માત્ર ૭ કિલોમીટરના પેવર કામમાં થયો ૭૦ લાખનો ભ્રષ્ટાચાર!!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માર્ગ-મકાન વિભાગ હસ્તકના માંડવી-ગઢશીશા રસ્તાના કામમાં ૭૦ લાખનો ભ્રષ્ટાચાર!!
- ગૌચર જમીનમાં પંચાયતની પરવાનગી વગર ડામર પ્લાન્ટ કાર્યરત


પ્રજાનો પૈસો પ્રજાની સુખાકારી માટે વાપરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર કરોડોની ગ્રાન્ટ વિવિધ વિભાગને ફાળવે છે, જે સારે રસ્તે વપરાય તેવો આશય હોય છે, પરંતુ આ જ ગ્રાન્ટની રકમ જો ભ્રષ્ટાચારનો ભોરિંગ ખાઇ જાય, તો મુખ્ય ઉદ્દેશ મરી જાય. માંડવી તાલુકાના તા. ૯ જૂનથી શરૂ થયેલા માંડવી-ગઢશીશા પેવર કામમાં પણ આવો જ તાલ છે તથા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઇ છે.

માંડવી પ કિ.મી.થી ૧૨ કિ.મી. સુધીના સાત કિ.મી.ના રસ્તાનું નવીનીકરણ એટલે કે, પેવરકામ ચાલુ છે. ધારાસભ્ય તારાચંદભાઇ છેડાના હસ્તે ખાતમુહૂર્ત કરાવીને શરૂ કરાયેલું કામ સ્ટ્રેન્થિંગ મળે, તે માટે એસ્ટિમેટમાં ત્રણ સ્તર સમાવાયાં, પ્રથમ લેયર એસ.ટી.બી.સી., બીજું લેયર બી.એમ., ત્રીજું લેયર સીલકોટ અનુક્રમે ૭પ એમ.એમ., પ૦ એમ.એમ. અને ૨૦ મિલિમીટર. આ કામ માટે રૂ. ૩.૧૭ કરોડનું ટેન્ડર બહાર પડયું, જે ૨૨.૩૪ ટકા નીચા ભાવે કતીરા કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ધારાધોરણને નેવે મૂકીને સાઇટ સુપરવાઇઝર અને એજન્સીની મિલિભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

પ્રથમ સ્તર કે જે મીક્સ કાંકરીના એસ.ટી.બી.સી.ના એક ટન ડામરમાં ૨.પ મિટર ચાલવો જોઇએ, તે અંદાજે ૨પથી ૩૦ ટકા વધુ ચલાવે, જેથી થીકનેશ ન મળે તથા ગુણવત્તા પણ હલકી બને. તે જ રીતે બીજું સ્તર કે જે પ૦ એમ.એમ.નું કરવાનું છે, તેમાં પણ સ્ટાન્ડર્ડ થીકનેશ મેળવવા ૧ ટન ડામરમાં ૩.પ મીટર રસ્તો બને, તેને બદલે તેમાં પણ ભ્રષ્ટાચાર કરાવાના આક્ષેપ સાથે સૂત્રોએ જણાવ્યું હતું કે, ડામર પ્લાન્ટ પર ફરજ પરના સુપરવાઇઝર કે, જે સરકાર તરફથી ક્વોલિટી પર ધ્યાન રાખવા માટે હાજર હોય છે, તે જ હિ‌સાબમાં ગરબડ કરી સેવિંગ કરે છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એન.જી. ઓઝાને પૂછતાં તેમણે પેવરકામની વિગત અમારી પાસે ન હોય, તેમ કહી ટાળ્યું હતું. બાદમાં માહિ‌તી મેળવીને પૂરક માહિ‌તી આપી હતી. જોવાનું એ છે કે, આ બિલ તાત્કાલિક પાસ કરવાની લ્હાયમાં કામ આટોપી લેવામાં તો નથી આવતું ને.