કચ્છની ગ્રામપંચાયતોમાં ૮૬.૭૧ ટકા મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌથી વધુ ભચાઉ તાલુકામાં ૯૦.૭૮ ટકા : ઓછું નખત્રાણા તાલુકામાં ૭૯.૩૨ ટકા : ૫મીએ થશે મતગણતરી

૪૮ પંચાયતમાં ૧૨૦૦ ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં થયું સીલ

કચ્છની ૪૮ ગ્રામ પંચાયત માટે આજે યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઇ હતી. પોતાના સુકાનીઓને ચૂંટવા માટે કુલ ૬૬૨૬૭ મતદારમાંથી ૮૬.૩૪ ટકા મતદારોએ વોટિંગ કર્યું હતું. પ્રથમવાર ઇવીએમ દ્વારા થયેલાં મતદાન માટે મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. રતનાલમાં થયેલા ડખાને બાદ કરતાં કોઇ અનિચ્છનીય ઘટના બની હતી.

સવારે ૮ વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં જોડાવા મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી, તો બીજીતરફ ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદાવારોમાં અને રાજકીય પક્ષો વોટરોને બૂથ સુધી ખેંચી લાવવા કામગીરી કરતા જોવા મળ્યા હતા. સંવેદનશીલ બૂથો પર સજજડ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો સાથે શાંતિપૂર્ણ મતદાન થવાથી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

૨૧ પંચાયત અગાઉથી જ સમરસ થઇ ગઇ હતી.જેમાં મુન્દ્રા તાલુકામાં ૧ પંચાયત સમરસ બનતાં આજે ૫ માટે તો અંજારમાં ૬ સમરસ બનતાં ૧૦ માટે ચૂંટણી થઇ હતી, તો ભચાઉ તાલુકામાં ૨ સમરસ બનતાં ૬ રાપરની ૭ પંચાયત સમરસ થતાં ૧૮, નખત્રાણાની ૩ સમરસ બનતાં ૪ માટે વોટિંગ થયું હતું, તો લખપતમાં ૧ સમરસ બનતા આજે ૫ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે,માંડવી તથા ભુજ તાલુકામાં એક એક પંચાયત અગાઉથી જ સમરસ થઇ ગઇ છે. આજે ૬ તાલુકાની ચૂંટણી માટે ૧૫૦ જેટલા વિજાણુ મતદાન યંત્ર અને ૯૫૦ કર્મચારીએ તંત્રે કામે લગાડયા હતા. ૨૭૪ વોર્ડ તથા ૪૮ સરપંચ પદ માટે ઝંપલાવનારા ૧૨૦૦ ઉમેદવારનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થયું હતું. મુરતિયાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ વાસ્તવિક ચિત્ર તા.૫મીએ મતગણતરી પ્રક્રિયા બાદ જ સામે આવશે કે કોના શિરે મતદારો કળશ ઢોળે છે.