ભૌતિક સુખથી આત્માની ખોજના માર્ગ પર કચ્છી મુમુક્ષુઓનો વર્ષીદાન વરઘોડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ/ભુજ: મુંબઈના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જૈન ધર્મના કચ્છી 14 મુમુક્ષુઓ સંયમના માર્ગે આજે જઇ રહ્યા છે,ત્યારે શ્વેત વસ્ત્રોના અંગીકાર અગાઉ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજીત દીક્ષા ગ્રહણના વિજયપથ પ્રસ્થાન કાર્યક્રમમાં આજે ત્રીજા દિવસે 16 મુમુક્ષુઓનો સમૂહ વર્ષીદાન વરઘોડો બોરીવલીના મુખ્યમાર્ગો પર નીકળ્યો હતો. 


રવિવારે સવારે બોરીવલીમાંઆ કચ્છ ઉમટી પડ્યું હોય તેમ મંડપેશ્વર દહેરાસર થી વર્ષીદાન વરઘોડો રથયાત્રામાં નીકળ્યો હતો, જેમાં દીક્ષાર્થીઓએ 5 કિલોમીટર લાંબા આ રૂટમાં મન મૂકીને વર્ષીદાન કર્યુ હતું. સમગ્ર રથયાત્રા દરમિયાન ૧૦ હજારથી વધુ જૈન-જૈનેતર ધાર્મિક ભાઇ-બહેનો જોડાયા હતા. ત્રણ કલાક સુધી ચાલેલા આ ધાર્મિક શોભાયાત્રા 12:00 વાગ્યે પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ પહોંચી હતી, જ્યાં 16 યુવા-યુવતીઓને તેમના ત્યાગના માર્ગે જે વસ્ત્રો પરિધાન કરશે તે અને ધાર્મિક વસ્તુઓને સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. 


બપોર બાદ વિજયપથ પ્રવેશ સભામંડપમાં વિવિધ વિધિઓ કરવામાં આવી હતી, તો સાંજે પ્રખ્યાત ટીવી કલાકારો દ્વારા અભિનીત નાટક 'એક મજાની લાઈફ' દીક્ષા જીવનના આનન્દમય સ્વરૂપને ઉજાગર કરતી નાટિકા રજૂ કરાઇ હતી. આ જ સંકુલમાં અન્ય એક વિશિષ્ટ લાઇટ એન્ડ સાઉન્ડ શો અંગે જણાવતા કેનેડાને કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જૈન સમાજના અગ્રણી હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે વિજયપથ એટલે 'પાથ ટુ વિકટરી', ભૌતિક સુખના સાંસારિક જીવનને ત્યજીને સાધુ જીવનમાં જઇ રહયા છે. એ બાબતે ખાસ ટીમ દ્વારા આ શો તૈયાર કરવામાં આવ્યો છે. લોકોની ધર્મ અંગે જાગૃતિ, સ્વખોજ, આત્મા સાથે મિલન તેમજ ત્યાગની વિશેષતા સમજાવતા આ પાંચ મિનિટનો શૉ પણ અનેક જૈનોને આકર્ષયો હતો. 


 આગળની સ્લાઈડ્સ 16 મુમુક્ષુઓનો સમૂહ વર્ષીદાન વરઘોડો બોરીવલીના મુખ્યમાર્ગો પર નીકળ્યો (તસવીરો,પ્રકાશ ભટ્ટ, મુંબઈ/ભુજ)

અન્ય સમાચારો પણ છે...