• Gujarati News
  • National
  • ઘાસડેપો શરૂ થયા પણ ઘાસચારો ક્યાંય નથી

ઘાસડેપો શરૂ થયા પણ ઘાસચારો ક્યાંય નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર નેટવર્ક.ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, નલિયા, મુન્દ્રા, દયાપર

2 જેઠ માસ પુરા થઇ ગયા છે અને હવે તો ચોમાસાનો ઘોરીમાસ ગણાતો અષાઢ પણ પુરો થવાના આરે છે. ચોમાસાનો મહત્વનો સમયગાળો પુરો થઇ જવા છતાં કચ્છમાં હજુ સુધી વરસાદે દસ્તક જ દીધી નથી. દુષ્કાળના વાગતા ડાકલા વચ્ચે કચ્છમાં પાણી અને ઘાસચારાની સ્થિતી દિવસેને દિવસે વિકટ બની રહી છે. વરસાદ ખેંચાતા રાજય સરકારે તાકીદના પગલાંના ભાગરૂપે ઘાસડેપો ખોલવાની સુચના આપી હતી. ઘાસડેપોની મંજુરી આપી દેવાઇ કેટલાક ડેપો ચાલુય થયા પણ ઘાસચારો તો જિલ્લામાં કયાંય મળતો ન હોવાની દર્દસભર વેદના માલધારીઓ વ્યકત કરી રહ્યા છે. હવે તો વરુણદેવની કૃપા વરસે તો જ અમારા પશુઓ બચી શકસે તેવી હૃદયસ્પર્શી વાત પણ કરાઇ રહી છે.

વહિવટીતંત્રના દાવા અનુસાર અત્યાર સુધી જિલ્લામાં 62 ઘાસડેપો શરૂ કરવા મંજુરી અપાઇ છે. રાજયના 4 જિલ્લામાંથી 20 લાખ કિલ્લો ઘાસનો જથ્થો ફાળવી વિતરણ શરૂ કરાયું છે. તંત્રનો દાવો ચકાસવા દિવ્ય ભાસ્કરે પ્રયાસ કરતાં મંજુર થયેલા ઘાસડેપોમાંથી અડધો અડધ ઘાસડેપો હજુ શરૂ ન થવાની વિગત સામે આવવા ઉપરાંત મોટાભાગના તાલુકાઓમાં પશુપાલક -માલધારીઓએ ઘાસચારો જ ન મળતો હોવાનું કહી હવે તો અમારે હિજરત કરે જ છુટકો તેવી વાત ઉંડા નિસાસા સાથે કરી હતી.

અબોલ જીવોની વેદના| સરકાર મોટેપાયે ઘાસ મોકલવાનો દાવો કરે છે ત્યારે મોટાભાગના તાલુકામાં ઘાસ ન હોવાની પશુપાલકોની વાત
ભુજ તાલુકાનું પશુધન ભગવાન ભરોસે
ભુજના બન્ની સહિતના વિસ્તારના જિવનનિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન જ છે. વરસાદ ખેંચાતા પરિસ્થિતી નાજુક બની રહી છે. ઘાસના અભાવે પશુધન તો હાલમાં ભગવાનના ભરોસે હોવાની વાસ્તવીકતા નજરે પડી રહી છે. બન્ની વિસ્તારમાં દોઢ લાખ સહિત કુલ્લ અઢી લાખથી વધુનુ પશુધન નોંધાયેલું છે. 17 જેટલા ઘાસડેપો કાર્યરત કરાયાનો દાવો છતાં મોટાભાગના ઘાસડેપોમાંથી પુરતું ઘાસ મળતું નથી. પખવાડિયા પૂર્વે સામાન્ય વરસાદમાં ઉગેલ ઘાસ પણ હવે અલોપ થઇ ગયું છે. હવે તો મેઘરાજા મહેર વરસાવે તોજ સ્થિતીમાં સુધારો આવી શકે તેવું તંત્રના દાવા સામે માલધારી પશુપાલકો જણાવી રહ્યા છે.

ઘાસના અભાવે લખપતમાં પશુઓની હાલત કફોડી
સુકા મુલક એવા લખપતમાં વરસાદના અભાવે અછતની સ્થિતી ઘેરી બની રહી છે. ઘાસના અભાવે આ સરહદી તાલુકાના પશુધનની હાલત વધુને વધુ કફોડી બની રહી છે. જો અત્યારે આટલો કપરો સમયગાળો ચાલ રહ્યો છે. તો આગામી દિવસોમાં કેવી વિકટ સ્થિતી સર્જાશે તેની કલ્પના માત્રથી માલધારીના રૂંવાડા ઉભા થઇ રહ્યા છે. તાલુકામાં 4 ઘાસડેપો કાર્યરત કરી 1500 ઘાસડેપો આપી દેવાયા પણ મોટાભાગના ઘાસડેપોમાં ઘાસ જ ઉપલબ્ધ નથી તો આ ઘાસકાર્ડ શા કામના તેવા સવાલ માલધારીઓ ઉઠાવી રહ્યા છે. અગાઉ ગમે તેટલી જમીન હોય તો ઘાસચારો અપાતો આ વખતે કેટલાક કડક નિર્ણય અમલી બનાવતાં માલધારીઓની દુવિધા અનેકગણી વધી ગઇ છે.

અબડાસામાં ઘાસ વિતરણમાં વ્હાલા દવલાની નિતી
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા અબડાસા તાલુકામાં વરસાદના અભાવે ચિંતાજનક સ્થિતીનું નિર્માણ થયું છે. અબડાસા તાલુામાં 4 ઘાસડેપો શરૂ કરી 2299 ઘાસકાર્ડ આપી દઇ 22410 કિલ્લો ઘાસનું વિતરણ કરાયાનો તંત્ર તો દાવો કરે છે. જોકે ઘાસ વિતરણમાં વ્હાલા દવલાની નિતી અપનાવાતી હોવાનો આરોપ કેટલાક માલધારીઓ કરી રહ્યા છે. અમુક માલધારીઓને ઘાસનો જથ્થો મળી જાય છે. તો અમુક માલધારીઓ ભાડાનું વાહન ખર્ચી ઘાસડેપોમાં જાય તો તેમને ઘાસ મળતુંજ નથી. તાલુકામાં ઘાસડેપો પણ દુર દુરના વિસ્તારમાં બનાવાયેલા હોવાના લીધે ભારે હાલાકીય વેઠવી પડે છે.

રાપર તાલુકાના ઘાસડેપોમાં ઘાસ જ નથી પહોંચ્યું
રાજયમાં સૌથી ઓછો વરસાદ પડયો છે એવા રાપર તાલુકામાં ઘાસચારાના અભાવે પશુઓની હાલત કફોડી બની ગઇ છે. તાલુકામાં 4 ઘાસડેપો મંજુર તો કરાયા છે પણ એક પણ ડેપોમાં ઘાસનો જથ્થો ન પહોચતાં માલધારીઓએ ઘાસકાર્ડ બનાવી લીધાની તૈયારી કરી લીધી હોવા છતાં ઘાસ ન મળવાના લીધે હવે તો હિજરત કરવી જ પડશે તેવું માલધારીઓ ચિંતાયુકત સ્વરે જણાવી રહ્યા છે. રાપરની પાંજરાપોળમાં પણ જેનો નિભાવ થાય છે અવા 9000 પશુઓને ઘાસચારો પુરો પાડવો કપરો બની રહ્યો છે. કેટલાક માલધારીઓએ જો રાહતદરે ઘાસ વિતરણ શરૂ નહિ થાય તો ઢોર સાથે ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

માંડવી તાલુકામાં પશુઓ ઘાસ માટે દર દર ભટકે છે
માંડવી તાલુકામાં સવા લાખ જેટલા પશુઓ હાલ ઘાસના અભાવે મોતના મુખમાં ધકેલાય તેવી ભીતી માલધારીઅ વ્યકત કરી રહ્યા છે. પશુઓ ઘાસ મેળવવા માટે દર દર ભટકે છે પણ તેમને ઘાસ તો નસીબ થતું જ નથી. તાલુકામાં 18,000 જેટલા માલધારીઓ વસવાટ કરે છે. પુરતો ઘાસનો જથ્થો ન મળવાના કારણે માલધારીઓ હવે તો હિજરત કરવાની તૈયારી કરી ચુકયા હોવાનુ઼ં કેટલાક માલધારીઓઅે વાતચીત કરતા જણાવ્યું હતું. પુરતી સંખ્યામાં ઘાસડેપો ચાલુ ન થતાં સુકો અને લીલોચારા માટે 3થી 4 ગણા પૈસા ખર્ચવાની સક્ષમતા મોટાભાગના માલધારીઓ પાસે ન હોતાં હવે તેમના પાસે હિજરત કરવા સિવાયનો કોઇ રસ્તો જ રહ્યો નથી.

વરસાદ ખેંચાતા 4 ઘાસડેપો ખોલવામા આવ્યા છે. તાલુકામાં 5 પશુઓની મર્યાદામાં 6.54 લાખ કિલો ઘાસની જરૂરીયાત છે પણ તેની સામે ઘાસનો જથ્થો અપુરતો મળતો હોવાનો કચવાટ માલધારીઓએ વ્યકત કર્યો હતો. સ્થાનિકેથી દરખાસ્ત કરાઇ છે તેટલો જથ્થો મળવાપાત્ર થયો નથી. અપુરતા ઘાસને કારણે પશુધનની હાલત વધુને વધુ નાજુક બની રહી છે.

મુન્દ્રામાં ઘાસડેપો માટેની દરખાસ્ત જ કરાઇ
સમગ્ર કચ્છમાં નબળા વરસાદને કારણે અછતના એંધાણ વાર્તાતા મુન્દ્રા તાલુકાની પાંજરાપોળોએ ઘાસ એકત્રિત કરવાની તૈયારી આરંભી છે. આ અંગે ગ્રામ્ય વિસ્તારો ગુંદાલા,ભુજપર,પ્રાગપર સહિત મુન્દ્રાની ગૌશાડાઓમાં દાતાઓના સહયોગથી રોજા રોજ નો ઘાસચારો ઉપલબ્ધ છે જ્યારે સ્થાનિકે ના નાયબ મામલતદારનો સંપર્ક કરતા તેમણે તાલુકાના મોટી ભુજપુર,રામણિયા, નવી નાળ, સમાઘોઘા ગામોમાં ઘાસ ડેપો શરૂ કરવા અંગેની દરખાસ્ત કલેક્ટર કચેરી સમક્ષ કરવામાં આવી છે જે બાબતે સમતી મળતા તુરંત ડેપો કાર્યરત કરવામાં આવશે તે બાબતથી માહિતગાર કર્યા હતા.આમ આ તાલુકામાં સ્થિતી તો વીકટ જ દેખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...