• Gujarati News
  • 1 Year Simple Imprisonment Of Her Husband For Women Suicide Case At Baladiya

બળદિયામાં મહિલાના આપઘાત કેસમાં પતિને 1 વર્ષની સાદી કેદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પુત્રીના સગપણ મુદ્દે પીયરમાં કર્યું'તું અગ્નિસ્નાન
- ભુજની અધિક સેશન્સ કોર્ટનો 3 વર્ષ જૂના બનાવમાં ચુકાદો સાસુ-દિયર નિર્દોષ છૂટ્યા

ભુજ : બળદિયાની મહિલાએ ત્રણ વર્ષ પૂર્વે પતિ, સાસુ અને દિયરના ત્રાસથી સળગીને આત્મહત્યા કરી લેવાના કેસમાં અહીંની અદાલતે પતિને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાસુ અને દિયરને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

આ કેસની પૂર્વ હકીકત એવી છે કે, કેરા-ગજોડ રોડ પર રહેતા આહિર રૂડીબેન કરસન ડાંગરની પુત્રી રમીલાના લગ્ન (બનાવના 18 વર્ષ પૂર્વે) બળદિયાના ભીમજી મેરા પંખારિયા (આહિર) સાથે થયાં હતાં. સંતાનમાં બે પુત્રી પૈકી મીત્તલના સગપણ થઇ ગયાં હતાં, પણ બીજી દીકરી ભાવિતાના વેવીશાળ "સારા'માં કરવા અંગે સાસુ પ્રેમબાઇ મેરાની ચડામણીથી પતિ ભીમજી અને દિયર વાલજી મૃતકને માનસિક ત્રાસ આપતા હતા, તેનાથી કંટાળી જઇને મહિલાએ તા.15/2/2012ના પોતાના માવતરના ઘરે, શરીરે કેરોસીન છાંટી જીવનનો અંત આણી દેતાં તેની માતાએ ત્રણે આરોપી સામે પોલીસમાં ત્રાસ અને આપઘાત માટે મજબૂર બનાવવાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી.
તપાસ બાદ પોલીસે ભુજના બીજા એડિશનલ સેશન્સ જજ પી.વી. જોષીની કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ કેસ ચાલતાં સરકાર તરફે 12 મૌખિક સાહેદોને તપાસાયા હતા. 13થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળી, પરાવાઓ અને ચુકાદાઓ તપાસીને ન્યાયધિશ જોષીએ 33 પાનાના ચુકાદામાં પતિને કેદનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક પબ્લિક પ્રોસિક્યૂટર સી.સી. ગુજરાતી હાજર રહ્યા હતા.