્ડ અને પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ્સ

પિયરમાં શીખેલું સાસરિયે કામ લાગ્યું

15 વર્ષની હતી, ત્યારથી મા-બાપના ઘરે ઉનના તારના તાણા-વાણા શીખી હતી. આજે 44 વર્ષની ઉંમરે હું એક પુરુષ કારીગર જેટલી કુનેહથી ગરમ વસ્ત્ર વણી શકું છું. મોટા બંદરામાં અમારો પણ બાપ-દાદાનો ધંધો હતો. હાથશાળ પર નાનપણથી હાથ અજમાવ્યો, તો આજે પતિના વ્યાપારમાં કામ આવી શકું છું તેનો ગર્વ છે. જોકે, ભુજોડીમાં ઘણી બહેનો વણાટકામમાં મદદ કરે છે. વાસ્તવમાં ગરમ વસ્ત્રની ગમે તે વેરાઇટી બનાવવી હોય, શરૂઆતમાં ઉન કાંતીને બનાવાતા તાર તો ઘરની મહિલા કરતી હોય છે.> જમુનાબેન રામજી જેપાર

ઉનથકી ગામના રબારી સમાજ સાથે પેઢી દર પેઢીનો નાતો

મારવાડબાજુથી સ્થળાંતરિત થઇને કચ્છ વસ્યા ત્યારે પણ સૌપ્રથમ રબારીઓ આવ્યા હતા, તેવું વડીલો પાસે સાંભળ્યું છે. ઘેટા વ્યવસાય સાથે સંકળાયેલી જ્ઞાતિ અમારી સાથે વર્ષોનો ઘરોબો ધરાવે છે. ઉનને કાપીને અમને સોંપ્યા બાદ અમારી ઘરની સ્ત્રીઓ તેને કાંતે છે અને પછી તારમાંથી શાલ કે અન્ય ગરમ વસ્ત્ર બને છે. એટલે આમ જોઇએ, તો બન્ને વ્યવસાય એકબીજાના પર્યાય છે. > વિશ્રામભાઇ વાલજી વણકર

અઢી હજારની વસતી ધરાવતાં ભુજોડી ગામમાં રાષ્ટ્રીય અને રાજયકક્ષાના 28 પ્રતિષ્ઠિત એવોર્ડ હાંસલ કરેલા છે. ત્યારે પ્રથમ તસવીરમાં એવોર્ડ વિજેતા કારીગરો તેમજ બાજુમાં વણાટ માટે તાણાવાણાનું ચાવીરૂપ કામ કરતી વણકર સમાજની મહિલાઓ નજરે પડે છે.

વિશ્વની કચ્છ આવતી દરેક હસ્તી ભુજોડીની લે છે મુલાકાત

ગરમશાલને કારણે વિશ્વમાં પ્રખ્યાતિ મેળવનાર ભુજોડી ગામે અત્યાર સુધી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતાઓ, કલાકારો તેમજ ક્ષેત્રની હસ્તીઓ મુલાકાત લઇ ચુકી છે. ભુજોડીની હાથશાળમાં બનેલી વિવિધ વેરાયટીઓ દેશ વિદેશમાં લોકોને આકર્ષીત કરેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજોડીની હસ્તકળાને વખાણી હતી અને વધુને વધુ કળાનો વિકાસ થાય અને વિસ્તરે તે માટે પ્રયાસો કર્યા હતા. હાલ સ્મૃતિ ઇરાની હસ્તકળા વિભાગના મંત્રી છે ત્યારે ભુજોડીને ફાયદારૂપ નિર્ણય લેવાય તેવી આશા ગ્રામજનોએ વ્યકત કરી હતી. સામાન્ય રીતે એન.આર.આઇ. પરિવારો તેમજ રણોત્સવ વખતે આવતા સહેલાણીઓ ખાસ યાદ કરીને ભુજોડી ગામમાં ખરીદી કરવા અને કચ્છી પ્રિન્ટની યાદગીરી લેવા માટે પહોંચી જતાં હોય છે. વણાટ કામની શાલ તેમજ ગરમ કોટી તેમજ અન્ય આઇટમ્સ અહીંની ઓળખ બની ગયા છે.

~ 400થી 60,000 સુધીની બને છે ગરમ શાલ

સામાન્યડિઝાઇન અને ઓછા વર્કવાળી શાલ 400થી શરૂ થાય છે, તો વધુમાં વધુ રૂા. 60,000ની કિંમતની શાલ બને છે. કિંમતી શાલ બનવવામાં અંદાજે 4 મહિના લાગી જાય છે, તો તેની ડિઝાઇન પણ એકદમ બારિક હોય છે. ઓર્ડર પર બનતી શાલના પણ ખરીદાર હોય છે, તેવું જણાવતા કચ્છી ધાબળા તરીકે ઓળખાતી શાલના વનસ્પતિ કલરથી નિર્મિત શાલના પ્રથમ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગાભુભાઇ જખુભાઇ વણકર ઉમેરે છે કે, જોકે, આવી શાલ આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં બની હશે.

દેશનોપ્રતિષ્ઠિત ‘શિલ્પગુરુ’ પણ ભુજોડી પાસે

દરવર્ષે દેશના માત્ર 10 ચુનંદા કારીગરોને અપાતો ‘શિલ્પગુરુ’ એવોર્ડ પણ ભુજોડીના વણકર પ્રેમજી વેલજીએ વર્ષ-2005માં મેળવ્યો છે. કચ્છના સૌપ્રથમ એવોર્ડ મેળવતા કારીગરને ડાયરેક્ટોરેટ કમિશ્નર, હેન્ડીક્રાફ્ટ નવી ડિઝાઇન અને તેની ખુબીઓને પારખી વિજેતા ઘોષિત કરે છે. તેવી રીતે સંત કબીર એવોર્ડ પણ ભુજોડીના વણકર ડાયાભાઇ આલાને 2010માં અપાયો છે.

ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
X
ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
ભુજોડી : એવોર્ડ વિજેતા કારીગરોનું ગામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App