ગાંધીધામની ડ્રેનેજ યોજના પાટે ચડતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ: ગાંધીધામ- આદિપુરમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બની રહી છે. ગત બોડી વખતે 208 કરોડની યોજના મોટા ઉપાડે અમલીકરણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનું સૂરસુરીયુ થઇ ગયું હતું. પ્રોજેક્ટને અભરાઇએ ચડાવીને તેને બદલે જીયુડીસીને નવી કામગીરી સોંપી ટેન્ડર બહાર પાડવા માટે ગતિવિધિ તૈયાર કરવામાં આવી હતી. છ મહિનાથી વધુ સમય સુધી પ્રથમ તબક્કાના 43 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવી લોલીપોપ આપવામાં આવી હતી.

 

પ્રથમ તબક્કાના 35 કરોડ અને બીજા 45 કરોડના કામોના ઠેકાણા નથી : ઠેર ઠેર સમસ્યા યથાવત

 

આ કામ હજુ શરૂ થયા નથી, ત્યાં બીજા 35 કરોડના કામ અંગે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં આ બાબતે તાજેતરમાં પાલિકાના અધિકારીઓ સાથે રાજ્ય કક્ષાની બેઠક પણ યોજાઇ હોવાના સંકેત મળી રહ્યા છે. શહેરમાં ડ્રેનેજની સમસ્યાનો અંત લાવવાના હેતુથી જે પગલા ભરવામાં આવે છે તે સમસ્યા દૂર કરી શકતા નથી. આજે પણ જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન વિકટ બની ગયો છે. 

 

રાજ્ય સરકાર દ્વારા ચારથી વધુ વર્ષ પહેલા પણ 208 કરોડની યોજના સંકુલ માટે મંજુર કરી હતી. મંજુર કરવામાં આવેલી આ યોજનામાં કોઇ કાર્યવાહી થઇ જ નથી. ત્યાં બીજી તરફ 208 કરોડની યોજનાનું પડીકું વાળીને હવે નવા નાકે દિવાળીના અભિગમ સાથે જીયુડીસી દ્વારા ડ્રેનેજના બીજા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અંગે બેઠકો પણ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં મીટિંગ યોજવામાં આવી પછી આજે પણ આ અંગે બેઠક યોજાઇ હોવાની વાત બહાર આવી રહી છે. 

 

દબાણને કારણે પણ પરીસ્થિતિ વિકટ

 

 

ગાંધીધામ- આદિપુરમાં ઠેર ઠેર કરવામાં આવેલા દબાણને કારણે નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે મુશ્કેલીરૂપ બની રહી છે. પાલિકા દ્વારા હંગામી ધોરણે સમસ્યાનું સમાધાન લાવવાના હેતુથી કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં જે વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાય ત્યાં નવી લાઇન નાખવાની પદ્ધતિ શરૂ કરી છે. લાખો રૂપિયાનો ખર્ચ આ રીતે કરવામાં આવી રહ્યો છે. કેટલાક સ્તરે નવી લાઇન નાખવાની બાબતે પણ જોવામાં આવે તો દબાણને લીધે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ડ્રેનેજની સીધી લાઇન નાખવાને બદલે વાંકીચૂંકી નાખવાની નોબત આવી રહી છે. 

 

વિકાસની વાતો પણ અમલવારી કેટલી?

 

ગાંધીધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેવી સત્તાધિશો દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે. વિકાસ કામોની બાબતે કેટલાક કિસ્સાને બાદ કરતાં માત્ર કાગળ પર જ કામગીરી થતી હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક કામો થઇ રહ્યા છે તે પણ ઉલ્લેખનીય છે. રાજ્ય સરકારમાં રહેલી યોજનાઓને જલ્દીથી અમલવારી થાય તે માટે પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી. સ્થાનિક નેતાગીરી પણ આ બાબતે જોઇએ તેવી ચિંતિત જણાતી નથી. જેને લીધે યોજનાઓ લાંબા સમયથી લટકતી રહેશે અને લોકોને સુવિધાનો લાભ મળતો નથી. આ બાબતે ધારાસભ્ય પણ રસ લઇને આગળ આવવું પડશે. 

 

 

લોકસભાની ચૂંટણીમાં પણ જવાબ આપવો પડશે

 

રાજ્ય સરકારની જુદી જુદી યોજનામાંથી કરવામાં આવી રહેલા કામોમાં કેટલા વિકાસ કામો થયા છે તે અંગે સ્થાનિક કક્ષાએ નેતાઓ સ્વરાજ સંસ્થાના પદાધિકારીના સહયોગમાં રહીને કેટલા કામો પેન્ડીંગ છે, કઇ ગતિએ ક્યાં પડ્યા છે? તે સહિતની વિગત મેળવી રાજ્ય સરકારના જે તે વિભાગમાં અત્યારથી જ દબાણ કરીને પ્રશ્નનો ઉકેલ લાવવો પડશે. નહીંતર આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આ વિકાસના પડતર પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષ સામે લોકો પ્રશ્ન ઉઠાવી શકે તેમ છે. 

 

208 કરોડમાં તો પ્રેઝન્ટેશન પણ કરાયું હતું

 

ગાંધીધામ ચેમ્બરના હોલમાં શહેરના જુદા જુદા ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં 208 કરોડની યોજના અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ સુરેશ શાહની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક સ્તરેથી તત્કાલિન વિપક્ષી નેતા સંજય ગાંધી, તત્કાલિન નગરસેવક સમીપ જોશી વગેરેએ આકરા પ્રહાર કરીને જે ડિઝાઇન   તૈયાર કરવામાં આવી હતી તે સહિતના મુદ્દે પસ્તાળ પાડી હતી. અન્ય આગેવાનોએ પણ આ યોજના સાર્થક કરવા બાબતે કયા પરીબળો જરૂરી છે તે અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. 

 

 

 

     

 

અન્ય સમાચારો પણ છે...