• Gujarati News
  • National
  • દબાણ દૂર કરવા ગયેલા કર્મચારીઓ સલવાયા

દબાણ દૂર કરવા ગયેલા કર્મચારીઓ સલવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંએસ.ટી. વર્કશોપ પાસે દબાણ કરાયું છે, જેને નગરપાલિકાની સેનિટેશન શાખાના કર્મચારીઓ દૂર કરવા ગયા હતા, પરંતુ તેમના ઉપર એસ્ટ્રોસીટીની પોલિસ ફરિયાદની તજવીજ થતા દોડધામમાં મૂકાયા હતા. બીજી બાજું, મુખ્ય અધિકારીએ આદેશ કર્યાનું કહી સ્ટાફ ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હતો, જેથી કર્મચારીઓ ઉલ્ટું બચાવની સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારના દબાણ શાખાના વિનોદ ગોર અને સેનિટેશન શાખાના ચીફ ઇન્સ્પેકટર કલ્યાણસિંહ સોઢા મંગલમથી ગાયત્રી મંદિર જતા વચ્ચે એસ.ટી.ના ક્વાર્ટરને અડીને થયેલા દબાણો દૂર કરવા ગયા હતા. એક કેબિન તોડી પણ પાડી હતી, જેથી કેબિન ધારકે એસ્ટ્રોસીટીની પોલિસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેના પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

જે બાબતે મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે, દબાણ હટાવવાના મેં કોઇ આદેશ કર્યા નથી. બીજી બાજુ દબાણ શાખાના વિનોદ ગોર અને સેનિટેશન શાખા કલ્યાણસિંહ સોઢાએ કહ્યું હતું કે, અમને લેખિત આદેશ કરાયો છે. ઘટના બાદ નગરપાલિકાના કર્મચારીઓમાં ગણગણાટ થયો હતો કે, આદેશ કર્યા બાદ અધિકારીઓ ફરી જતા હોય તો કર્મચારીઓની સલામતી જોખમાશે.

ભુજ પાલિકાના મુખ્ય અધિકારીએ આદેશ કર્યાનું કહી સ્ટાફ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો

અન્ય સમાચારો પણ છે...