તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષથી ગુમ બહેનની ભાળ રક્ષાબંધન પૂર્વે જ મળી, ભાઇઓની અશ્રુધારા વહી !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજની મેન્ટલ હોસ્પિટલમાં સવા વર્ષની સારવાર પછી પરપ્રાંતિય મહિલાની યાદશક્તિ પરત ફરતા ચાર-ચાર વર્ષ પછી રક્ષાબંધન પૂર્વે જ ભાઇ-બહેનનું લાગણીસભર મિલન થયું હતું. આ મહિલાએ પોતાના નામ-ગામ અંગે ઓળખ આપતા ત્યાં જાણ કરાઇ હતી અને તેના બંને ભાઇઓ રાજસ્થાનના બાસવાડા જીલ્લામાંથી કચ્છમાં બહેનને લેવા દોડી આવ્યા હતા. 

 

કચ્છના નલિયામાંથી ગઇ 19મી મે-2017ના રોજ આ મહિલા મળી આવી હતી. લગભગ 45 વર્ષની ઉંમરની આ મહિલાને પોતાનું નામ-ગામ કાંઇ જ યાદ નહોતું અને તેની માનસિક સ્થિતિ પણ સારી ન હતી. અલગ-અલગ રાજયોમાં ભટકતી એ ટ્રેન દ્વારા અહીં સુધી પહોંચી આવી હતી. માનવજયોત સંસ્થાના પ્રબોધ મુનવર અને રફીક બાવાએ તેને નલિયાથી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પહોંચાડી હતી. એ પછી આ મહિલાની સતત દેખભાળ અને સારવાર પછી તે સ્વસ્થ થવા માંડવી અને સવા વર્ષે તેણે પોતાનું નામ ગંગાબેન ઉર્ફે હીરબાઇ વાયેજા હોવાનું તેમજ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના મુનાફેરા ગામની રહીશ હોવાનું કહ્યું હતું. 


સામાજીક કાર્યકર પાર્થ ભટ્ટે ગંગાબેનની પાસેથી બધી માહિતી મેળવી ઇન્ટરનેટ પર તેનું નામ અને નજીકનું પોલીસ થાણું સર્ચ કર્યા હતા. બાદમાં ત્યાંની પોલીસનો સંપર્ક કરીને ગંગાબેન અહીંયા કચ્છમાં હોવાના સમાચાર આપી તેના ભાઇઓને કહેવાનું જણાવ્યું હતું. સ્થાનિક પોલીસે એના ઘરે જઇને આ ખબર આપતા ગંગાબેનના બંને ભાઇઓ પ્રકાશ અને મગનની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી હતી. 


છેલ્લા ચાર-ચાર વર્ષથી ગુમ થયેલી બહેનને શોધવા કેટકેટલા રાજયોમાં દોડીને પૈસાનું પાણી કરી નાખ્યું હતું. છતાં, બહેનની ભાળ મળી નહોતી. ત્રણ-ત્રણ રક્ષાબંધનના તહેવારો તો કોરા ગયા હતા, એ ચોથા વર્ષનો આ જ તહેવાર નજીક આવતા બહેનની યાદ તીવ્ર બની હતી અને એવા જ સમયમાં ગંગાબેન કચ્છમાં હોવાના ખબર મળ્યા હતા. ગંગાબેનના બંને ભાઇઓ પ્રકાશ અને મગન રાજસ્થાનથી દોડી આવ્યા હતા અને ભુજમાં ભાઇ-બહેનના મિલનના લાગણીસભર દૃશ્યો જોઇને બધાની આંખો ભીંજાઇ ગઇ હતી. 


ગંગાબેના ભાઇઓ પાસેથી જાણવા મળ્યું કે, ગંગાબેનને બે પુત્રો અને પુત્રી છે. જેમાંથી બંને પૂત્રીના લગ્ન થઇ ગયા છે. ગંગાબેનને તેના પતિ સાથે છુટાછેડા થયા હતા. ગંગાબેનને લઇને તેના બંને ભાઇઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે બપોરે એક વાગ્યાથી બસમાં ભુજથી રાજસ્થાન સ્વગૃહે જવા આનંદભેર રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...