ભુજના ડુંગરમાંથી મળ્યુ 7 ઇંચ લાંબુ અને 4 ઇંચ પહોળુ ડાયનાસોર યુગના મહાકાય મગરનું ઇંડુ

divyabhaskar.com

Nov 26, 2018, 10:35 AM IST
many crore years old huge crocodile egg fossil found in kutch

ભુજઃ કચ્છની સંસ્કૃતિ હજારો નહીં પરંતુ કરોડો વર્ષ જૂની છે. કચ્છની ધરતીમાં અનેક ઇતિહાસ છૂપાયેલા છે. ધોળાવિરા જેવી હડપ્પીય સંસ્કૃતિ મળ્યા બાદ અનેકવાર સંશોધન કરવામાં આવ્યા છે. જેમાં કંઇકને કંઇક પુરાતન કાળનું મળતું આવ્યું છે. થોડા સમય પહેલા જ કચ્છમાંથી પૂંછહીન વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. હવે ભુજના ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂના મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળી આવ્યા છે.

ખાત્રોડના ડુંગરમાંથી મળ્યા 7 ઈંચ લાંબા અને 4 ઈંચ પહોળા ઈંડાનું અશ્મિ
ભુજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી કરોડો વર્ષ જૂના 7 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. અશ્મિમાં સ્પષ્ટ રીતે ઇંડાનું બાહ્ય સખત આવરણ એટલે કે કોચલું અને આંતરિક જરદી જોવા મળે છે. મહાકાય મગરના કરોડો વર્ષ જૂના ઇંડાના અશ્મિને પ્રીઝર્વ કરવામાં આવશે અને તેનો સઘન અભ્યાસ કરવામાં આવશે.

13થી 14 કરોડ વર્ષ જૂના મહાકાય મગરના ઇંડા હોવાની શક્યતા
મૂળ માધાપરના રહેવાસી અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા ડોક્ટર હિરજી ભુડીયા તથા જાંબુડીના હરપાલસિંહ જાડેજાએ સંયુક્ત રીતે શોધખોળ કરી હતી, જે દરમિયાન તેને આ ઇંડાના અશ્મિ મળ્યા હતા. ડોક્ટર ભુડીયાએ જણાવ્યા પ્રમાણે આ ઇંડાનું અશ્મિ 13થી 14 કરોડ વર્ષ જૂના મહાકાય મગરના હોવાની શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે આ વિસ્તારમાં ડાયનાસોર હોવાના કોઇ પૂરાવા હજી સુધી મળ્યા નથી અને કાચબાના ઇંડા પણ નાના હોય છે. હજારો કરોડો વર્ષ પૂર્વે અહીં મહાકાય મગરો વિચરણ કરતા હતા, અહી નદી અને સાગરકાંઠો હોવાથી આ મહાકાય મગરો અહીં આવતા હતા.

આ મગરોનો ક્રોકોડાઇલ નહીં પણ ક્રોકોડીનીયલ કહેવામાં આવે છે
કચ્છમાં જે મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળ્યા છે, તે મગરોને ક્રોકોડાઇલ કહેવામાં આવતા ન હતા, તેમને ક્રોકોડીનીયલ એટલે કે અર્વાચીન મગરોના પૂર્વજ તરીકે ઓળખવામાં આવે છે. આ મગરો સમુદ્ર કિનારે પોતાના ઇંડાને રેતીમાં છૂપાવીને સેવતા હતા. જ્યારે તેઓ પાણી પીવા માટે આવતા ત્યારે ડાયનાસોરની ડોક પકડીને તેમનો શિકાર કરી નાંખતા હતા. તેથી શક્યતા એવી છે કે આ વિસ્તારમાં ક્રોકોડીનીયલ્સની આખે-આખી ઇંડા સેવવાની વસાહત અહીંથી મળી આવશે. તેથી આ વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવશે.

X
many crore years old huge crocodile egg fossil found in kutch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી