- છબીલ પટેલની ફેન ક્લબ ગ્રુપમાં લેફ્ટ થતાં એડમિને પણ અન્યને દૂર કર્યા
- અમને કોઇ જોતું જ નથી એવી રીતે છબીલના ફેન રહ્યા બાદ વાત બહાર આવી અને પછી તું કોણ ને હું કોણ
ભુજ: છબીલ પટેલ ફેન ક્લબ નામના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થવાની હોડ લાગી ગઇ હતી. પીએસઆઇ તેમજ ભાજપના હોદ્દેદારો સહિત 51 સભ્યો ધડાધડ લેફ્ટ થયા હતાં. ત્યારબાદ મોડી સાંજે એડમિને પણ ગ્રુપને ડિલીટ કરવાનું પગલુ ભર્યું હતું.
છબીલ વોટ્સએપમાં સક્રિય હતો
1.કચ્છ ભાજપના એક સમયના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી અને વિદેશ ભાગી ગયેલા અબડાસાના માજી ધારાસભ્ય છબીલ પટેલ પોતાના ફેન કલબ નામના વ્હોટસએપ ગ્રુપમાં સક્રિય હોવાના અને ભાજપના પદાધિકારીઓને બર્થડેની શુભેચ્છા પાઠવતા હોવાના હેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા હતા.
પોલીસે હત્યાનો આરોપી ઠેરવતાં ભાજપે સસ્પેન્ડ કર્યો
2.પોલીસે દિવસો પૂર્વે જેને ભાજપના મોભીની હત્યાનો આરોપી ઠરાવી દેવાયો છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જેને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દુર કરી દીધો છે, એવા છબીલ પટેલની ફેન કલબના ગ્રુપમાં નખત્રાણા પંથકના ભાજપના હોદ્દેદારો અને પોલીસકર્મી સહિતનાઓ ફેન જ રહ્યા હતાં.
છબીલ સક્રિય હતો તેમાંથી સૌ બહાર થયા અથવા કરાયા
3.દિવ્યભાસ્કરમાં છબીલ પટેલ દ્વારા ભાજપના પદાધિકારીને જન્મદિનની શુભેચ્છાના સમાચાર પ્રસિદ્ધ થતાં જ આજે આ ગ્રુપ છોડી દેવામાં હોડ લાગી હતી. ગ્રુપ છોડી દેવામાં પીએસઆઇ બોડાણા, નરેશ મહેશ્વરી, બર્થડે બોય હિરેન ભટ્ટ, ચંદનસિંહ રાઠોડ, શૈલેષ મારાજ, લાલજી રામાણી વગેરેનો સમાવેશ થાય છે.
એ નરેશ મહેશ્વરીને ભાજપથી સબંધ નથી
4.આ ગ્રુપમાં એક સભ્ય એવા નરેશ મહેશ્વરીને ભાજપથી કોઇ સબંધ ન હોવાનો ખુલાસો આજે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રહી ચૂકેલા નરેશ મહેશ્વરીએ કર્યો હતો. તેમના કહેવા મુજબ એ બીજા નરેશ મહેશ્વરી છે.