Home » Kutchh » Bhuj » ઠેકેદારને 100 કિ.ગ્રા.ના 1 બાટલાના 19500 રૂપિયા ચૂકવાશે

ઠેકેદારને 100 કિ.ગ્રા.ના 1 બાટલાના 19500 રૂપિયા ચૂકવાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

તમામ જવાબદારી ઠેકો લેનારી પાર્ટીએ નિભાવવાની રહેશે

  • ઠેકેદારને 100 કિ.ગ્રા.ના 1 બાટલાના 19500 રૂપિયા ચૂકવાશે
    ભુજ નગરપાલિકા દ્વારા પીવાના પાણીને શુદ્ધ અને સલામત કરવા માટે પ્રવાહી ક્લોરિનને બદલે હવે ગેસ ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવશે. જેનો 100 કિ. ગ્રા.ના 1 બાટલાનો 19500 રૂપિયામાં ઠેકો પણ અપાઈ ગયો છે.

    નગરપાલિકાના ભુજીયો, રાવલવાડી, શિવકૃપા અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં નાના મોટા ટાંકા અને સંપ આવેલા છે, જેમાંથી બોર અને નર્મદાના પાણીનું નળ વાટે વિતરણ કરવામાં આવે છે. લોકોને પીવાનું પાણી વિતરણ કરતા પહેલા પાણીનું ક્લોરિનેશન કરવાનું હોય છે, જેથી પાણી સ્વાસ્થ્ય માટે શુદ્ધ અને સલામત બની રહે. જે માટે ઓપરેટરને પ્રવાહી ક્લોરિન પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ ક્યારેક ક્લોરિન ખૂટી જાય તો ઓપરેટર દ્વારા મંગાવવાની તસદી લેવામાં આવતી નહોતી અને ક્લોરિનેશન વિના જ પીવાના પાણીનું વિતરણ કરી દેવાતું હતું, જેથી શહેરમાં નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝાડા ઉલ્ટીની બીમારી થઈ જતી હતી. જે હકીકત છેલ્લે સંજોગનગરમાં મદ્રેશાની બાળાઓને ફૂડ પોઈઝન થયા બાદ બહાર આવી હતી. જોકે, હવે શહેરીજનોને નિયમિત શુદ્ધ અને સલામત પાણી મળશે. કેમ કે, નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચે પ્રવાહી ક્લોરિનને બદલે ગેસ ક્લોરિન વાપરવાનો નિર્ણય લીધો છે અને તે માટે ઠેકો પણ અપાઈ ગયો છે. ઠેકેદાર દર 100 કિ.ગ્રા.નો 1 બાટલો 19500 રૂપિયામાં પૂરું પાડશે. વળી તમામ જવાબદારી ઠેકેદારે નિભાવવાની રહેશે, જેમાં ગેસ ક્લોરિનેશન કરવું, નિભાવ કરવું, ઘરોઘર ચેકિંગ કરવું સહિતની સર્વિસ આપવાની રહેશે. જેનો રોજેરોજ રિપોર્ટ પણ કરવાનો રહેશે.

    ભુજ નગરપાલિકા ગેસ ક્લોરિનથી કરશે પીવાના પાણીને શુદ્ધ સલામત

    1 MLD પાણીમાં 4 કિ.ગ્રા. ક્લોરિનનો ઉપયોગ થશે

    ખરાઈ માટે વોટર સપ્લાય બ્રાન્ચના એન્જિનિયર ભાવિક ઠક્કરનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે સમર્થન આપતા કહ્યું હતું કે, હા, ગેસ ક્લોરિનનો ઉપયોગ કરવાનો ઘણા સમય પહેલા જ નિર્ણય લેવાઈ ગયો હતો અને તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ હતી. 1 એમએલડી પાણીમાં 4 કિ.ગ્રા. જેટલો ગેસ ક્લોરિન વાપરવામાં આવતો હોય છે. જોકે, હજુ પ્રાથમિક તબક્કે ટેસ્ટિંગ ચાલુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending