તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Attempts To Promote Border Tourism Along With The Renaissance In Kutch Have Ceased 061542

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં રણોત્સવની સાથે સરહદ પ્રવાસનને પ્રોત્સાહન અાપવાના પ્રયાસ સાવ બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાં રણોત્સવની સાથે સરહદ પ્રવાસનને પ્રોત્સાહન અાપવાના પ્રયાસ સાવ બંધ કરી દેવાયા છે ત્યારે મોટા રણના પૂર્વીય છેડે બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ નજીક સરહદ પ્રવાસનનો સૂર્ય ધીમે ધીમે ઉગી રહ્યો છે. કચ્છમાં સરહદ પ્રવાસન લોકપ્રિય બની રહ્યું હતું તેવા સમયે જ અેકાઅેક કેમ બંધ કરી દેવાયું અે સમજાતું નથી. અગાઉ પ્રવાસન નિગમની પેકેજ ટુરમાં પાકિસ્તાનની હદને સ્પર્શતી વીઘાકોટ ચોકી સુધીનાે કાર્યક્રમ સામેલ હતો. જે લોકો સરહદે જતા તેઅો પાકિસ્તાની રેન્જર્સ અને પાકિસ્તાની ગામ દુરબીનથી જોઇને ભારે રોમાંચિત થતા હતા. 2010માં 650 જેટલા પર્યટકો 17 બસમાં બેસીને વીઘાકોટ ગયા હતા અને 2011માં અા અાંક 1900 સુધી પહોંચી ગયો હતો. છતાં, ત્યાર પછી અેકાઅેક પેકેજ ટુરમાંથી વીઘાકોટ યાત્રા પડતી મુકાઇ. જો કોઇઅે સરહદે જવું હોય તો અેણે અપમેળે સીમા સુરક્ષા દળના ડી.અાઇ.જી. પાસેથી મંજૂરી લેવી પડે. મતલબ કે બહારથી અાવેલા પર્યટકોઅે પોતાનો અેક દિવસ મંજુરી લેવામાં વેડફવો પડે. બિલકુલ નિરૂત્સાહ કરી દે તેવો માહોલ સર્જાયો છે. તેથી મોટાભાગના પર્યટકો સરહદ મુલાકાત માંડી જ વાળે છે. થોડા ઘણા જે કોઇ જાય છે તે યા તો ઇન્ડિયા બ્રીજ પાસેનો નજારો જઇને અગર તો ધર્મશાલા નજીકના શહિદ સ્મારકની મુલાકાત લઇને પરત અાવે છે.

અેક તરફ પંજાબ અને રાજસ્થાન જેવા સરહદી રાજ્યોમાં સરહદ પ્રવાસન વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે કચ્છમાં ઉલટી સ્થિતિ છે. અાપણે જોઇ રહ્યા છીઅે કે પંજાબની વાઘા સરહદે સાંજે ભારત અને પાકિસ્તાનના ધ્વજ ઉતારવા માટે બન્ને દેશના અર્ધ લશ્કરી દળના જવાનો પરેડ કરે છે ત્યારે હજ્જારોની મેદની ઉમટી પડે છે. બરાબર 0 સરહદ રેખા પર અા પરેડ યોજાય છે. તેની બન્ને બાજુ અર્ધ વર્તુળાકાર સ્ટેડિયમ બંધાયા છે અને ત્યાં ભારત તેમજ પાકિસ્તાનના નાગરિકો પરેડ જોવા ઊમટી પડે છે. જિંદાબાદ-મુર્દાબાદ નારા સામસામે લાગે છે ત્યારે વાતાવરણમાં ઉત્તેજના-ગરમી અાવી જાય છે. અહીં અા સરહદે અટારી સ્ટેશન પરથી અમૃતસર-લાહોર સમજાૈતા અેક્સપ્રેસ ટ્રેન પણ દોડે છે. અા માર્ગે હજ્જારો કરોડ રૂપિયાના અાયાત-નિકાસનો વ્યાપર પણ થાય છે. અલબત્ત હાલમાં પાકિસ્તાન સાથે સંબંધો તંગદિલભર્યા બન્યા હોવાથી તેમાં અોટ અાવી છે, અને બસ-વ્યવહારે થંભી ગયો છે. પણ, દેશ તેમજ વિદેશના હજ્જારો પર્યટકો દરરોજ વાઘા બોર્ડર પર તો અાવી જ રહ્યા છે.

પંજાબ સરહદે વાઘા બોર્ડરની જેમ હુસેનીવાલા સીમા ચોકી પર પણ સાંજે સીમા સુરક્ષાદળ અને પાકિસ્તાન રેન્જર્સના જવાનો દ્વારા સંયુક્ત પરેડ થાય છે. ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરૂના મૃતદેહની જ્યાં 23 માર્ચ 1931ના રોજ અંતિમવિધિ થઇ હતી તે અા ગામ છે અને અેમની સ્મૃતિમાં મ્યુઝિયમ ઉપરાંત થિયેટર પણ ઊભું કરાયું છે. અહીંનો માહોલ વાઘા બોર્ડર જેવો ધાંધલીયો નથી. અહીં મહદઅંશે સ્થાનિક પંજાબી પ્રજા આવે છે અને મહદઅંશે શાંતિ હોય છે. સામે પાકિસ્તાનીઓ પણ અદબ-સંયમથી વર્તાવ કરે છે. .

ઇશાન ભારતના પ્રવાસ વખતે જાણવા મળેલું કે વાઘા ચેકપોસ્ટ પર જે રીતે અર્ધ વર્તુળાકાર સ્ટેડિયમ સીમા રેખા પર ભારત-પાકિસ્તાન દ્વારા વિકાસાવાયા છે અને પરેડ યોજાય છે અેવી જ સુવિધા અગરતલા (ત્રિપુરા), ડાૈકીચોકી (મેઘાલય) અને અાસામમાં પણ ઊભી કરવા માટે કેન્દ્ર સરકારે 700 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવી છે. બર્મા સરહદને સ્પર્શતા મોરે નજીક પણ બસ્સો કરોડ ફાળવાયા છે. અહીં તો ક્રોસ બોર્ડર ટુરિઝમ પણ િવકસ્યું છે. અહીંથી અેક દિવસની પરમિટ મેળવીને કોઇ પણ ભારતીય નાગરિક મ્યાનમાર (બર્મા)માં 20 કિ.મી. સુધી પ્રવેશ કરીને ખરીદી કરી શકે છે તેમજ કેટલાક જોવાલાયક સ્થળોનીયે મુલાકાત લઇ શકે છે. ત્રિપુરા અને મેઘાલયમાં તો ફ્લેગ સેરેમની પરેડ શરૂયે થઇ ચૂકી છે અને લોકોમાં અાકર્ષણે પેદા થયું છે.

ભારત વિશાળ દેશ છે. અેની સરહદો પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, નેપાળ, ભૂતાન અને બાંગલાદેશ સાથે સંકળાયેલી છે. નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સાથે ક્રોસ બોર્ડર ટુરિઝમ અનેક રીતે ધમધમે છે. ચીન અને બાંગ્લાદેશની સરહદે જ્યાંથી પણ જમીન માર્ગે અવરજવર થાય છે ત્યાં પ્રવાસન કેન્દ્રો વિકસેલા છે. સિક્કીમના નાથુલાપાસ ઉપરાંત લેહ લડાખ અને હિમાચલપ્રદેશના કેટલાક વિસ્તારનો ઉલ્લેખ અા બાબતે થઇ શકે છે. રાજસ્થાનમાં લોંગોવાલે અને તનાેટ માતાજીના મંદિર કે જ્યાં 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને જબ્બર પછડાટ મળી હતી ત્યાં ઉપરાંત થર અેક્રસપ્રેસ જ્યાંથી પાકિસ્તાનમાં પ્રવેશે છે અે મુનાબાવ રેલ્વે સ્ટેશન સહિતના કેટલાક સ્થળે પણ બોર્ડર ટુરિઝમ વિકસેલું છે.

તો પછી કચ્છ-ગુજરાત કેમ પાછળ રહે? વાઘા સરહદે ભારત-પાક સંયુક્ત પરેડ જેવી જ પરેડ અહીં પણ યોજી શકાય. અને કચ્છનું રણ તો કેટલું વિસ્તરેલું છે. કચ્છની સીમા અોળંગી બનાસકાંઠા અને પાટણના ઉત્તરીય વિસ્તારોનેય પાર કરી છેક રાજસ્થાનના રણ સુધી અેનો પથારો છે. રાજસ્થાનના ચાૈટાન તાલુકાના અેક ગામની સીમમાં બે રણનો અદભૂત સંગમ થયો છે. સપાટ-સફેદ રણ વિરમે છે અને રેતીના ઢુંઅા શરૂ થાય છે. યોગાનુયોગ જુઅો કે કચ્છના રણોત્સવમાં સરહદ પ્રવાસન પારોઠના પગલા ભરી ચૂક્યું હતું તેવા જ વખતે કચ્છના મોટા રણના પૂર્વીય છેડે બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ ગામે 2016ના ડિંસેમ્બરની 24મી તારીખે અેટલે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની પૂર્વ-સંધ્યાઅે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીઅે ‘સીમા-દર્શન’ નામે બોર્ડર ટુરિઝમના શ્રીગણેશ કર્યા. બીજા અર્થમાં કીઅે તો રણની પશ્ચિમ સીમાઅે દર્શન બંધ થયા અને પૂર્વ સીમાઅે શરૂ થયા. કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઅોના ધ્યાને અા વાત યાતો અાવી જ ન નહિ અને અાવી હોય તોય કોઇ કાંઇ બોલ્યું નહિ.

ખેર, પણ અાખરે તો નડાબેટનું રણ કચ્છનું જ છે ને ? બોર્ડર ટુરિઝમ જો ત્યાં પણ પૂર્ણ કક્ષાઅે ખીલી ઉઠશે તો કચ્છની સરહદે પર્યટકોને અાકર્ષે અેવા અેકથી વધુ સ્થળ છે જ અને ત્યાંની મુલાકાતે ગોઠવી શકશે. પણ અેની વાત કરીઅે અે પહેલા નડાબેટ સીમા દર્શનની વિગતો પર નજર કરીઅે તો 39 કરોડ રૂપિયાના ખર્ચે નડાબેટ ચોકી પાસે વાઘા બોર્ડર જેવી માળખાકીય સુવિધાઅો ઊભી થઇ રહી છે. અહીં સીમા સુરક્ષા દળના જવાનો ધ્વજ ઉતારવાની પરેડ કરે છે ત્યારે તેને જોવા માટે લોકો ઊમટી પડ્યા હોવાના બનાવ અવારનવાર બનતા રહે છે. તેથી અેટલું તો નક્કી કે અા પ્રકારનું સીમા દર્શન ભવિષ્યમાં બનાસકાંઠામાં પ્રવાસન ઉદ્યોગને વેગ અાપશે અને રોજગારીની તકોયે ઉભી થશે.

અામ તો સીમા સુરક્ષા દળ અને ગુજરાત સરકારે સંયુક્ત રીતે સીમા દર્શન કાર્યક્રમ હાથ ધર્યો છે. અને નેમ તો અેવી સેવવામાં અાવી છે કે અહીં વાઘા બોર્ડરની જેમ ભારત-પાક બન્ને દેશના જવાનો સંયુક્ત પરેડ કરે. જો કે અત્યારે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા હોવાથી અા બાબતે કેન્દ્રીય ગૃહખાતું કોઇ પહેલ કરી શકે તેમ નથી. ભવિષ્યની વાત અલગ છે. અને જો ભવિષ્યની જ વાત કરવી હોય તો નડાબેટથી જમીન માર્ગે પાકિસ્તાન સાથે વાહન વ્યવહારે શરૂ થઇ શકે કારણ કે ત્યાંથી પાકિસ્તાનના નગરપારક જિલ્લાનું બલોતરા ગામ માત્ર સાડા ત્રેવીસ કી.મી. દૂર છે.

સીમા દર્શન પ્રોજેકટમાં અાજની યુવા પેઢીને અને પર્યટકોને ભારે અાકર્ષે અેવી યોજના પાકિસ્તાનની સીમાથી માત્ર 150 મીટર દૂ રભારતના 0 પોઇન્ટ પર બંધાયેલા ત્રણ માળના સેલ્ફી પ્લેટફોર્મની છે. 0 પોઇન્ટ નડાબેટથી 20 કી.મી. દૂર છે અને સીમા દર્શન કરનારાઅોને ત્યાં સુધી જવાની છૂટ છે. અા પ્લેટફોર્મથી પાકિસ્તાનનું બલોતરા ગામ માત્ર 3.5 કી.મી. દૂર છે. દૂરબીનથી ગામ જોઇ શકાય છે. કોઇ સારો કેમેરો હોય તો તસવીરે ઝડપી શકાય. અહીં અે નોંધવું જોઇઅે પોતાની સરહદ પર પાકિસ્તાને હજુ સુધી અાવું કોઇ સેલ્ફી પોઇન્ટ નિર્માણ કર્યું નથી.

પક્ષીવિદો અને પર્યાવરણપ્રેમીઅો ખુશ થઇ જાય અેવા સમાચાર સેલ્ફી પોઇન્ટથી 800 મીટર દૂર બંધાઇ રહેલા પાંચ માળ જેટલી ઉંચાઇ ધરાવતા ફ્લેમિન્ગો ટાવરને લગતા છે. રણનો અા વિસ્તાર અેવો છે જ્યાં શિયાળામાં મોટી સંખ્યામાં સ્થળાંતરીત પક્ષીઅો સુરખાબ, પેણ (પેલીકન), કુંજ વિગેરેનો જમાવડો થાય છે. 2016માં છ લાખ સુરખાબ અહીંના સરહદી રણમાં અાવ્યા હતા. અત્યારે પણ આખું રણ જાણે પક્ષીઓથી ઊભરાતું હોય અેવું દ્રશ્ય જોઇ શકાય છે અને કેટલાયે યુવાનો અહીં અાવીને તસવીરો ખેંચી જાય છે. ટાવર અને સેલ્ફી પોઇન્ટ બન્ને સ્થળ અેવા છે જ્યાંથી પર્યટકો સરહદની વાડ બ્રેક ગ્રાઉન્ડમાં અાવે અે રીતે પોઝ અાપી તસવીર ખેંચાવી શકશે.

અા અતિ મહત્વકાંક્ષી સીમા દર્શન યોજનાના સ્વપ્નદ્રષ્ટા અા વિસ્તારના યુવાન નેતા શંકરભાઇ ચાૈધરી છે. 2016માં તેઅો જ્યારે ગુજરાત પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી હતા ત્યારે મુખ્યપ્રધાન શ્રી રૂપાણીના હસ્તે પાયો નંખાયો હતો જે હવે અાગળ વધી રહ્યો છે. તેમની સાથે ફોન પર સીમા દર્શન અંગે વાત કરી તો તેમણે કહ્યું કે અા તો હજુ શરૂઅાત છે. અહીં પર્યટન વિકાસની ભરપૂર શક્યતાઅો છે. ઘૂડખર (જંગલી ગધેડા) અને મંત્રમુગ્ધ કરી દે તેવી પક્ષીસૃષ્ટિ ઉપરાંત અાજુબાજુ અાવેલા કેટલાક ટાપુઅો કુદરતના બેમિસાલ કરિશ્મા સમા છે. તેમની સાથેની વાતચીતમાં અેવો સૂર પણ નીકળ્યો કે માત્ર અને માત્ર કચ્છથી રાજસ્થાન સુધીની રણ સરહદનું અલગ ટુરપેકેજ થઇ શકે તેમ છે. મતલબ કે વીઘાકોટથી નડાબેટ થઇને છેક રાજસ્થાનના રણના ત્રિભેટા સુધી. અેની વાત હવે પછી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો