• Gujarati News
  • National
  • દયાપર, ગાંધીધામ, ભુજમાં વરસ્યા શ્રાવણના સરવડાં

દયાપર, ગાંધીધામ, ભુજમાં વરસ્યા શ્રાવણના સરવડાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબાસમયના વિરામ બાદ કચ્છમાં ફરી એકવાર વરસાદી માહોલ નિર્માણ પામી રહ્યો છે. બુધવારે સવારના સમયે લખપતના દયાપર સહિતના ગામો તેમજ ગાંધીધામ-ભુજમાં શ્રાવણી સરવરિયાં જેવાં ઝરમર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

ગાંધીધામમાં બુધવારે સવારથી સમયાંતરે વરસાદી ઝાપટાં વરસતા રહ્યા હતા. સત્તાવાર રીતે ગાંધીધામમાં 4 મિલિમીટર વરસાદની નોંધ કન્ટ્રોલરૂમમાં થઇ હતી. હળવા ઝાપટાંના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા.

તરફ બુધવારની વહેલી સવારથી બપોર સુધી લખપત તાલુકાના મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. દયાપર, ઘડુલી, ધારેશી, દોલતપર, નાની વિરાણી સહિત તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ક્યાંક અમીછાંટણા તો કયાંક ઝરમર ઝાપટાં રૂપે વરસાદ વરસ્યો હતો. ભુજ શહેરમાં પણ વહેલી સવારે અને બપોરે ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે, બપોરે જ્યુબિલી સર્કલ આસપાસના વિસ્તારમાં પાણી વહી નીકળે તેટલું ઝાપટું વરસતું હતું, ત્યારે લાલન કોલેજ, મંગલમ્ સહિતના વિસ્તારોમાં કોરોધાકોડ માહોલ જોવા મળ્યો હતો. નખત્રાણાના કોટડા (જડોદર)માં પણ સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. તરફ કચ્છ પર 1.6થી 3.1 કિ.મી.ની ઉંચાઇએ સરક્યુલેશન સર્જાતા તેની અસર તળે 3 દિવસ સુધી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે, તો મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી ઉપર રહેતાં ભુજ, ગાંધીધામ સહિતના શહેરોમાં ભારે ઉકળાટનો અનુભવ થયો હતો.

દયાપરમાં પડ્યા છાંટા

અન્ય સમાચારો પણ છે...