તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ તા. પં.ના પ્રમુખે જિ. પં.માં મોકલવાની મિનિટસ પરત કરી

ભુજ તા. પં.ના પ્રમુખે જિ. પં.માં મોકલવાની મિનિટસ પરત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકા પંચાયતમાં 1લી જુલાઇના સામાન્ય સભા મળી હતી, જેની મિનિટસ જિલ્લા પંચાયતમાં મોકલવાની હોય છે, પરંતુ વધારાની મિનિટસ બારોબાર લખી પ્રમુખની સહી માટે મોકલવામાં આવી હતી, જેથી પ્રમુખે પરત કરી હોવાના હેવાલ છે.

તાલુકા પંચાયતમાં પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન માટે ચેમ્બરની જોગવાઇ છે, પરંતુ ઉપપ્રમુખ ને કારોબારી ચેરમેને ભુજ તાલુકા પંચાયતના દરવાજા પાસેના બે સ્ટોર રૂમમાં પોતપોતાની ચેમ્બર બનાવી નાખી હતી, જેથી વિપક્ષે વિરોધ કર્યો હતો, જે બાદ બંને ચેમ્બરને તાળા લગાવી ઉપપ્રમુખ હિતેશ ખંડોલ અને કારોબારી ચેરમેન રામજીભાઇ અરજણભાઇ સેંધાણીને અંદર પ્રવેશવા દીધા નહોતા. જે બાદ કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સૂચનાથી ઉપપ્રમુખની ચેમ્બરને મુલાકાતી કક્ષ બનાવી દેવાયો હતો, જેથી ઉગ્ર વિપક્ષ માંડમાંડ શાંત પડ્યો હતો. ત્યારબાદ કારોબારી ચેરમેને સત્તાની ઉપરવટ થઇને રોયલ્ટીની આવક અને સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને મંજુરી આપતો ઠરાવ કર્યો હતો, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 2016ની 15મી સપ્ટેમ્બરના ઠરાવનો હવાલો આપી મંજુરી આપી હતી. કારોબારી ચેરમેને સત્તાની ઉપરવટ વિકાસ કામોની મંજુરી માટે કરેલા ઠરાવમાં પણ એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી હતી, જેથી વિપક્ષે પણ વાંધો લીધો હતો. જે મામલે સામાન્ય સભામાં વિપક્ષના બે ભાગ પડી ગયા હતા, જેમાં વિરોધ પક્ષના નેતાએ કારોબારી ચેરમેને 2.5 કરોડના ઠરાવને આપેલી બહાલીમાં વાંધો નહોતો લીધો અને ફકત પાછળથી ઉમેરાયેલા 1 કરોડના કામનો હિસાબ આપવા સૂચવ્યું હતું. બીજી બાજુ વિપક્ષી ઉપનેતા રાજેશ ખુંગલાએ 3.5 કરોડના વિકાસ કામોનો હિસાબ માંગ્યો હતો. આમ એકબાજુ શાસક પક્ષમાં પ્રમુખ તરફ શાસક પક્ષના 15 વિરુદ્ધ 4 જેવો માહોલ સરજાયો હતો તો વિપક્ષમાં પણ એકમતી નહોતી સર્જાઇ. વિવાદી સામાન્ય સભા બાદ જિલ્લા પંચાયતમાં મિનિટસ મોકલવા પ્રમુખની સહી માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેમાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષીનેતાને ચેમ્બર ફાળવવાની નોંધનો સામાન્ય સભા બાદ પાછળથી ઉમેરો કરાયો હોવાથી પ્રમુખ કંકુબેન ચાવડાએ સહી નહોતી કરી, જેથી સામન્ય સભાની મિનિટસ પરત ફરી હતી.

જિલ્લા-રાજ્ય સ્તરે રસ્સાખેંચ

સૂત્રોએજણાવ્યું હતું કે, શાસક પક્ષના પ્રમુખ વિરોધી 4 સદસ્યોએ મોરચો માંડ્યો છે અને પ્રમુખની જાણ બહાર સત્તાની ઉપરવટ નિર્ણય લઇ રહ્યા છે, જેથી ટૂંક સમયમાં સમગ્ર મામલો જિલ્લા અને રાજ્ય સ્તરે પહોંચે તેમ છે. બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માથે હોવાથી શાસક પક્ષમાં ખુરશીના ખેલથી જિલ્લા અને રાજ્ય સ્તરે ભારે નારાજગી ફેલાઇ હોવાના હેવાલ છે.

સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના બેવડા વલણ બાદ નવો વળાંક

અન્ય સમાચારો પણ છે...