• Gujarati News
  • National
  • કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોઢું કાળું કરી જ્વલનશીલ પદાર્થ ફેંકાયો|Professor Of The University Of Kachchh Drew A Fiery Substanc

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોઢું કાળું કરી જ્વલનશીલ પદાર્થ ફેંકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂજ : કચ્છના શિક્ષણ જગતને કલંકીત કરતી એક ઘટના મંગળવારે કચ્છ યુનીમાં ઘટતાં કચ્છની સાથે રાજયના શિક્ષણ જગતમાં પણ ઘેરી સ્તબ્ધતા વ્યાપી ગઇ છે. સેનેટની ચૂંટણીની સ્નાતક મતદાર યાદીમાંથી મનસ્વી રીતે નામો કપાતાં વિરોધ કરવા આવેલા ભાજપની છાત્ર પાંખ અખીલ ભારતિય વિધ્યાર્થી પરિષદના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. અને ચુંટણી અધિકારી એવા કેમસ્ટ્રી વિભાગના વડા ગીરીન બક્ષીને માર મારી તેમના મોઢા પર કેમીકલ યુકત કાળો પદાર્થ ફેંકી તેમનું મોઢું કરી આખી યુનિમાં ફેરવતાં શિક્ષણ આલમમાં તેના ઘેરા પડઘા પડયા છે.


 કચ્છ યુનિ.ની સેનેટ ચૂંટણી માટે જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં અનેક મતદારોના નામ મનસ્વી રીતે બાકાત કરાયાંના  આક્ષેપ સાથે ABVPએ ચૂંટણી અધિકારી ગિરીન બક્ષીના ચહેરા પર ડામર જેવો ઘટ્ટ કાળો પ્રવાહી પદાર્થ છાંટી મોઢું કાળું મેંશ કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. મોઢું કાળું કર્યા બાદ ABVP કાર્યકરો બક્ષીને તેમની સાથે ફેરવી વીસીની કચેરીએ લઈ ગયા હતા. ABVPના આ ઉગ્ર વિરોધ કાર્યક્રમે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ સર્જયો છે. એબીવીપીના કાર્યકરો સવારે 11.30 વાગ્યાના અરસામાં એ બ્લોકમાં આવેલ કેમસ્ટ્રી ભવનમાં ધસી ગયા હતા. અહી તેમણે ભવનના વડા બક્ષીને તેમની ચેમ્બરમાંથી બહાર કાઢી ધોલધપાટ કર્યા બાદ તેમના ચહેરા પર કાળો પદાર્થ ફેંકી તેમને નીચે પાડી દીધા હતા. 

 

ઘટના દુ:ખદ , સ્થાનિક કાર્યકરો પર લગામ કસવા રજુઆત કરીશ : ભાજપ

 

આ ઘટના બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને પુછતાં તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી  કોઇ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો રજુઆત કરવા માટે અનેક રસ્તા છે. ભાજપ એ શિસ્તબધ્ધ પક્ષ છે ત્યારે આ પક્ષની છાત્ર પાંખના સ્થાનિક કાર્યકતાઓ પર લગામ કસવા માટે તેમના ઉચ્ચનેતાઓનું ધ્યાન દોરાશે. ખરેખર આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તેનીય ઉંડાણપૂર્વક તપાસ કરાશે.

 

પૂર્વ સેનેટ સભ્યો આજે ધરણા યોજી વિરોધ કરશે

 

કચ્છના શિક્ષણઆલમને શર્મસાર કરતી આ ઘટના અંગે પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવા અને દિપક ડાંગર આજે સવારે કલેકટર કચેરી સામે 2 કલાક પ્રતિક ધરણા યોજી વિરોધ દર્શાવશે. આ ઘટનાથી શિક્ષણપ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે આ દિવસને કાળા દિવસ તરીકે મનાવી જવાબદારો સામે કડક પગલાંની માંગ કરાશે. આ ધરણામાં કચ્છના અગ્રણી શિક્ષણવીદો અને શિક્ષણપ્રેમીઓ જોડાશે તેવો દાવો એક યાદીમાં કરાયો હતો.

 

 

વધુ તસવીર અને માહિતી માટે આગળની સ્લાઇ્ડ ક્લિક કરો.....