કચ્છનો વાગડ ફોલ્ટ 5 દિ’માં 17 હળવા કંપનથી ધ્રુજ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂસ્તરીય સખળ-ડખળના પ્રમાણમાં એકાએક વધારો જોવા મળ્યો હોય તેમ પાછલા 5 દિવસના સમયગાળામાં કચ્છનો વાગડ ફોલ્ટ 17 જેટલા હળવા કંપનથી ધ્રુજી ઉઠ્યો હતો. જોકે, તમામ કંપનની તીવ્રતા ઘણી ઓછી રહેતાં તેનો નોંધપાત્ર અનુભવ થયો નહોતો.

2થી ઉપરની તીવ્રતાના 11 કંપન નોંધાયા

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરમાંથી મળેલી માહિતી અનુસાર 24 જુલાઇથી 28 જુલાઇ સુધીના 5 દિવસના સમયગાળામાં 2થી ઉપરની તીવ્રતાના 11 મળી કુલ 17 હળવા કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયા છે. આ 17 પૈકીના 10 કંપન તો ગુરુથી શુક્રના 24 કલાકના સમયગાળા દરમિયાન અનુભવાયા છે. આ 17 હળવા કંપનમાં સૌથી વધુ તીવ્રતાનું કંપન 2.8ની તીવ્રતાનું નોંધાયું હતું. આ કંપન ગુરૂવારે બપોરે 12:45 વાગ્યે દુધઇથી 29 કિલોમિટર દૂર નોંધાયું હતું.

2થી લઇ 2.7ની તીવ્રતા ધરાવતા અન્ય 10 કંપન તેમજ 1થી 1.9ની તીવ્રતા ધરાવતા અન્ય 6 કંપન આ સમયગાળા દરમિયાન અનુભવાયા છે. આ તમામ આંચકાનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટના ભચાઉ, ધોળાવીરા, દુધઇ, રાપર નજીક નોંધાયું હોવાનું આઇ.એસ.આર.-ગાંધીનગરના સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. 2001ના વિનાશકારી ધરતીકંપ બાદ 16 વર્ષથી વધુનો સમય વીતી ગયા બાદ પણ ભૂસ્તરીય સળવળાટ પૂર્ણ રીતે શાંત થયો નથી અને હજારોની સંખ્યામાં હળવાથી મધ્યમ તીવ્રતાના આંચકાનો દોર સતત રીતે જારી રહ્યો છે.
 
અન્ય સમાચારો પણ છે...