તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળપ્રદૂષણની નિયત સરહદ વટાવનાર સરહદ ડેરીને GPCBની ક્લોઝર નોટિસ : આજે વીજકનેકશન કપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના લાખોંદ પાટિયા નજીક આવેલી સરહદ ડેરીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિયત પ્રદૂષણની સરહદ ઓળંગી જતા જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફરકારી છે, જેના પગલે બુધવારે સવારે પીજીવીસીએલ સરહદ ડેરીનું વીજ કનેક્શન કાપી નાખશે.

સરહદ ડેરી સ્થિત સૂત્રોએ જણાવ્યું કે,જળપ્રદૂષણના મુદ્દે ફેબ્રુઆરી અંતમાં નોટિસ અપાઈ હતી. જો કે થોડા દિવસ અગાઉ જયારે પીજીવીસીએલ વીજકનેક્શન કાપવા ગયું, ત્યારે ખુદ જીપીસીબીના આલા અધિકારીએ તેમ કરતા રોક્યા હતા. જો કે ઓર્ડર પણ જીપીસીબીએ જ કર્યો હતો. આ મુદ્દે કુકમા સબડિવિઝનના નાયબ ઈજનેર એમ.એચ સાધુએ બુધવારે વીજકનેક્શન કાપવાની વાતને સમર્થન આપી જણાવ્યું કે, ક્લોઝર નોટિસના આધારે કુકમાની ટીમ સવારે સરહદ ડેરીનું કનેક્શન કાપી નાખશે.

જીપીસીબીના અધિકારી ડો.અગ્રાવત અને કાર્યપાલક ઈજનેર વરસાણીએ ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું. હાલના તબક્કે સરહદ ડેરીના ઇફ્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાટની કાર્યદક્ષતા યોગ્ય ન હોતા, અને ચીમનીમાંથી કાળા ધુમાડાના હવા પ્રદૂષણનો મુદ્દો પણ તંત્રના ધ્યાને આવતા એક્શન લેવાયા હતા. અત્રે નોંધનીય છે કે,આરટીઆઈ એક્ટિવીસ્ટ એચ.એસ આહિરે સરહદ ડેરી સામે લડાઈ છેડી છે, ત્યારે નોટિસ મુદ્દે સુષુપ્ત તંત્રને ઢંઢોળતાં વીજતંત્ર એક્શનમાં આવ્યું હતું.

ગત વર્ષે ભાસ્કરે ઉઠાવ્યો હતો પ્રશ્ન,અંતે તંત્રને દેખાયું
મે 2018માં દિવ્યભાસ્કરે સ્પષ્ટ લખ્યું હતું કે,ઉત્પાદન બાદ દરરોજ 1,60,000 લીટર વેસ્ટ વોટર સરહદ ડેરી છોડે છે,જે પૂરતા પ્રમાણમાં ફિલ્ટર અને પ્રોસેસ ન થઇ શકતા વધારાનું પાણી ખેતરો,નદી કે તળાવમાં છોડાય છે ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પર પ્રશ્ન ઉઠ્યા હતા.જો કે આ વાતને 11 મહિના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...