અમરાપરમાં ભેખડ ધસતાં બે યુવાનનાં મોત, મચી ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગૌચર જમીન પર માટી ભરાવતા હતા, ત્યારે માટીની સાથે પાણી ભરેલા ૨૦ ફૂટ ખાડામાં સલારી અને રાજકોટના બે યુવક પડી ગયા

રાપર તાલુકાના અમરાપર ગામની ગૌચર જમની પર માટી ખોદાવીને ભરી રહેલા બે યુવાને ભેખડ ધસી પડતાં જીવ ગુમાવ્યા હતા. બેય યુવાન સોમવારે માટી ખોદાવતા હતા, ત્યારે ભેખડ ધસવાની સાથે જ આશરે વીસેક ફૂટ પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બપોરે આ બનાવ બન્યા બાદ છેક સાંજ સુધી બચાવ કામગીરી ચાલી હતી. જોકે, સાંજે યુવાનનો મૃતદેહ કાઢી શકાયો હતો. મોડી રાત્રે બીજી લાશ પણ મળી આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમરાપરમાં બનેલી ઘટનામાં સલારી ગામનો ઓસમાણ આમદ કુંભાર(૩૦) અને રાજકોટનો અનિરુદ્ધ વનરાજસિંહ હેરમા(૨૩) આ બનાવમાં ભોગ બન્યા હતા. બન્ને યુવાન ગામની ગૌચર જમીન પર માટીનો જથ્થો કઢાવીને ભરાવતા હતા. હિ‌ટાચી મશીનથી માટી ખોદીને વાહનમાં ભરવામાં આવતી હતી. દરમિયાન બેય યુવાન માટીવાળી જમીન પર ચાલતા જતા હતા. એકાએક નીચે પોલાણ ધરાવતી માટીની ભેખડ ધસી પડી હતી, ત્યારે બાજુમાં પાણીથી ભરાયેલા ખાડામાં બેય યુવાન ફસડાઈને પડ્યા હતા. પાણીની સાથે માથે અઢળક માટીનો જથ્થો પણ ફેલાઈ ગયો હતો.

આ બનાવથી મજૂરોમાં પણ દેકારો બોલી ગયો હતો, જ્યારે અમરાપરના રબારીવાસમાં રહેતા સલીમ આમદ કુંભારે પોલીસને માહિ‌તી આપતાં મામલતદાર સહિ‌તનો કાફલો બચાવ કામગીરી માટે તાબડતોબ દોડી ગયો હતો. આ ચકચારી ઘટનામાં છેક સોમવારે સાંજે સાડા સાત વાગ્યે ઓસમાણ કુંભારની લાશ મળી આવી હતી, જ્યારે રાજકોટના યુવાનનો મૃતદેહ કાઢવામાં રાતના દસ વાગી ગયા હતા. ગામમાં બે યુવાનનાં મોતથી ચકચાર વ્યાપી ગઈ હતી. બેય જણ જે ખાડામાં પડી ગયા એ ૧પથી ૨૦ ફૂટનો હોવાનું અંદાજવામાં આવ્યું હતું.