ભુજ જેઆઇસીમાંથી ૧૬ પાકિસ્તાનીને મુક્ત કરાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ ઘૂસણખોરને હરામીનાળામાંથી પકડ્યા હતા વાઘા બોર્ડરેથી તમામ પાકિસ્તાનીઓને તેમના માદરે વતન મોકલી દેવાયા ભુજમાં આવેલા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઇસી)માંથી ૧૬ પાકિસ્તાની ઘૂસણખોરને તેમની સજા પૂરી થઇ ગયા બાદ તેમના વતન પાકિસ્તાન પાછા મોકલી દેવામાં આવ્યા છે. આ ૧૬ પાકિસ્તાનીમાંથી પાંચ ઘૂસણખોર એકાદ વર્ષ પહેલાં કચ્છની દરિયાઇ સરહદે હરામીનાળામાંથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા પકડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૧૧ પાકિસ્તાની જામનગરથી પકડવામાં આવ્યા હતા. ૧૬ પાકિસ્તાનીને ભારતીય સત્તાવાળાઓ દ્વારા ગત ગુરુવારે વાઘા બોર્ડરેથી પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યા છે. ૧૬ પાકિસ્તાનીમાંથી પાંચ એકાદ વર્ષ પહેલાં સીમા સુરક્ષા દળના હાથે હરામીનાળામાં માછીમારી કરતા ઝડપાઇ ગયા હતા, જેમાંનો એક ઘૂસણખોર પાકિસ્તાનના બદીન જિલ્લાના જીરો પોઇન્ટ ગામનો છે, જ્યારે અન્ય થટ્ટા જિલ્લાના જતી તાલુકાના છછજાનખાન ગામના છે. બાકીના પાકિસ્તાની ઘૂસણખોરોને જામનગરથી ભારતીય સત્તાવાળાઓએ પકડી લીધા હતા અને ત્યાર બાદ તેમને ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ જરૂરી કાનૂની કાર્યવાહી કર્યા બાદ તેમને ભુજ જેઆઇસીમાં જ રાખવામાં આવ્યા હતા. પ‌શ્ચિ‌મ કચ્છના પોલીસ અધિક્ષક બી.એસ. આહિ‌રેએ પાકિસ્તાનીઓને ભુજના જેઆઇસીમાંથી પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.