• Gujarati News
  • 7 Due To Killed In Two Months Illness Enigmatic Region Gidhanam

કચ્છમાં ભેદી બીમારીના કારણે બે માસમાં 7 ગીધનાં મોત થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : કચ્છ વિલુપ્તિના આરે આવેલા પાંચ અતિ મહત્ત્વના પક્ષીઓ માટેનું કાયમી કે શિયાળાનું વસવાટસ્થાન છે. ગીધ તેમાંની એક પ્રજાતિ છે. રાજ્યમાં વર્ષ 2011માં કરવામાં આવેલી ગીધોની વસતી ગણતરીમાં કચ્છમાં 160 જેટલા ગીધ નોંધાયા હતા, જે પ્રજાતિ હાલના સમયમાં કોઇ ભેદી વાઇરલ કે બેક્ટેરિયલ વાઇરસના કારણે સંકટમાં મુકાઇ છે. કચ્છમાં છેલ્લા બે માસ દરમિયાન 7 ગીધનાં મૃત્યુ થતાં વન વિભાગના અને પક્ષીઓના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
- વાઇરલ અથવા બેક્ટેરિયલ વાઇરસ કારણે લુપ્ત થતી પ્રજાતિ સંકટમાં : ગીધનાં મોત પાછળ ડાઇક્લોફેનાક જવાબદાર હોવાનું બહાર આવ્યું
ધ કોર્બેટ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર દેવેશ ગઢવીના જણાવ્યા અનુસાર છેલ્લા બે માસ દરમિયાન અબડાસા, ભુજ અને માંડવીમાં 7 ગીધનાં મૃત્યુ થયાં છે, જે પૈકી 3 યાયાવર ગીધ વીજળીના તાર સાથે અથડાઇને મરણ પામ્યા હતા, જ્યારે 1 ગીધ ડાઇક્લોફેનાક નામની દવાની અસર હેઠળ મૃત્યુ પામ્યાનું બહાર આવ્યું છે. કચ્છમાં વસતા ગીધો પર કોઇ બીમારીનો ભય તોળાઇ રહ્યો છે. હાલમાં ગીધ પક્ષીઓનો પ્રજનન સમય ચાલી રહ્યો હોવાથી તે માળા પર બેઠેલા જોવા મળે છે અને આથી તેના બચ્ચાઓનાં મૃત્યુ ઝડપથી થવાની શક્યતા વધી રહી છે.
બીમાર ગીધની વન વિભાગને જાણ કરો
કચ્છના કોઇ પણ વિસ્તારમાં જો ગીધ પક્ષીઓ બીમાર અવસ્થામાં જોવા મળે, તો તેની તાત્કાલિક જાણ વન વિભાગની ઓફિસ ફોન 02832-231500 તેમજ ગીધ સંરક્ષણ પર કાર્ય કરતી સંસ્થા ધ કોર્બેટ ફાઉન્ડેશનના વડા દેવેશ ગઢવી મો. 99786 51960 અથવા 98982 06959 પર સંપર્ક સાધવા અપીલ કરાઇ છે, જેથી ગીધને બચાવવા માટે જરૂરી પગલાઓ તાત્કાલિક રૂપે લઇ શકાય.
ગીધના સંરક્ષણ માટે કિસાનોને પ્રોત્સાહન
ગીધના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા ધ કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા જે ખેડૂતોની વાડી વિસ્તારમાં ગીધ માળા બાંધે છે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાઇકલની ભેટ પણ અપાઇ હતી. ગીધના સંરક્ષણ માટે સ્વ.અશ્વિન પોમલ દ્વારા પણ વર્ષો સુધી લોકજાગૃતિના કાર્યો કરાયા હતા.
પશુઓ માટે વપરાતો ડાઇક્લોફેનાક જીવલેણ
એક ગીધના મૃત શરીરમાં જોવા મળેલી ડાઇક્લોફેનાકની અસર દર્શાવે છે કે, પશુઓની સારવારમાં હજી પણ ગેરકાયદે રીતે ડાઇક્લોફેનાકનો ઉપયોગ થઇ રહ્યો છે. ડાઇક્લોફેનાકનો ઉપયોગ પશુઓની સારવારમાં થાય છે અને આ પશુ મૃત્યુ પામે તેને ગીધ ખાતા હોવાથી આ દવાની સીધી અસર ગીધને થાય છે, જેથી પ્રતિબંધીત આ દવાનો ઉપયોગ ગીધ પ્રજાતિ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. -પ્રવીણસિંહ વિહોલ, નાયબ વન સંરક્ષક પશ્ચિમ કચ્છ વન વિભાગ