• Gujarati News
  • National
  • Bhuj News About 30 Years Of Ideological Conflict Between Swaminarayan Saints And Progressive Patel On Rajwala Issue 061631

રજસ્વલા મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને પ્રગતિશીલ પટેલો વચ્ચે 30 વર્ષથી ચાલે છે વૈચારિક સંઘર્ષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યૂટમાં રજસ્વલા છાત્રાઅોના કપડા ઉતરાવવાના બનાવને દિવ્ય ભાસ્કર દ્વારા તેની રાજ્યભરની અાવૃતિઅોમાં પ્રથમ પાના પર પ્રસિદ્ધ થતા તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્ય અને રાષ્ટ્રભરમાં પડ્યા હતા તથા નેશનલ મિડીયા અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઅોઅે પણ તેની નોંધ લીધી હતી. ભુજમાં બનેલા અા ચોંકાવનારા બનાવની દિવ્યભાસ્કર અને સાૈરાષ્ટ્ર સમાચારની લગભગ તમામ અાવૃતિમાં પ્રથમ પેજ પર અને દૈનિક ભાસ્કર તથા દિવ્ય મરાઠીની અનેક અાવૃતિમાં પ્રકાશિત થયા હતાં. તેને લીધે અાખો દેશ ચોંકી ઉઠ્યો હતો. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ સહિતના નેતાઅોઅે પણ અા મામલે તીખી પ્રતિક્રિયા અાપી હતી.

{માસીક ધર્મની જીદ પર સહજાનંદ ગર્લ્સ ઇસ્ટી. સ્થપાઇ ?


ભાસ્કર ન્યૂઝ. ભુજ

રજસ્વલા સ્ત્રીઅો-વિદ્યાર્થિનીઅોના મુદ્દે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને કચ્છી લેવા પટેલ સમાજના પ્રગતિશીલ સત્સંગીઅો-અાગેવાનો વચ્ચે 30 વર્ષથી વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો છે અને મીરજાપર રોડ પરની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટમાં 60 છાત્રાઅોના વસ્ત્રો ઉતારીને ‘માસિક ધર્મ’ તપાસવાની કમનસીબ ઘટનામાં હોબાળો સર્જાતા અા મુદ્દો પ્રથમ વખત ચર્ચાના અેરણે ચડ્યો છે.

લેવા પટેલ સમાજના અાગેવાનોઅે ત્યાં સુધી કહ્યું કે છાત્રાઅો માસિક ધર્મ વેળાઅે રૂઢીઅોનું ચુસ્ત પાલન કરે અેવું દ્રઢ પણે માનતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની જીદ પર જ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટ સ્થપાઇ છે. બીજી બાજુ અેવી વાત પણ સામે અાવી છે કે પ્રગતિશીલ પટેલોઅે રજસ્વલા બાળાઅો અલગ બેસે, અલગ જમે અેવા નિયમો થોપી દેવાના વિરોધમાં જ ભુજમાં અેસ.ટી. કોલોની પાસે 1988માં કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની સ્થાપના કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી-પુરૂષ નિયમોના કારણે મંદિરો-સંતો કન્યા શિક્ષણની સંસ્થાઅોથી અંતર રાખતા અાવ્યા છે અને જ્યાં મહિલા કોલેજ છે ત્યાં ત્યાગીઅોની કોઇ ખલેલ નથી. કચ્છના સંપ્રદાય સાથે જોડાયેલા ચોવીસીના લોકોઅે સામાજીક સ્તરે કન્યા શિક્ષણ અારંભ્યું ત્યારે સંતોઅે અાશિર્વાદ સાથે સહયોગ અાપ્યો, રાજીપો વ્યક્ત કર્યો પરંતુ સાથે સાથે માસિકમ ધર્મ બાબતે સતત સંચાલક અાગેવાનોને કઠેડામાં ઉભા રાખ્યા અને અંતે અા મુદ્દે ભક્તોને સમજાવી સંપ્રદાયની પ્રથમ કન્યા શાળા સ્થાપવાનું ગાૈરવ લીધું. અામ માસિક ધર્મ પળાવવાની જીદ પર અા સંસ્થા સ્થપાઇ હોવાનું
જાણકારો કહી રહ્યા છે.

અાવી ઘટનાઅોનું પુનરાવર્તન ન થાય તે માટે કલેક્ટર સમક્ષ રજૂઅાત

ભાસ્કર ન્યૂઝ-ભુજ

સ્વામિનારાયણ મંંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રાઅોના કપડા ઉતારીને માસિકધર્મની તપાસણી જેવી શર્મસાર ઘટના મુદ્દે જવાબદારો સામે તટસ્થ તપાસ કરવાની માગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઅાત કોંગ્રેસ દ્વારા કરવામાં અાવી હતી.

ગુજરાતમાં અાવી ઘટનાઅો રોજ-બરોજ બનતી રહે છે પરંતુ છાત્રાલયની અા ઘટનાઅે માનવતાને શર્મસાર કરી મૂકી છે. વિજ્ઞાનના યુગમાં ટ્રસ્ટીઅો, સંચાલકોઅે અાવી રૂઢીવાદી માનસિકતાથી દીકરીઅોને યાતના અાપી, શરમજનક પરિસ્થિતિમાં મૂકી છે, જે માફીને પાત્ર નથી.

અાવી ઘટનાઅોથી વાલીઅોનો શૈક્ષણિક સંસ્થાઅો પ્રત્યેનો વિશ્વાસ ડગી જશે. સંસ્થા કચ્છ યુનિ. અંતર્ગત અાવે છે અને મુખ્ય ટ્રસ્ટી યુનિ.ના ઇ.સી.મેમ્બર હોઇ તટસ્થ તપાસ કે કાનૂની રાહે પગલા લેવાશે તે શંકા ઉપજાવે છે. અા પ્રકરણમાં અલગ તટસ્થ તપાસ સમિતિની રચના કરવામાં અાવે, નહીં તો અાગામી દિવસોમાં ઉગ્ર રજૂઅાતો કરવામાં અાવનાર હોવાનું સાૈરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહિલા કોંગ્રેસ પ્રભારી કલ્પનાબેન જોષીઅે જણાવ્યું હતું.

શિક્ષાપત્રીમાં ‘માસિકધર્મ’ના નિયમો વર્ણવેલા જ છે : મતભેદ જેવું કંઇ નથી


‘લેવા પટેલ સમાજ દિકરા-દિકરીના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યો છે, સ્વામિ. મંદિર પણ અભ્યાસક્ષેત્રે ઉત્તેજન આપવા સતત સક્રિય છે. વૈચારિક સંઘર્ષ વર્ષોથી ચાલતો હોય તેવું ધ્યાને નથી, મતભેદ જેવું કશું મોટાપાયે નથી પરંતુ ધર્મના નિયમોનું પ્રેમથી પાલન કરવું-કરાવવું જોઇએ, જબરજસ્તીથી નહીં એવું સંતગણ-સંપ્રદાય માને છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં નિયમો વર્ણવેલા જ છે કે સ્ત્રી રજસ્વલા થાય ત્યારે ત્રણ દિવસ સુધી રસોઇ બન બનાવે, છેટી બેસે, ત્રણ દિવસ પછી પવિત્ર બને એ નિયમોનું પાલન સહજતાથી થઇ રહ્યું છે અે થવું જોઇએ. > અક્ષરપ્રકાશ સ્વામિ, વરિષ્ઠ સંત, ભુજ સ્વામિનારાયણ મંદિર

‘માસિકધર્મ’ પાલનનો દુરાગ્રહ ખોટો કહેવાય


‘રજસ્વલા સ્ત્રીઅે ‘માસિકધર્મ’નું પાલન કરવું જ જોઇઅે અેવો દુરાગ્રહ રખાતો હોય તો તે ખોટું કહેવાય. પટેલ સમાજ અને સ્વામિનારાયણના સંતો વચ્ચે વૈચારિક સંઘર્ષ ચાલતો હોય અેવો કોઇ મુદ્દો મારા સમક્ષ ઉપસ્થિત થયો નથી. > વી.અાર. પટેલ, પ્રમુખ, કચ્છી લેવા પટેલ સમાજ


સહજાનંદ ઇન્સ્ટી.ની સ્થાપના નિયમપાલન વિશેના અાક્ષેપ ખોટા

‘સ્વામિ. મંદિરે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના જ રૂઢીઅોના પાલન સાથેના શિક્ષણ હેતુથી થઇ હોાવની વાતને હું સ્પષ્ટપણે નકારૂં છું. સંસ્થામાં પટેલ સમાજ સિવાયની દિકરીઅોની સંખ્યા 80 ટકા છે, જેમાં લઘુમતી સમાજ, અનુ. જાતિ સહિત વીવિધ જ્ઞાતિની છાત્રાઅો છે. નિયમો થોપવાની વાત ખોટી છે. હાલની ઘટનામાં સત્ય અે છે કે સેનેટરી નેપકીન સંકુલમાં ફેંકવાની પૂછતાછ કરી, તો દિકરીઅોઅે જ તેમને તપાસવા કહ્યું હતું. > પ્રવિણ પિંડોરીયા, સંચાલક, સહજાનંદ


કન્યા કેળવણી ક્ષેત્રે રૂઢી પાલનના મુદ્દે સંપ્રદાયે 20 વર્ષથી નાતો તોડી નાખ્યો


‘ભુજમાં 32 વર્ષ પહેલાં લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર સ્થાપ્યું ત્યારે સાધુઅોઅે ખુબ વિરોધ કર્યો હતું. હું અને મારા જેવા અન્ય અગ્રણીઅો માનીઅે છીઅે કે કન્યા શિક્ષણ સંસ્થામાં વિવિધ સમાજની છાત્રાઅો અાવતી હોય, ત્યારે કોઇના પર પોતાની રૂઢીઅો અને ધર્મ થોપી ન દેવાય. હું કન્યા વિદ્યામંદિરમાં 2014 સુધી મંત્રીપદે હતો, પણ સંપ્રદાયે રૂઢીચુસ્તાના મુદ્દે મારાથી 20 વર્ષથી નાતો તોડી નાખ્યો છેે. હાલમાં વિવાદમાં અાવેલી મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટનો હેતુ શિક્ષણનો છે જ નહીં. સંકુચીતતાને કોઇ રીતે પ્રોત્સાહન ન મળવું જોઇઅે.’> અાર.અેસ. હિરાણી,
અાગેવાન, કચ્છી લેવા પટેલ સમાજ


{બૌધિક સત્સંગીઓનો કચવાટ ખુલીને બહાર આવ્યો

{ત્રણ દાયકા બાદ પ્રથમવાર આ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો

વિજ્ઞાન યુગમાં રૂઢીવાદી માનસિકતા શરમજનક


કોંગ્રેસે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની ઘટના મુદ્દે તટસ્થ તપાસની કરી માગ

જવાબદાર ત્રણ મહિલા કર્મચારીઅો ફરજમોકૂફ : ઇન્ચાર્જ કુલપતિ

કચ્છ યુનિવર્સિટી સાથે સંકળાયેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના છાત્રાલયમાં વિદ્યાર્થિનીઅોના ઋતુધર્મ તપાસ કરવાના બનાવ અંગે ઇ.ચા. કુલપતિ દર્શનાબેન ધોળકિયાઅે જણાવ્યું હતું કે, ત્રણ મહિલા સભ્યોની તપાસ સમિતિઅે સંસ્થામાં તપાસ કર્યા બાદ જવાબદાર ત્રણ મહિલા કર્મચારીઅો અાચાર્યા, રેક્ટર અને પટાવાળાને ફરજમોકૂફ કરવાના અાદેશ સાથેનો રીપોર્ટ ક્લેક્ટરને સોંપવામાં અાવ્યો છે. વધુમાં કચ્છ યુનિ.ના ઇ.ચા. કુલસચિવે સત્તાવાર રીતે લેખિતમાં છાત્રાઅો સાથે બનેલી અા ઘટનાને વખોડી કાઢી, સામેલ ત્રણેય મહિલા કર્મચારીઅોને સંસ્થા દ્વારા ફરજમોકૂફ કરવામાં અાવે
તેવો અાદેશ કર્યો છે.

લેખિત રીપોર્ટ નથી મળ્યો : કલેક્ટર

સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની છાત્રાલયમાં બનેલી ઘટના અંગે ક્લેક્ટરે જણાવ્યું હતું કે, તપાસ સમિતિના માૈખિક રીપોર્ટ મુજબ સંસ્થાના અાચાર્ય, રેક્ટર અને પટાવાળાને ફરજમોકૂફ કરવામાં અાવ્યા છે. જો કે, અા અંગે લેખિતમાં રીપોર્ટ સાંજે 7 વાગ્યા સુધીમાં મારા હાથમાં અાવ્યો ન હોવાનું જિલ્લા
સમાહર્તાઅે ઉમેર્યું હતું.

ભાસ્કરમાં અમદાવાદથી દિલ્હી સુધી સમાચાર પ્રસિદ્ધ થયા અને પડઘો પડ્યો
અન્ય સમાચારો પણ છે...