• Gujarati News
  • National
  • અદાણીને ઇલેક્ટ્રીક ડ્યૂટીના 1.76 કરોડ ચૂકવવા આદેશ

અદાણીને ઇલેક્ટ્રીક ડ્યૂટીના 1.76 કરોડ ચૂકવવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ભુજ

ભુજમાંગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દ્વારા મેડિકલ કોલેજ શરૂ થઇ ત્યારથી ગત ડિસેમ્બર સુધી બાકી નીકળતી ઇલેક્ટ્રીક ડ્યૂટીના 1.75 કરોડ ચૂકવવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે, જેના પગલે ભુજની પીજીવસીએલ કચેરીમાં સંચાલકો દ્વારા 90 લાખ ચૂકવી દેવાયા છે, જ્યારે બાકીની રકમ પાંચ હપ્તામાં આપવા માટે બાંહેધરી અપાઇ છે.

મેડિકલ કોલેજ શરૂ થઇ ત્યારે જનરલ હોસ્પિટલના વીજ મીટરમાંથી જોડાણ મેળવીને ગાડું ગબડાવી દેવાયું હતું. બાદમાં વ્યવસાયિક ધોરણે કોલેજ ચાલતી હોવાના નાતે અદાણી જૂથને અલાયદું મીટર લગાવવાની ફરજ પાડવામાં આવી હતી. નિયમોનુસાર કોમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા ગ્રાહકને ટેરિફ મુજબ લાઇટ બિલ પર 10થી 25 ટકા ઇલેક્ટ્રીક ડ્યૂટી ભરવાની થાય છે. ઇડીની રકમ વીજ કંપનીને નહીં પણ રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરવામાં આવે છે.

નિયમોની જાણ હોવા છતાં હોસ્પિટલના ઓઠા હેઠળ મેડિકલ કોલેજની ઇલેક્ટ્રીક ડ્યૂટી ભરવાના ભરપૂર પ્રયાસો કરાયા હતા, પણ પીજીવીસીએલની અસરકારક રજૂઆતના પગલે તાજેતરમાં ઇડી કમિશનરે 1.76 કરોડ ભરવા આદેશ આપ્યો હતો. અંગે વધુ વિગતો આપતાં કચ્છના વિશેષ અધિક્ષક ઇજનેર પી.આર. વ્યાસે કહ્યું હતું કે, હોસ્પિટલી સેવાની કેટેગરીમાં આવતી હોવાથી ડ્યૂટી માફ હોય છે, પણ મેડિકલ કોલેજ કોમર્શિયલ ધોરણે ચાલતી હોવાની બાબત વખતોવખત રાજ્ય સરકારના ધ્યાને દોરાઇ હતી. લાંબા સમયથી ઘોંચમાં પડેલો મુદ્દો હવે ઉકેલાઇ થયો છે. આમ, લાંબા સમયથી ગુંચવાયેલું કોકડું ઉકેલાઇ જતાં રાજ્ય સરકારની તિજોરીમાં આવક ચાલુ થઇ ગઇ છે. ભુજ વર્તુળ કચેરીના હિસાબી અધિક્ષક એમ.એમ. જાડેજાના જણાવ્યા મુજબ અદાણી દ્વારા ડિસેમ્બર-16 સુધી નીકળતી ઇડી પેટે 90,85,889 રૂપિયાનું ભરણુ કરી દેવાયું છે, જ્યારે બાકી રહેતી રકમ દર મહિને 21.50 લાખના પાંચ હપ્તામાં ભરી આપવાની સંચાલકો દ્વારા ખાતરી અપાઇ છે.

90 લાખ ચૂકવાયા, બાકીના પાંચ હપ્તા આપવાની બાંહેધરી

અન્ય સમાચારો પણ છે...