તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાથમિક શિક્ષકોની પરીક્ષાનો શિક્ષક સમાજ દ્વારા વિરોધ

પ્રાથમિક શિક્ષકોની પરીક્ષાનો શિક્ષક સમાજ દ્વારા વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષકોની આગામી સમયમાં ઓ.એમ.આર. આધારિત 150 ગુણની કસોટી લેવાની ગતિવિધિઓ સામે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજે નારાજગી દર્શાવી છે.

ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજાએ આ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ પાસે લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે. તેમની રજૂઆત મૂજબ પ્રાથમિક શિક્ષકો શિક્ષક તરીકેની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. સરકાર માન્ય ડિગ્રીઓ તથા શિક્ષક તરીકેની યોગ્ય લાયકાત ધરાવતા હોવા છતાં તેમના પર શંકા રાખી તેમની કસોટી લેવાની બાબતને દુઃખદ ગણાવી છે. ગુણોત્સવ જેવા કાર્યક્રમમાં શાળા તથા શિક્ષકોને મળતા ગ્રેડ એ એક પ્રકારની શિક્ષકોની પરોક્ષ પ્રકારે પરીક્ષા જ છે ત્યારે આ પ્રકારની નવી પરીક્ષાની કોઇ જ આવશ્યકતા ન હોવાનું જણાવ્યું હતું.

હવે તો ભરતી પૂર્વે ઉમેદવારોની ટેટ જેવી પરીક્ષા લેવાય છે અને તેમાં ઉચ્ચ ગુણાંક મેળવનારને જ શિક્ષક તરીકે સમાવાય છે. વળી વર્ષોથી સેવામાં કાર્યરત અનુભવી શિક્ષકોની પરીક્ષા લઇ તેમની ગરીમા , નિતિમતા અને યોગ્યતા પર શંકા સેવવી એ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશભાઇ ગોસ્વામીનો સંપર્ક સાધતા તેમણે પણ પ્રાથમિક શિક્ષણ માટે એકલા શિક્ષકો પર જ દોષારોપણ કરવું અયોગ્ય ગણાવી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આગામી રવિવારે અમરેલી મુકામે યોજાનાર શૈક્ષણિક અધિવેશનમાં રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલને રૂબરૂ મળી રજૂઆત સાથે આવેદનપત્ર અપાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...