હોદેદારના પ્રેમ પ્રકરણથી રાજકીય પક્ષને થયું નીચાજોણુ
ભુજમાં રાજકીય પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં ઉચ્ચ હોદે બેઠેલી વ્યક્તિનું પરીણિત મહિલા ઉપર દિલ અાવી ગયું હતું, જેથી વિવેકભાન ભૂલીને કોલ કરવા લાગ્યો હતો. પરીણિતાના પતિને શંકા જતા ફોન નંબર ઉપરથી શકમંદને પકડી પાડ્યો હતો. જોકે, ખરા સમયે પક્ષના અાગેવાનો હરકતમાં અાવ્યા હતા, જેથી છાપરે ચડેલું પાપ છાપે નહોતું ચડ્યું.
ન્યૂ સ્ટેશન રોડમાંથી અેક રસ્તો સીધો અેક સદી જોઈ ચૂકેલા રાષ્ટ્રીય પક્ષના જિલ્લા કાર્યાલય પાસે ફૂટે છે. જે પક્ષના જિલ્લા કક્ષાના હોદેદારને અેક પરીણિત મહિલા ઉપર દિલ અાવી ગયું હતું, જેથી પક્ષના કાર્યાલયના ફોન નંબર ઉપરથી રોજ મહિલાને કોલ કરતો હતો અને કહેતો હતો કે, ‘ચા કિં’. જોકે, ‘ચા કિં, ચા કિં’ કહેતા કહેતા અેક દિવસ કહી દીધું હતું. જોકે, અે દરમિયાન પરીણિતાના પતિને વારંવા અાવતા કોલ ઉપરથી શંકા ગઈ હતી, જેથી મોબાઈલમાંથી કોલ રિસીવમાં જઈને ફોન નંબર મેળવી લીધા હતા. જેના ઉપરથી તપાસ કરતા સ્થળ અને વ્યક્તિની અોળખ મેળવી લીધી હતી. જે બાદ કાર્યાલયમાં પ્રેમ પ્રકરણનો ‘ફેક્સ’ ઉતાર્યો હતો. જોકે, ખરા સમયે હોદેદારને કારણે પક્ષની અાબરું જતી બચાવવા અાગેવાનો હરકતમાં અાવ્યા હતા અને છાપરે ચડેલા પાપને છાપે ચડતું અટકાવ્યું હતું, જેથી સમગ્ર મામલો દબાઈ ગયો હતો. બાદમાં ધીરે ધીરે વાત વહેતી થઈ હતી અને સાૈને ખ્યાલ અાવ્યો હતો કે, અે મહાશય ‘દિલ ફેંક વૃતિ’ના છે. તેઅો હંમેશા ‘જબ ભી કોઈ લડકી દેખુ, મેરા દિલ દિવાના બોલે, અોલે... અોલે...’ કરવા લાગી જાય છે. જોકે, પાર્ટી અેવા મહાશયની પ્રેમલીલાથી અકળામણ અનુભવી રહી છે, પરંતુ હાલ સમય સંજોગોની નજાકત સમજી ચૂપ છે.