સ્ટેજ પર દુલ્હનની બાજુમાં ઉભા રહેવા મામલે મહિલાઓની લાફાવાળી, યુવાનોએ છરી કાઢી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

ભુજ: શહેરના ભીડ ગેટ બહાર યોજાયેલા એક સમાજના સમુહલગ્નમાં મહિલાઓ સ્ટેજ પર ઉભવા મુદ્દે બાખડી હતી તો એન્ટ્રી ગેટ પર યુવાનો વચ્ચે ઘેરાવો થવાના મુદ્દે છરીઓ ઉલળી હતી. જો કે પાછળથી મામલો થાળે પડી જતા પોલીસમાં કોઇ નોંધ થઇ ન હતી.

 

રવિવારે ભીડ ગેટ બહાર યોજાયેલા સમુહલગ્નમાં બની ઘટના 


સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, રવિવારે શહેરના ભીડ ગેટ બહાર એક સમાજના સમુહલગ્ન યોજાયા હતા. જેમાં સ્ટેજ પર દુલ્હનની બાજુમાં ઉભવા મુદ્દે મહિલાઓ બાખડી હતી અને એકબીજાને લાફા ઝીંકી દેવાયા હતા. બાદમાં મામલો શાંત પાડવાની કોશીશ કરાઇ હતી. તો બીજી બાજુ લગ્ન મંડપના એન્ટ્રી ગેટ પર યુવાનોનો ઘેરાવો થયો હતો. ત્યારે કોઇક મુદ્દે યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં મામલો ગંભીર બનતા છરીઓ ઉલળી હતી.

 

જેની જાણ સંચાલકોને થતા બંને જુથને છુટા પાડી રવાના કરી દેવાયા હતા. અલબત્ત, આ અંગે પણ એ-ડિવિઝન પોલીસ મથકમાં કોઇ નોંધ થઇ નથી. ઉલ્લેખનીય છે કે, કોઇપણ સમાજના સમુહલગ્નમાં નાના-મોટા  મુદ્દાઓ ઉઠે છે પણ રવિવારે યોજાયેલા આ સમુહલગ્નમાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારી સમાજમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ છરીઓ નીકળવાની ઘટનામાં પણ સંચાલકોની અવ્યવસ્થા કારણભૂત હોવાનું સમાજમાં મનાઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...