• Home
  • Kutchh
  • Bhuj
  • સિવિલ સર્જન બદલાયા, હવે માત્ર ત્રણ દિવસ જ સેવા મળશે

સિવિલ સર્જન બદલાયા, હવે માત્ર ત્રણ દિવસ જ સેવા મળશે

સિવિલ સર્જન બદલાયા, હવે માત્ર ત્રણ દિવસ જ સેવા મળશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:15 AM IST
ભુજની જનરલ હોસ્પિટલમાં ફુલ ટાઇમ સેવારત મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને મુકાયેલા નવા અધિકારીની ફરજ મર્યાદિત કરાતાં હવે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસજ તેમની સેવા મળશે.

બુધવારે સાંજે ગાંધીનગરથી છૂટેલા આદેશમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયને મુક્ત કરીને જનરલ હોસ્પિટલમાં જ પેથોલોજી વિભાગમાં મુકવામાં આવ્યાં છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા આ તબીબ અગાઉ પૂર્ણ કાલિન સેવા આપતાં હતા તેમને મુક્ત કરાયા છે. તેમના સ્થાને ભુજની પાલારા જેલમાં ફૂલ ટાઇમ ફિઝિશિયન તરીકે સેવારત ડો. કશ્યપ બુચને મુકાયા છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ડો. બુચ ત્રણ દિવસ પાલારામાં અને ત્રણ દિવસ જનરલ હોસ્પિટલમાં સીડીએમઓ તરીકે સેવા આપશે. જો કે, કયા ત્રણ દિવસ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ અંગે અધિક નિયામ (તબીબી) ડો. નિશિથ ધોળકિયાનો સંપર્ક સાધતાં તેમણે બદલીના આદેશ થયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સીડીએમઓની સેવા માત્ર ત્રણ દિવસ પૂરતી કેમ મર્યાદિત કરાઇ તેમ પૂછતાં તેમણે કહ્યું હતું કે, આ રાજ્ય સરકારનો નિર્ણય છે જે લોકોના હિતમાં જ લેવાયો હશે.

ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. એન. એન. ભાદરકાનો સંપર્ક સાધતાં તેમણે પણ બદલીની વાતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકલાંગતા પ્રમાણપત્ર, પેન્શનર્સના મેડિકલ બિલ તેમજ અન્ય કેટલાક કામો માટે સિવિલ સર્જનની સહી આવશ્યક હોય છે. આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં પણ તેમની હોસ્પિટલમાં હાજરી જરૂરી બની રહે છે. બીજી બાજુ સિવિલ સર્જનની સેવા ત્રણ દિવસ માટે મર્યાદિત કરી દેવાઇ છે જેને કારણે દર્દીઓ તેમજ લાભાર્થીઓને અગવડ પડશે કે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.

X
સિવિલ સર્જન બદલાયા, હવે માત્ર ત્રણ દિવસ જ સેવા મળશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી