ભુજની જનરલ હોસ્પિટલના ૧૨ ડોક્ટરની સાગમટે બદલી, અસંતોષની લાગણી ફેલાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે માત્ર પાંચ ડોક્ટરના શિરે એમ.એલ.સી., પોસ્ટમોર્ટમ અને સરકારી યોજનાઓની જવાબદારી

ભુજની જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણી જૂથને સોંપાયા બાદ તબક્કાવાર સરકારી સ્ટાફની અન્ય સ્થળે બદલી કરાઇ હતી, જેના અંતિમ ચરણમાં એકઝાટકે ૧૭માંથી ૧૨ જેટલા તબીબને બદલીના ઓર્ડર પકડાવી દેવાતાં આરોગ્ય સેવા પર અવળી અસર થશે. દરમિયાન, હોસ્પિટલમાં ઓછામાં ઓછા આઠ ડોક્ટરની સેવા મળે, તે માટે ગાંધીનગર ધા નાખવાના ચક્રો ગતિમાન થયાં હોવાનું જાણવા મળ્યું હતું. ગત વર્ષે જુલાઇ માસમાં આ હોસ્પિટલનો કારભાર અદાણીને અપાયો, ત્યારે સરકારી સ્ટાફ નર્સ અને અન્ય કર્મચારીઓને અન્ય હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં સમાવી લેવાયા હતા, જેના અંતે બાકી રહેતા ૧૭માંથી ૧૨ ડોક્ટરની મંગળવારે સાગમટે બદલી કરાઇ હતી.

આ પૈકીના ત્રણ મહિ‌લા તબીબને રાપર, જનાણ અને પલાંસવા બદલી કરાઇ છે, તો બાકી રહેતા ડોક્ટરને ભુજથી પ૦ કિલોમીટરથી દૂરના આરોગ્ય કેન્દ્રો પર મૂકી દેવાતાં અસંતોષની લાગણી ફેલાઇ છે. અદાણી જૂથે કરેલા કરાર મુજબ હોસ્પિટલમાં એમ.એલ.સી. તેમજ પોસ્ટર્મોટમ તથા આરોગ્યલક્ષી રાષ્ટ્રીય યોજનાની જવાબદારી સરકારના શિરે રહેતી હોવાથી હવે બાકી રહેતા પાંચ તબીબે તે નિભાવવી પડશે. એટલું જ નહીં, ફેમિલી પ્લાનિંગ સંભાળતા બન્ને ડોક્ટરની પણ બદલી કરી દેવાતાં હવે આ યોજનાનું શું તેવો સવાલ પણ સૂત્રો કરી રહ્યા છે.

- ગાંધીનગર રજૂઆત કરાશે

એકઝાટકે થયેલી આ બદલીના કારણે મુશ્કેલી પડશે તેવું કહેતાં સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન દવેએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા આઠ ડોક્ટર જરૂરી છે. આ બાબતે યોગ્યકક્ષાએ રજૂઆત કરવાનો તખ્તો ઘડાઇ રહ્યો છે, તેવું તેમણે ઉમેર્યું હતું.