• Gujarati News
  • National
  • નગરપાલિકાના સત્તાધીશો ઉંઘતા રહ્યા અને એપાર્ટમેન્ટમાં દુકાનો થઇ ગઇ

નગરપાલિકાના સત્તાધીશો ઉંઘતા રહ્યા અને એપાર્ટમેન્ટમાં દુકાનો થઇ ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કલ્યાણેશ્વરના મંદિરની સામે આવેલી ઐતિહાસિક સેલોર વાવ પર છ મહિના પૂર્વે સ્લેબ ભરી નાખવામાં આવી હતી ત્યારે તેને અડીને આવેલા એપાર્ટમેન્ટમાં ભોંયતળિયે દુકાનો થઇ જતી રોકવામાં આવશે એવી નગરપાલિકાએ આપેલી ખાત્રીના લીરા ઉડાડી નાખતા હોય એમ અહીં દુકાનો બની ગઇ છે ત્યારે આ વાવને જ મૂળ સ્વરૂપમાં લાવવા માજી નગરપતિ અને શહેર ભાજપના અગ્રણી કિરીટ સોમપુરાએ માંગણી કરી છે.

એક અખબારી યાદીમાં સોમપુરાએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા સેલોર વાવ પર સ્લેબ નખાતી હતી ત્યારે તે વખતના નગરપતિ અશોક હાથી સમક્ષ તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ સ્લેબ નાખવાથી અડીને ઉભેલા એપાર્ટમેન્ટમાં દુકાનો થશે. ત્યારે હાથીએ એવું આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં થવા દેવાય. અલબત, છ મહિનામાં જ આ ખાત્રી હવામાં ઉડી ગઇ છે અને હવે દુકાનો થઇ ગઇ છે. આ મામલે સોમપુરાએ આજે નગરપતિ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન વગેરેને રૂબરૂ પત્ર પાઠવી આ વાવ પરનો સ્લેબ દુર કરી મુળ સ્વરૂપે તેને લાવી ઐતિહાસિક ધરોહર બચાવવા રજૂઆત કરતા સત્તાધીશોએ સેલોરવાવ મૂળ સ્વરૂપે લાવવા ખાત્રી આપી છે.

સેલોર વાવ પરની સ્લેબ દૂર થશે તો જ ઐતિહાસિક ધરોહર બચી શકશે
ત્યારે કલેકટર વરસાદ વચ્ચે દોડ્યા હતા
સોમપુરાના કહેવા મુજબ આશરે 25 વર્ષ પૂર્વે બિલ્ડર દ્વારા સેલોરવાવ પર આરસીસી સ્લેબ નાખવાનું કામ ચાલુ થતા વરસાદ ચાલુ હતો અને તત્કાલીન કલેકટર રંધાવાના બંગલે દોડી જઇને ભાજપના કાર્યકરોએ રજૂઆત કરી હતી. સંવેદનશીલ કલેકટર પણ વરસાદની વચ્ચે ઘટના સ્થળે દોડી ગયા હતા અને કામ બંધ કરાવ્યું હતું.

નગરપાલિકાની મિલીભગત ω?
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાના તાજેતરમાં વિદાય થયેલા અધિકારી-પદાધિકારી પણ આ સ્લેબ કૌભાંડમાં સંડોવાયેલા હતાં. જ્યારે લાભાર્થી પાર્ટીએ સ્લેબ નાખી ત્યારે પણ તે મામલે ભેદી રીતે આંખ મિચામણા કરવામાં આવ્યા હતાં. વળી, નગરસેવકોમાંથી જ એક આક્ષેપ એવો પણ થઇ રહ્યો છે કે સ્લેબ નાખવાનો ખર્ચ પણ લાભાર્થી પાર્ટીએ કર્યો હતો અને તેનું બિલ પાલિકામાં ઉઘારવામાંં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...