• Gujarati News
  • National
  • Bhuj News Exhibition Of Isro In Bhuj Progress Is Guaranteed If Students Develop A Scientific Approach To Life 061546

ભુજમાં ઇસરોનું પ્રદર્શન : વિદ્યાર્થીઓ જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે તો પ્રગતિ નિશ્ચિત છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા લોકો અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિથી વાકેફ થાય તેમજ આ ક્ષેત્રમાં આગળ વધવાનો ઉત્સાહ વધે તેવા ઉદ્દેશ સાથે વિક્રમ સારાભાઇ શતાબ્દી અંતર્ગત ભુજની આર.ડી.વરસાણી સ્કુલમાં ઈસરો સ્પેસ એન્ડ સાયન્સ એક્ઝીબીશન સોમવારથી શરૂ થયો છે. જેમાં ઈસરોના ચાર પૂર્વ વૈજ્ઞાનિક દ્વારા પ્રદર્શન અને માહિતી અપાઈ રહી છે. બે દિવસમાં 20 હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લઇ સમજ મેળવી હતી.

ઈસરોના આ પ્રદર્શનમાં રોકેટ અને સેટેલાઈટ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ, વિજ્ઞાન પ્રદર્શન, લાઇવ રોકેટ લોન્ચ,ઈસરોના વૈજ્ઞાનિકો સાથે રૂબરૂ મળવાની તક અને સમજ માટે સંવાદ ચંદ્રયાન, મંગળ અભિયાન જેવા મહત્વના મુખ્ય આકર્ષણ છે. માહિતીસભર પ્રયાસ અંગે પ્રકાશ પાડતા પૂર્વ વૈજ્ઞાનિક જયંતીભાઈ જોશી જણાવે છે કે, ભુજમાં સોમવારથી પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીના હસ્તે ખુલ્લું મુકાયા બાદ મોટી સંખ્યામાં લોકોએ રસ દર્શાવ્યો છે, જે ખરેખર બતાવે છે કે કચ્છમાં અવકાશ વિષે અને ઈસરો વિષે જાણવામાં લોકોને ખુબ ઉત્કંઠા છે. નાના નાના વિદ્યાર્થીઓ પણ પ્રશ્નો પૂછીને સમજ મેળવે ત્યારે ખુબ આનંદ થાય છે. ઈસરો દ્વારા વિવિધ રોકેટ અને સેટેલાઈટના હુબહુ મોડેલ બનાવેલ છે તેના વિષેની માહિતી ત્યાં ઉપસ્થિત સ્ટાફ માહિતગાર કરે છે,ભવિષ્યમાં ગગન અભિયાન અંગે માહિતી આપવામાં આવે છે.પૂર્વ વૈજ્ઞાનિક દિલીપ દવેએ જણાવ્યું હતું કે, લોકોમાં અવકાશ વિજ્ઞાન અંગે જાણકારી વધે તે માટે ગુજરાતના મુખ્ય શહેરોમાં આ આયોજન કરાયું છે. પી.એસ.એલ.વી. અને જી.એસ.એલ.વી. રોકેટની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. બે દિવસમાં મળેલા પ્રતિસાદ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, કચ્છના યુવાનોમાં ક્ષમતા છે, જરૂર છે યોગ્ય પ્રોત્સાહનની. સાયન્સ એટલે માત્ર વિજ્ઞાન પ્રવાહનો એક વિષય નથી.

20 હજારથી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો અને શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી

ભુજમાં ત્રિદિવસીય પ્રદર્શન : કચ્છના યુવાનોમાં ક્ષમતા છે, જરૂર છે યોગ્ય પ્રોત્સાહનની : જયંતીભાઈ જોશી (ISRO)


અન્ય સમાચારો પણ છે...