ભુજના બે ધૂતારાએ ફોન પર જ ખરીદ્યો 41 લાખનો પ્લોટ, બે દિવસ બાદ ફુલ પેમેન્ટ કરીશુ કહીં કરી છેતરપિંડી

fraud with merchant from ahmedabad by two cheaters

divyabhaskar.com

Nov 27, 2018, 01:01 PM IST

ભુજઃ બિદડાના પ્લોટનો સોદો ફોન પર જ 41 લાખ રૂપિયામાં કરીને મંદિરમાં દાન આપવાના નામે ભુજના બે ચીટરોએ અમદાવાદી પ્લોટમાલિક પાસેથી રૂપિયા 21 હજાર પડાવી લીધા હોવાની ઠગાઇનો નવતર કિસ્સો બહાર આવ્યો છે. અલબત, આ અંગે હજુ સત્તાવાર કોઇ ફરિયાદ થવા પામી નથી.

અમદાવાદમાં રહેતા વેપારીએ 400 વારના પ્લોટની આપી હતી જાહેરાત
અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા એક વેપારીએ માંડવી તાલુકા બિદડા ગામ પાસે આવેલી તેમની માલિકની 400 વારની જમીનના પ્લોટના વહેચાણ માટે જાહેરાત આપી હતી. એ જાહેરાત પરથી તેમને એક વ્યક્તિ કે જેણે પોતાનું નામ પ્રવિણ પટેલ હોવાનું જણાવ્યું હતું અને પ્લોટ બાબતે વાત કરીને તેણે પ્લોટ જોયો છે અને તેનો સોદા બાબતે ચર્ચા કરીને 45 લાખના પ્લોટનો સોદો 41 લાખમાં ફાઇનલ કર્યો હતો.

મંદિરમાં બે નંબરના રૂપિયા રહેતા હોય, તમારે થોડાક દાન પેટે લખાવવા પડશે
કથિત પ્રવિણ પટેલે અમદાવાદીને જણાવ્યું હતું કે, હું બે દિવસ પછી ગાંધીનગર આવું છું ત્યારે તમારા પ્લોટનું ફુલ પેમેન્ટ કરી આપીશ અને લખાણ કરી લેશું, પરંતુ અમારા બે નંબરના રૂપિયા સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હોઇ ત્યાથી રૂપિયા લેવાના છે, તો તમારે સ્વામિનારાયણ મંદિરમાં દાન પેટે થોડા રૂપિયા લખાવવા પડશે. આટલો મોટો સોદો આમ ફોન પર જ આટલી સરળતાથી પતી જતાં અમદાવાદી પ્લોટ માલિકે મંદિરમાં દાન પેટે રકમ આપવાની સંમતિ દર્શાવી હતી.

21 હજારનો લગાવ્યો ચુનો
વેપારીએ સંમતિ દર્શાવતા પ્રવિણ પટેલે તેને જણાવ્યું કે, મુકેશ પટેલ નામની વ્યક્તિનો તમને ફોન આવશે તેના નામે આર સી આંગડીયા પેઢીમાં રકમ મોકલી આપજો. અમદાવાદીએ 11 હજાર રૂપિયા સ્વામિનારાયણમાં દાન પેટે આંગડિયામાં મોકલી આપ્યા હતા, એ પછી ફરી પ્રવિણભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે, સ્વામી કહે છે કે, આટલા મોટા સોદામાં માત્ર આટલી જ રકમ ન હોય, વધુ 10 હજાર રૂપિયા મોકલી આપો. આથી, પ્લોટમાલિકે ફરીથી આંગડિયામાં ફરી દશ હજાર મોકલી આપ્યા હતા. એ પછી કહેવાતા પ્રવિણનો કે મુકેશનો ફોન આવ્યો જ નહી અને બન્નેના ફોન સ્વીચ ઓફ થઇ ગયા ત્યારે અમદાવાદી પ્લોટમાલિકને અહેસાસ થયો કે પોતે છેતરાઇ ગયો છે.

ચીટરોએ વેપારીને આપી ધમકી
આ બાબતે તેમણે પોલીસ સ્ટેશનમાં પ્રવિણ પટેલ તેમજ મુકેશ પટેલના મોબાઇલ નંબરો આપીને લેખિત રજુઆત કરી છે. પ્લોટમાલિકે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હોવાની જાણ થતાં જ આ ચીટરોએ સોમવારે ફરીથી અમદાવાદી પ્લોટમાલિકને ફોન કરીને ધાકધમકી આપી હતી અને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે, હવે તને તારા રૂપિયા નહીં મળે, મોકલેલા 20 લાખનું શું થયું? તેવું જણાવી ગાળાગાળી પણ કરી હતી.

સોનાના બિસ્કિટ અને સસ્તા સોનાના નામે અગાઉ છેતરપિંડી થઇ ચૂકી છે !
સસ્તુ સોનુ મેળવવાની લાલચમાં અનેક લોકો અગાઉ ફસાઇ ચુક્યા છે જેમા હરિયાણાના એક ઉદ્યોગપતિના 13 લાખ રૂપિયા ભુજના શખસોએ પડાવી લીધા હતા તો, તાજેતરમાં એક અમદાવાદવાસીને સસ્તા ભાવે સોનાના બિસ્કિટો પઘરાવી 40 લાખ 32 હજારની ઠગાઇ પણ થઇ હતી. જો કે,આ બન્ને કિસ્સામાં હજુ સુધી પોલીસને આરોપીનો કોઇ સૂરાગ હાથ લાગ્યો નથી, ત્યા ફરી ભુજના બે ચીટરોએ અમદાવાદી સાથે બિદડામાં આવેલી જમીનના પ્લોટના સોદો ચર્ચા કરી સ્વામીનારાયણ મંદિરમાં દાન કરવાના નામે 21 હજાર પડાવી લીધા છે.

X
fraud with merchant from ahmedabad by two cheaters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી