તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News 15 Out Of 62 Villages Affected Appeal To The Public To Be Cautious Too 061146

62માંથી 15 ગામ અસરગ્રસ્ત : જાહેર જનતાને પણ તકેદારી રાખવા અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રામાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. અઠવાડીયામાં ૪૪ કેસ બહાર અાવતા અારોગ્ય તંત્ર હરકતમાં અાવ્યું છે. તાલુકાના 62માંથી 15 ગામ અસરગ્રસ્ત હોવાનું નોંધાયું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાકક્ષાની મીટીંગમાં પ્રાઇવેટ લેબ અને ડોકટરો પાસેથી નીકળતા પોઝીટીવ કેસો જોવા અંગે તાકીદ કરાતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગીરીવર બારીઆની સૂચના બાદ પ્રાઇવેટ એજન્સીઓએ રિપોર્ટિંગ કરતા છેલ્લા એક અઠવાડિયામાં ૪૪ કેસો સહિત અત્યાર સુધીમાં મુન્દ્રા તાલુકામાં ચાલુ વર્ષે ૬૦ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો નોંધાવા પામ્યા છે. જેના અટકાયતી પગલાં રૂપે આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ, એબેટ - બી.ટી.આઇ. જેવી પોરનાશક દવાઓનો છંટકાવ ઉપરાંત પોઝીટીવ ઘરોની આસપાસ પુખ્ત મચ્છરોનો નાશ કરવા ફોગીંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા એક માસથી સતત વરસાદ ચાલુ હોઇ કરેલ કામગીરી પર પાણી ફરી વળ્યાં જેવો તાલ સર્જાણો છે. ત્યારે ડેન્ગ્યુને નાથવા જાહેર જનતા પણ જાગૃત થાય એવી અપીલ અારોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઘરમાં કાચની બોટલ, માટલા, પ્લાસ્ટીકના ડબ્બા, પક્ષિકુંજ, આપણા ઘરમા ફ્રિજની પાછળના ભાગમાં આવેલી ટ્રે , કુલર તેમજ અન્ય ભંગાર જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયેલુ હોય છે તેને દર અઠવાડિયે સાફ કરવું જરૂરી છે. આ પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી મચ્છર બને છે. તાલુકાના ૬૨ ગામોમાંથી ૧૫ ગામો મુન્દ્રા, બારોઇ, નાના કપાયા, ભુજપુર, લુણી, ધ્રબ, ઝરપરા, સમાઘોઘા, ગેલડા, મોટા કપાયા, કણજરા, ભદ્રેશ્વર, મોટી ખાખર, ગુંદાલા અને મોખામાં કેસ નીકળતાં ત્યાં વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઇ છે. ઉપરાંત તાજેતરમાં તાલુકા પંચાયત મુન્દ્રા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પણ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સમક્ષ ચર્ચા કરવામાં આવેલ અને ગ્રામ્ય કક્ષાએ તલાટી અને સરપંચશ્રીઓને મચ્છર જન્ય રોગ અટકાયતી કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઈ જાટીયા અને પ્રકાશ ઠકકરના સંકલન હેઠળ મુન્દ્રા તાલુકાનું સમગ્ર આરોગ્ય તંત્ર જોડાયેલ છે.

મુન્દ્રામાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસોમાં વધારો: અઠવાડીયામાં 44 કેસ
અન્ય સમાચારો પણ છે...