• Gujarati News
  • ઉ.ગુ.માં લાખોની હેરાફેરી પકડાઇ

ઉ.ગુ.માં લાખોની હેરાફેરી પકડાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિજાપુર, મહેસાણા, પાટણ, પાલનપુર
ચૂંટણી આચારસંહિતાના ભાગરૂપે નાણાંની હેરાફેરી પર નજર રાખવા માટે zરચાયેલી ફલાઇંગ સ્કવોર્ડની ટીમોએ ઉત્તર ગુજરાતમાં મંગળવારે સપાટો બોલાવ્યો હતો. મહેસાણા જિલ્લામાં વિજાપુરના દેરોલ પુલ પાસે ખેડબ્રહ્ના એપીએમસીના ડિરેકટરની ગાડીમાંથી રૂ.૫ લાખની રોકડ, ભાન્ડુ હાઇવે પરથી થરાદના વેપારીની ગાડીમાંથી રૂ.૨.૯૭ લાખ મળી આવ્યા હતા. પાટણ તાલુકાના ભાટસણ પાસેથી એસ્ટીમ કારમાંથી રૂ.૨.૯૩ લાખ, જ્યારે પાલનપુર પાસે વેપારીની એસ્ટીમ કારમાંથી રૂ.૫ લાખની રોકડ મળી આવી હતી. જોકે, પૂછપરછમાં તેઓ રોકડ અંગે કોઇ સંતોષકારક ખુલાસો નહીં કરી શકતાં આ રકમ ઇન્કમટેકસ વિભાગની ટીમે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વિજાપુર-હિઁમતનગર રોડ પર આવેલા દેરોલ પુલ પાસે મંગળવારે બપોરે સ્ટેટીક સર્વેલન્સ ટીમના એચ.ટી. પટેલ, જમાદાર પરષોત્તમભાઇ બાબુભાઇ, કેમેરામેન જીતેન્દ્ર સોલંકી સહિતની ટીમ વાહનચેકિંગમાં હતી, ત્યારે હિઁમતનગર બાજુથી આવતી સફિટ ગાડી (જીજે-૯એજી- ૭૫૩૩) ની તલાશી લેતાં રૂ.પાંચ લાખ રોકડા મળી આવ્યા હતા. જે અંગે ફલાઇંગ સ્કવા‹ર્ડના એચ.પી. જોજ, એસ.પી. પટેલ, આવકવેરા અધિકારી એમ.એ. વોરા, પીએસઆઇ એ.વી. પાલમિયા સહિતે ગાડીના ચાલક સહિત બંને જણાંની પૂછપરછ કરી હતી. જેમાં તેઓ ખેડબ્રહ્ના તાલુકાના રાધીવાડા કંપા ગામના અમરતભાઇ શંભુભાઇ પટેલ તેમજ ગાડીના ચાલક રિતેષભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું. વિજાપુરની સહયોગ જિનિંગ મિલમાં ખેડૂતોની મિટિંગ હોઇ અને તેઓ મહિકો બિયારણ કંપનીના એજન્ટ હોઇ ત્યાં જઇ રહ્યા હતા. તેમની પાસેની રકમ ઇડર-ખેડબ્રહ્નાના ખેડૂતોને પાકની રકમ આપવા માટે બેંકમાંથી ઉપાડી હોવાનું જણાવ્યું હતું.
જો કે, આ અંગેના કોઇ દસ્તાવેજ ન હોઇ તેમજ તેઓ યોગ્ય ખુલાસો મોડી સાંજ સુધી કરી શકયા ન હતા. આથી આવકવેરા અધિકારીએ રૂ.પાંચ લાખની રોકડ રકમ જપ્ત કરી તેમની સામે આચારસંહિતા અંગે વિજાપુર પોલીસ સ્ટેશને કાર્યવાહી કરાઇ હતી. (વધુ વિગતો પાન-૮ પર)