પદ્ધર પાસે ભરબપોરે ૨ લાખની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર્ટુન તસવીર)
- પદ્ધર પાસે ભરબપોરે ૨ લાખની લૂંટ
- બોલેરોથી ભુજ આવતા ફતેહગઢના ટ્રાન્સપોર્ટર લૂંટાયા : પોલીસને પડકાર
- ચાર લૂંટારા કાર લઇને ફરાર ગાડીમાં પંકચરના બહાને મદદ માગી, હુમલો કરીને રોકડ સાથે ભાગી છૂટયા

ભુજ/સામખિયાળી : ભુજ તાલુકામાં પદ્ધર હાઇવે પર સોમવારે બપોરે કારમાં આવેલા ચાર પરપ્રાંતીય મનાતા લૂંટારુએ ફતેહગઢના બોલેરો માલિકને રસ્તામાં ખોટા બહાના હેઠળ અટકાવી, તેમના પર હુમલો કરીને બે લાખની રોકડ રકમની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ હતી.ધમધમતા હાઇવે પર લાખોંદ પાટિયા નજીક દિનદહાડે બનેલી ઘટનાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસની ઘટેલી ધાક સામે પડકાર સર્જા‍યો છે.
પદ્ધર પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાપર તાલુકાના ફતેહગઢ ગામના પ૦ વર્ષીય હાસમ દાઉદ કુંભાર તેમણે ખરીદેલા ડમ્પરના હપ્તાનું બે લાખનું પેમેન્ટ કરવા ભુજ આવી રહ્યા હતા, ત્યારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. પોલીસના કહેવા મુજબ પદ્ધર હાઇવે પર લાખોંદ પાટિયાથી બે કિ.મી. દૂર શેખપીર બાજુ એક સિલ્વર કલરની નંબર વગરની અલ્ટો કાર ઊભી હતી.
ચાર હિ‌ન્દીભાષી જણાતા લૂંટારુએ હાસમભાઇને બોલેરોને હાથ દઇને ઊભી રખાવી હતી તથા કારમાં પંક્ચર થઇ ગયું છે અને અમારી પાસે જેક નથી, તેવું કહેતાં હાસમભાઇ માનવતાની રીતે પોતાની બોલેરો જીપની પાછળ પડેલો જેક લેવા ગયા, ત્યારે ચાર લૂંટારુએ તેમને તેમના વાહન સાથે દબાવી દઇ માર માર્યો હતો તથા બોલેરોમાં કેબિન અંદરની ડિકીમાં રાખેલા બે લાખ ઉઠાવી ભચાઉ તરફ નાસી ગયા હતા.

પોલીસે ગુનો નોંધવામાં દોઢ કલાક ગલ્લાં-તલ્લાં કર્યાં
પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે દોઢ વાગ્યે લૂંટની ઘટના બનતાં ફરિયાદી તરત જ નજીકમાં પદ્ધર ગામના પોલીસ સ્ટેશને ફરિયાદ માટે જઇ પહોંચ્યા હતા, પણ ધોળા દિવસે થયેલી લૂંટને પોલીસે ગંભીરતાથી લીધી ન હોય તેમ ત્રણ વાગ્યા સુધી ફરિયાદીને એમ જ બેસાડી રાખ્યા હતા. દોઢેક કલાકના ગલ્લા-તલ્લા પછી ગુનો નોંધ્યો હતો અને છેક સાડા ત્રણ વાગ્યે નાકાબંધી માટે સંદેશા પાઠવ્યા હતા. આમ, ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળાં જેવો તાલ સર્જા‍યો હતો.

ફોનની વાતચીત સાંભળીને લૂંટારુ રોકડ વિશે જાણી ગયા
પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે હાસમભાઇ રાયમા એક સ્થળે હાઇવે હોટલ પર ચા પીવા રોકાયા, ત્યારે જે પાર્ટીને પેમેન્ટ આપવાના હતા, તેનો મોબાઇલ પર કોલ આવતાં તેમણે બે લાખ રૂપિયા આપવા આવી રહ્યો છું, તેવી વાત કહેતાં એક શકયતા એવી છે કે, એ સમયે લૂંટારુઓ એ જગ્યાએ હાજર હોઇ શકે અને બાદમાં બોલેરોથી આગળ નીકળી જઇને પોતાની કાર પંક્ચરના નામે લાખોંદ પાટિયા પાસે રોકી દીધી હશે.