• Gujarati News
  • કમોસમી વરસાદની હેટ્રિક : પાવરપટી અને પચ્છમમાં ઝાપટાંથી અડધો ઇંચ

કમોસમી વરસાદની હેટ્રિક : પાવરપટી અને પચ્છમમાં ઝાપટાંથી અડધો ઇંચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાંચૈત્ર માસમાં છવાયેલો ચોમાસુ માહોલ સતત ત્રીજા દિવસે પણ જોવા મળ્યો હતો. પહેલાં પ.કચ્છ અને બીજા દિવસે પૂર્વમાં પવન સાથે વરસાદ થયા બાદ હવે ફરી પચ્છમ અને પાવરપટી પર ઝાપટાંથી અડધા ઇંચ જેટલું પાણી પડતાં ખેડૂતોના ચહેરે ચિંતાના વાદળો ઘેરાઇ ગયાં હતાં.

નખત્રાણા તાલુકામાં પાવરપટી વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. બપોર પછી અચાનક વાદળો ચડી આવ્યાં હતાં અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. તાલુકાના વિરાણી મોટી, દેવીસર, બિબર, ઝુરા, વંગ, નિરોણા તેમજ બન્નીના કેટલાક ગામોમાં પણ ઝાપટાં પડ્યાં હતાં. વિસ્તારમાં ખેતી કરતા લોકો મુસીબતમાં મુકાયા હતા. ખાસ કરીને છેલ્લા તબકકામાં રહેલાં એરંડાનો પાક પાણી ભરાતાં તે બળી ગયો હતો પણ મગફળીના પાકમાં ફાયદાનો સંતોષ જોવા મળ્યો હતો.

બીજી તરફ પચ્છમમાં ખાવડા ઉપરાંત ધ્રોબાણા, રતાડિયા, લુણા ગામો તેમજ કાળો ડુંગર પર સવારે વાગ્યાથી ભારે પવન અને વીજળીના ચમકારા સાથે થોડા સમયમાં અડધાથી પોણા ઇંચ પાણી પડી ગયું હતું. જોકે વરસાદ નુકસાનીરૂપ સાબિત થયો હતો. ખાવડામાં જાણે ચોમાસું આવી ગયું હોય તેમ બજારોમાં પાણી વહી નીકળ્યાં હતાં. ભુજ તાલુકાના લોરિયા, હનુમાનનગરમાં પણ હળવાં ઝાપટાં વરસતાં ઠંડક પ્રસરી હતી.

તો બીજી તરફ અંજારમાં અાગલા દિવસે વાવાઝોડુ ફૂંકાયા બાદ બીજા દિવસે વાતાવરણ ખુલ્યું હતું જોકે, તાલુકાના કેટલાક ગામોમાં સાવ હળવા ઝાપટાં પડયાના સમાચાર છે.

કોઠારાનું ઘઉં ખરીદ કેન્દ્ર 13મીથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે

કમોસમીવરસાદજેવી સ્થિતિ ઉભી થઇ છે, ત્યારે કોઠારાના ઘઉં ખરીદ કેન્દ્રમાં પડેલો માલ સલામત સ્થળે લઇ જવા માટે 13મીથી 15મી એપ્રિલ સુધી બંધ કરવાનું ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમની કચેરી દ્વારા જાહેર કરાયું છે. 16મીથી પ્રાયોરીટિ મુજબ ઘઉં લઇ આવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.