• Gujarati News
  • National
  • કચ્છમાં ગરમી વધતાં જીવજંતુ કરડવાના કિસ્સા વધ્યા

કચ્છમાં ગરમી વધતાં જીવજંતુ કરડવાના કિસ્સા વધ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંવરસાદની કાગડોળે જોવાતી રાહ વચ્ચે છેલ્લા 2 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં જીવજંતુ કરડવાના કિસ્સામાં નોંધપાત્ર ગણી શકાય તેવો વધારો થયો છે. ગરમીના લીધે દરની અંદર રહેતા સાપ, વીંછી જેવા જીવજંતુઓ દરની બહાર નીકળી આવતાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા લોકોને આવા જીવજંતુઓએ ડંખ માર્યા હોવાના કિસ્સા પોલીસ ચોપડે પણ ચડ્યા છે.

હોસ્પિટલ પોલીસ ચોકીએથી મળેલી વિગત અનુસાર રવિવાર અને સોમવારના 2 દિવસ દરમિયાન કચ્છમાં અલગ-અલગ સ્થળે સાપ અને વીંછી કરડવાના કિસ્સા નોંધાયા છે.

સાપ અને વીંછીના ડંખની અસરવાળા 4 લોકોને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તો વિતેલા પખવાડિયાના સમયમાં સર્પદંશના કુલ 7થી વધુ બનાવ બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવારના સમયગાળા દરમિયાન ભુજના ચકાર (કોટડા), મિરજાપર તેમજ માંડવી તાલુકાના મોટી ભાડઇ ઉપરાંત ખારડિયામાં 4 લોકોને સાપ અને વીંછીએ ડંખ માર્યા છે.

કેટલાક કિસ્સામાં આવા ઝેરી જીવજંતુના ડંખ જીવલેણ પણ સાબિત થતા હોય છે, ત્યારે વાડીવિસ્તાર કે પછી અંતરિયાળ ગામડામાં રહેતા લોકોએ ચોમાસા દરમિયાન પૂરતી તકેદારી દાખવવી જોઇએ, તેવો તબીબોનો મત છે, તો સરહદના સંત્રી એવા સૈનિકોને પણ આવા ઝેરી જીવજંતુ કરડ્યા હોવાના કિસ્સા પણ અનેકવાર સામે આવી ચૂક્યા છે.

પાછલા 2 દિવસ દરમિયાન 4 લોકોને સર્પ અને વીંછીએ ડંખ માર્યો

અન્ય સમાચારો પણ છે...