• Gujarati News
  • 4 Sample Problem Out Of 50 By Food Department Action In Gandhidham

ગાંધીધામ: ફૂડ વિભાગે લીધેલા પ૦માંથી ૪ સેમ્પલ ભેળસેળવાળા નીકળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હળદર, ઘી સહિ‌તની ચીજવસ્તુઓ મિશ્રણયુક્ત નીકળતાં કરાશે કાર્યવાહી : હજુ છથી વધુ રિપોર્ટ પેન્ડિંગ

ગાંધીધામ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક વર્ષ દરમિયાન શહેરમાંથી જુદા-જુદા ખાદ્યપર્દાથોના કુલ પ૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં હળદર, ઘી સહિ‌તના ખાદ્યપર્દાથની ૪ વસ્તુમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૬થી વધુ સેમ્પલના રિપોર્ટ હજુ લેબોરેટરીમાંથી આવ્યા જ નથી ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે ફૂડ વિભાગ દ્વારા નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, એપ્રિલ ૨૦૧૩થી માર્ચ ૨૦૧૪ સુધીમાં ફૂડ વિભાગની ટીમે શહેરમાં ચેકિંગ કાર્યવાહી કરી હતી, જેમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ (જેમાં ભેળસેળ થઇ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ થાય)તેવી ઘી, હળદર, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણના કુલ પ૦ સેમ્પલ લીધા હતા. આ સેમ્પલો લઇ ફૂડ એન્ડ ડ્રગની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૪ સેમ્પલમાં કેમિકલ કે રસાયણનું મિશ્રણ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે, સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે, ફૂડ વિભાગ ભલે ૪ સેમ્પલનો દાવો કરે, વાસ્તવમાં આ આંકડો હજુ વધુ છે. જ્યારે છ સેમ્પલ એવા છે કે, જેને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે, પરંતુ પરીક્ષણનો રિપોર્ટ હજુ લેબોરેટરી દ્વારા સોંપવામાં આવ્યો નથી હાલ ફૂડ વિભાગ આવા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવનારી હોવાની વાતો કરી રહ્યું છે, પરંતુ ક્યારે કરાશે તે હજુ કોઇ નક્કર નિર્ણય પર આવી નથી ત્યારે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી માત્ર કાગળ પર જ થશે કે પછી વાસ્તવમાં.

કેરી -ઠંડાપીણાના હાટડાઓ હજુ ધ્યાને આવ્યા જ નથી

ઉનાળાના પ્રારંભથી જ ગાંધીધામ-આદિપુરમાં ઠેર-ઠેર કાર્બાઇડથી પકવેલી કેરી, તરબૂચ, જ્યૂસ અને શેરડીના રસ સહિ‌તના ઠંડાપીણાના હાટડાઓ ખૂલી ગયા છે. આ વાત શહેરની જનતા પણ ખુદ જાણે છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે, ફૂડ વિભાગના અધિકારી અને કર્મચારીઓને આવા હાટડા હજુ ધ્યાને આવ્યા નથી ફૂડ વિભાગ સીઝન પૂરી થવાના આરે હશે, ત્યારે બે-ચાર સ્થળેથી સેમ્પલ લઇ દાખલારૂપી કામગીરી કરશે તેવો સો મણનો સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે.