તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ અને ભુજ મુન્દ્રામાં એક એક ઇંચ વરસાદ

ગાંધીધામ-અંજારમાં ચાર ઇંચ અને ભુજ-મુન્દ્રામાં એક-એક ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ કચ્છમાં મેઘરાજાએ પડાવ નાખ્યો હોય તેમ બીજા દિવસે શનિવારે ગાંધીધામ અને અંજારમાં ચાર-ચાર ઇંચ ખાબક્યો હતો. ભુજ અને મુન્દ્રામાં ભારે ઝાપટાં રૂપે એક અને નખત્રાણા તેમજ નલિયામાં અડધો ઇંચ જેટલી મહેર થઇ હતી. જો કે, અન્ય તાલુકાઓમાં દિવસભર ઝરમર વરસતાં સારા વરસાદની ઇંતેજારી લંબાઇ હતી.

ગાંધીધામમાં શુક્રવારે અંદાજે સવા ઇંચ વરસાદ પડ્યા પછી બીજા દિવસે પણ મેઘાએ પડાવ નાખ્યો હોય તેમ જણાતું હતું. સવારના 6થી 10 સુધીમાં ચાર કલાકમાં 96 મીમી વરસાદ ખાબકતાં ગાંધીધામના જુદા જુદા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાઇ ગયા હતા. હાઇવે, ચાવલા ચોક, સુંદરપુરી, ભારતનગર, આદિપુરના વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોની હાલત કફોડી બની ગઇ હતી. દુકાન અને ઘરમાં પણ પાણી ભરાતાં આ વરસાદ આફત લઇને આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, ચારેક કલાક સુધી ઝરમરીયા અને ભારે ઝાપટાને કારણે શહેરમાં પાલિકાની કામગીરીને મેઘરાજાએ કામગીરી કરી હોય તેમ દીધી હોય તેમ ચોખ્ખુ ચણાક શહેર બનાવી દીધું હતું. શહેરમાં બે દિવસથી મેઘાએ પડાવ નાખ્યો છે. છેલ્લા અઠવાડીયાથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં મેઘરાજા મન મુકીને વરસતા ન હોય તેવી સ્થિતિ હતી. આજે સવારથી જ મેઘાએ હાજરી પુરાવી તોફાની બેટીંગ શરૂ કરી દીધી હતી. વરસાદના પગલે પાલિકાની નબળાઇ ફરી એક વખત બહાર આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાઇવે પર પણ પાણી ભરાતા તેનો નિકાલ કરવા માટે પાલિકાએ કમર કસી હતી. જ્યારે આવી જ રીતે સુંદરપુરી વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા આ પરીસ્થિતિ પર અંકુશ લાવવાના હેતુથી પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યા સહિતનાએ સ્થળ પર જઇને પગલા ભરાવ્યા હતા. સવારના 10 કલાક પછી ઉઘાડ

... અનુસંધાન પાના નં.11

નિકળતાં રાહત થઇ હતી. જોકે, આ સમય દરમિયાન લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. જ્યારે કેટલાય વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી તે હકીકત છે.

અંજાર ખાતે મેઘરાજાએ શુક્રવારે પ્રથમ રાઉન્ડ બાદ શનિવારે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીનો બીજા રાઉન્ડમાં ધોધમાર હેલી વરસાવતાં શહેરના લોકોમાં દેર આયે દુરસ્ત આયે જેમ ખુશીના માહોલ સાથે શહેરના સવાસર નાકા, સોરઠિયા નાકા, ગંગા નાકા, મુખ્ય બજાર, ગાયત્રી ચાર રસ્તા, સોસાયટી વિસ્તારો અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઇ રહેતાં લોકોએ ખુશીની સાથે પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, લોકોમાં એવી ચર્ચાઓ સાંભળવામળી હતી કે જો ૯૯ એમએમ વરસેલા વરસાદમાં આ પરિસ્થિતિ થઇ છે તો જો ચાર-પાંચ ઇંચ વરસાદ વરસે તો હોનારત જ સર્જાય, પાલિકાનું તંત્ર પ્રિ-મોન્સુન કામગીરીમાં સદંતર નિષ્ફળ રહી છે તે પોલ પાધરી થઇ હતી. હજી પણ વરસાદની આગાહી છે જો પાલિકા યુધ્ધના ધોરણે હવે થોડીક પણ કામગીરી કરી શકે તેમ છે તે નહીં કરે તો લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમાં કોઇ બે મત નથી.

વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ સત્તાપક્ષ તેમજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે આંગળી ચીંધતાં જણાવ્યું હતું કે અવાર નવાર વરસાદી નાલઓ તેમજ પાણીની જાવક માટેના સ્ત્રોતની સફાઇ કરવા માટે રજુઆતો કરવા છતાં કંઇ કામગીરી કરવામાં ન આવી જેને કારણે આટલા વરસાદમાં દુકાનો તેમજ ઘરોમાં પાણી ભરાઇ જવાથી લોકો પરેશન થયા છે.

ભુજમાં શુક્રવારની રાત્રે પોરો ખાઇને શનિવારે સવારના 10થી 2 વાગ્યાના અરસામાં 30 મીલિ મીટર એટલે કે, એક ઇંચ કરતાં વધુ પાણી પડ્યું હતું. સમાન્ય વરસાદ પડવા છતાં કેટલાક વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. સાંજે સૂર્યપ્રકાશ જોવા મળતાં શહેરીજનોએ સેવેલી સારા વરસાદની આશા લંબાઇ હતી.

મુન્દ્રામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે સમગ્ર પંથકમાં ધીમી ધારે 1 ઇંચ પાણી વરસતાં મોસમનો કુલ્લ 69મીમી વરસાદ નોંધાયો હતો.

શહેરી વિસ્તારમાં શાંતીપૂર્વક મેહૂલીયાએ હેત વરસાવતા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.વરસાદના પગલે કાયમ મુજબ સમયાંતરે વીજ ધાંધીયા જારી રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. બેરાજા, બોચા, કારાઘોઘા, સમાઘોઘા, ભુજપર, ભદ્રેશ્વર,વડાલા, ગુંદાલા સહિતમાં ધીમીધારે સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા હતા.

માંડવી તેમજ તાલુકાના કેટલાક ગ્રામ્ય પંથકમાં સવારથી ઝાપટાં વરસ્યાં હતા જેને કારણે માર્ગો પર પાણી વહી નીકળવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પશ્ચિમ કચ્છના નખત્રાણામાં સવારથી બપોર સુધીના અરસામાં 13 મિલી મીટર જેટલું પાણી વરસ્યું હોવાનું કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટી છવાઇ મહેર થતાં ખેડૂતો અને માલધારીઓએ આંશિક રાહતનો દમ લીધો હતો. અબડાસાના મુખ્ય મથક નલિયામાં પણ અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. સતત બીજા દિવસે પણ લખપત તાલુકામાં મેઘ મહેર ન થતાં પશુ પાલકો અને કિસાનો ચિંતિત બન્યા હતા.

પૂર્વ કચ્છના રાપર અને ભચાઉમાં બીજા દિવસે ઝાપટાં વરસવાનું ચાલુ રહ્યું હતું જેને પગલે કિસાન અને માલધારી આલમમાં ખુશી ફેલાઇ હતી. ઘાસચારા અને વાવણી થયેલા પાક માટે કાચા સોના સમાન વરસાદનો દોર ચાલુ રહે તેવી આશા વાગડ પંથકમાં સેવાઇ હતી.

અંજારમાં વીજ શોકના કારણે ગાયનું મોત
અંજાર : અંજારથી મકલેશ્વર ગળપાદર હાઈવેની ચોકડી પર વીજ ડીપીના સંપર્કમાં આવવાથી ગાયનું મોત થયું હતું. બનાવના પગલે રહેવાસીમા પીજીવીસીએલ પ્રત્યે આક્રોશ ફેલાયો હતો. વધુ અનીચ્છનીય બનાવ બને તે પહેલાં વીજ કંપની દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...