તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News A Diabetic Patient Should Stay At Home Doing Gentle Exercise And Yoga 061035

ડાયાબિટીસના દર્દી ઘરમાં જ રહીને હળવી કસરત અને યોગાસન કરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાયાબિટીસના દર્દી માટે સ્યૂગર લેવલ જાળવી રાખવા અથવા તો વધારાની શર્કરા બાળવા માટે ચારેક કિલો મીટર જેટલું ચાલવાની સલાહ અપાય છે જે વર્તમાન લોક ડાઉનની સ્થિતિએ શક્ય નથી. થોડા દિવસો માટે ચાલવા નહિ જવાય તો આભ નહિ ફાટી પડે તેમ કહેતા તબીબી સૂત્રોએ ઘરમાં રહીને યોગ, પ્રાણાયામ અને હળવી કસરતો સાથે મનને પ્રફુલ્લિત રાખવાની સલાહ આપી છે. લોક ડાઉન વચ્ચે વહેલી સવારે કોઇ રોકનારા નહિ હોય તેમ માનીને પણ ચાલવા માટે ઘરની બહાર ન નીકળવા તબીબો જણાવી રહ્યા છે.

શહેરના જાણીતા ફિઝીશયનોના જણાવ્યા પ્રમાણે નિયમિત વોકિંગમાં જતા દર્દીઓને હાલે મનમાં ચાલવા ન જવાતું હોવાને મુદ્દે સવાલો થતા હોય તો તેનાથી દૂર રહીને ઘરમાં જ રહેવું અતિ આવશ્યક છે. વહેલી સવારે કોઇ પોલીસ પહેરો નહિ હોય તો ચાલી આવીએ તેવું વલણ હાલે જોખમી સાબિત થઇ શકે છે કેમ કે, ચેપી કોરોનાને ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટંસિંગ જ હાલે એક માત્ર ઉપાય છે. ઘરની બહાર નીકળવાની જ મનાઇ ફરમાવાઇ છે તેમ છતાં આવું કરવું જોખમી સાબિત થઇ શકે છે તેમ કહેતાં ભુજના ફિઝિશિયન ડો. નિશાંત પુજારાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો માટે ચાલવા ન જઇ શકાય તો ચિંતાનું કોઇ કારણ નથી. સાંજે કે રાત્રે ઘરની છત પર ચાલી શકાય, દાદરા ઉતર-ચડ કરીને પણ લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી શકાય તેમ છે. વડીલ વર્ગના દર્દીઓ માટે યોગ, આસન, પ્રાણાયામ અને હળવી કસરત કરવાનો ઉપાય તેમણે સૂચવ્યો હતો.

ડાયાબિટીસની નિયમિત દવા હોય તેને ચાલુ રાખવાનું કહેતાં તેમણે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલે જવાનું ટાળવાની સલાહ આપી હતી. સુગરનો રિપોર્ટ ઘરે થઇ શક્તો હોય તો તેને સંબંધિત તબીબને વ્હોટ્સેપ જેવા માધ્યમથી મોકલીને ફોન પર જ સલાહ લઇ લેવાનો અનુરોધ કરતાં તેમણે માનસિક રીતે સ્વસ્થ રહેવાની શીખ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...