• Gujarati News
  • ડાયમંડ ફેસિલિટી સેન્ટરની લોલીપોપ

ડાયમંડ ફેસિલિટી સેન્ટરની લોલીપોપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં ચૂંટણી આવતાની સાથે જ કેન્દ્ર સરકારે હીરા ઉદ્યોગકારો માટે ફેસિલિટી સેન્ટરની લોલીપોપ ફરી પકડાવી છે. વેપાર મંત્રાલયે ગુજરાત રાજ્યના ૧૩ શહેરોમાં કોમન ફેસિલીટી સેન્ટર શરૂ કરવા માટે રૂપિયા ૪૦ કરોડની રકમ મંજૂર કરી છે.જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉિન્સલને આ રકમ ફાળવવામાં આવશે.રાજ્યમાં સુરત સિવાય અનેક એવા વિસ્તારો છે જયાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગનું કામ શરૂ થયું છે. પણ આવા સેન્ટરોમાં હજુ લેટેસ્ટ ટેકેનોલોજીનો ઉપયોગ શકય બન્યો નથી.નાના કારખાનેદારોને આવા કોમન ફેસેલિટી સેન્ટરમાં આધુનિક મશીનોનો લાભ લઈને હીરાનું સારૂ આઉટપૂટ મેળવી શકશે.સ્થાનિક એસોસિયેશનોને મેઇન્ટેઇનન્સ માટે સેન્ટર સોંપી દેવાશે.૧લી ઓકટોબરે જીજેઇપીસીના ચેરમેન રાજીવ જૈન સુરતમાં ૪૦ કરોડના ફંડની મંજૂરીની જાહેરાત કરશે.
શહેરમાં હાઈ ફાઈ ડાયમંડ ફેકટરીઓમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.ઉપરાંત નાના કારખાનાઓમાં પણ લેસર મશીનનો ઉપયોગ થવા માંડયો છે.પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેકએવા વિસ્તારો છે, જયાં હીરાઉદ્યોગ વિકાસ પામ્યો છે.નાના કારખાનાઓમાં લોકો રફ ખરીદીને પોતે જ પોલીશીંગ કરીને બજારમાં વેચે છે.પણ ટેકનોલોજીના અભાવે આવા નાના કારખાનેદારો રફનું સારૂ આઉટપૂટ મેળવી શકતા નથી.આ બાબતને ધ્યાનમાં રાખીને જીજેઇપીસીએ રાજ્યમાં કોમન ફેસેલિટી સેન્ટર ઉભા કરવા માટે કેન્દ્રના વાણજિય મંત્રાલયને ફંડ ફાળવવા માટે રજૂઆત કરી હતી.
રાજ્યના કયા કેન્દ્રોને લાભ
અમદાવાદ,અમરેલી,ભાવનગર, બોટાદ, વિસનગર, જૂનાગઢ, જસદણ, ડીસા, મહૂવા, પાલનપુર, પાલિતાણા, ગારિયાધાર અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે.સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ નાવડીયા અને જીજેઇપીસીના મિથિલેશ પાંડેને આ સેન્ટરો પર તાલીમની કામગીરી સોંપવામાં આવી હતી.
સુરતને શું ફાયદો
સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં જે નાના કારખાનાઓ શરૂ થયા છે, તે મોટે ભાગે સુરતના કારખાનેદારોના જ છે.કોમન ફેસેલીટી સેન્ટરને કારણે પ્લાનીંગ અને લેસર મશીનનો લાભ મળશે જેને કારણે રફ હીરામાંથી બનતા પોલીશ્ડ હીરાની ગુણવત્તા સુધરશે.અને કારખાનેદાર હીરાનું સારૂ મૂલ્ય મેળવી શકશે.રાજ્યભરમાં હીરાની ગુણવત્તા સુધરશે તો સુરતના હીરા ઉદ્યોગની શાખ પણ વધારે ઉજળી થશે.