ગુજરાતમાં ઉનાળાની સૌથી વધુ ગરમી ૪પ.૪ ડિગ્રીથી ભુજ ભઠયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છેલ્લા ત્રણ વર્ષ બાદ અનુભવાયો કાળઝાળ તાપ
- કંડલા એરપોર્ટમાં ૪૨.૪, કંડલામાં ૩૭.૬, નલિયામાં ૩૭.૨ ડિગ્રી તાપ
- ભુજવાસીઓએ અનુભવ્યો ચાલુ સીઝનનો આકરો દિવસ

વૈશાખના અંત ભાગમાં સૂર્યનારાયણ ધોપાયમાન થયા હોય તેમ રણ અને દરિયાથી ઘેરાયેલા આ જિલ્લાના મુખ્યમથક ભુજમાં ચાલુ સીઝનમાં સોમવારે પહેલીવાર તાપમાનનો પારો ૪પ.૪ ડિગ્રીએ પહોંચી જતાં છેલ્લા ત્રણ વર્ષ બાદ સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જેને કારણે શહેરવાસીઓએ અગનભઠ્ઠી જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. એ સાથે રાજ્યમાં મોસમની સૌથી વધુ ગરમી આ શહેરમાં નોંધાઇ હતી, તો કંડલા એરપોર્ટમાં ૪૨.૪, કંડલામાં ૩૭.૬ તથા નલિયામાં ૩૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

એપ્રિલ એન્ડ તથા મેની શરૂઆતમાં કચ્છમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચ્યા બાદ થોડા દિવસ ગરમીએ વિરામ રાખ્યા બાદ ગઇકાલ રવિવારે રવિનો પ્રકોપ વધતાં ૪૨ ડિગ્રી રહ્યા બાદ આજે સોમવારે પાટનગર ભુજને સૂર્યનારાયણે બાનમાં લીધું હોય તેમ પારો ત્રણ ડિગ્રી ઉંચકાતાં ૪પ.૪ ડિગ્રીએ પારો પહોંચી ગયો હતો. એ સાથે જ જિલ્લામથક રાજ્યનું સૌથી ઊનું મથક નોંધાયું હતું. પરિણામે, જનજીવન રીતસરનું બળી ઉઠયું હતું. સવારથી જ સૂર્યે આભમાંથી અગનગોળા વરસાવતાં બપોરના સમયે રીતસર લોકો દાઝી ગયા હતા. અસહ્ય તાપથી શહેરવાસીઓ ત્રસ્ત થયા હતા. પંખા તો ઠીક, એસી પણ આ અંગારા સામે લાચાર બની ગયાં હતાં.

મધ્યાહ્ને ચામડી ચીરતી લૂથી પ્રજાજનો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા હતા. આ સમયે જાણે કર્ફ્યુ હોય તેમ લોકો ઘરમાં ભરાઇ ગયા હતા. તેમાંય પવન પડી ભાંગતાં માત્ર ૩ કિમીએ કહેવાતી હાજરી પૂરાવી હતી, જેથી આકરા તાપ સામે તેની કોઇ વિસાત રહી નહોતી. અહીંનું લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી રહેતાં સાંજ બાદ પણ અકળામણમાં કોઇ ફેરફાર થયો નહોતો. પરિણામે, આખો દિવસ બળબળતો પસાર થયો હતો. રણકાંધી વિસ્તાર પણ આકરા તાપ સામે લાચાર અને ગરમ બની રહ્યો હતો. કંડલા એરપોર્ટ(ગળપાદર)માં પણ દિવસ ગરમ બની રહ્યો હોય તેમ મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ ૨૬.પ ડિગ્રીએ અટકયું હતું, આશ્ચર્ય વચ્ચે કંડલા અને નલિયામાં આંશિક ગરમી નોંધાઇ હતી. કંડલામાં મહત્તમ ઉષ્ણતામાન ૩૭.૬ અને લઘુત્તમ ૨૭ અને નલિયામાં અનુક્રમે ૩૭.૨ તથા ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું.

૧૨૮ વર્ષ પહેલાં અનુભવાઇ હતી ૪૭ ડિગ્રી

આજથી બરોબર ૧૨૮ વર્ષ પહેલાં, આ જ તારીખે એટલે કે, ૨૬/પ/૧૮૮૬ના ભુજમાં રેકોર્ડબ્રેક ૪૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે સંયોગ આજે ૨૬/પ/૨૦૧૪ના સર્જા‍યો હતો.