• Gujarati News
  • ભુજમાં લાંચ કેસમાં સજા પામેલા મંજૂર અધિકારી જેલમાં ધકેલાયા

ભુજમાં લાંચ કેસમાં સજા પામેલા મંજૂર અધિકારી જેલમાં ધકેલાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચના એક કેસમાં ભુજના તત્કાલીન મદદનીશ મજૂર નિરીક્ષકને સ્પેશ્યલ કોર્ટ દ્વારા ઓગસ્ટમાં ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ હાઇકોર્ટમાં પણ તેમને લપડાક મળી હતી. જજે અપીલની સુનાવણી પહેલાં સરન્ડર થવાનો આદેશ કર્યો હતો. આદેશને પગલે તેઓ ગુરુવારે ભુજમાં કોર્ટ સમક્ષ હાજર થતાં તેમને જેલમાં મોકલવાનો આદેશ કરાયો હતો. આ અધિકારીએ ૧૩ વર્ષ પહેલાં રૂ.૮ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોના છટકામાં રંગે હાથ પકડાઇ ગયા હતા. ૧૯૯૭માં લાંચમાં પકડાયેલા તત્કાલીન મદદનીશ મદદનીશ મજૂર અધિકારી હરેન્દ્ર કાંતિલાલ શુકલને ભુજની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ગત તા.૨૮ ઓગસ્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા કર્યા બાદ તેમણે આ ચુકાદાને પડકારવા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી પહેલાં ન્યાયમૂર્તિ એમ.આર. શાહે તેમને ભુજ કોર્ટ સમક્ષ સરન્ડર થવાનો હુકમ કર્યો હતો. આ આદેશને પગલે તેઓ તા.૨૭ સપ્ટેમ્બરે ભુજમાં કોર્ટ સમક્ષ હાજર થતાં જજે તેમને પાલરા જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. એસીબી દ્વારા તેમને પાલારા જેલમાં મોકલવાની તજવીજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સજા થયા બાદ અધિકારીને જામીન મળ્યા હતા. એની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.મજૂરીની રકમ ઓછી ચૂકવવા લાંચ માગી હતી
નારાણ મનજી નાયકા નામના મજૂરને મજૂરીની રકમ ઓછી ચૂકવવા સંબંધે લઘુત્તમ વેતન અધિકારી એટલે કે મદદનીશ મજૂર નિરીક્ષક તરીકે બહુમાળી ભવનમાં ફરજ બજાવતા હરેન્દ્ર શુકલ પાસે અરજી કરવામાં આવી હતી. પતાવટ કરવા માટે તેમણે પ્રથમ ૨૦ હજારની માગણી કરી હતી. રકજકને અંતે રૂ.૧૦ હજારની લાંચ નક્કી કરી હતી. બે હજાર તો આગોતરા વસૂલી લીધા હતા. રૂ.૮ હજાર ચૂકવવાના બાકી હતા, ત્યાં બિદડાના કરમશી સવગણ પટેલે ભુજ એસીબીને ફરિયાદ કરી, એટલે તત્કાલીન પીઆઇ ડી.સી. ભાભોેરે પંચની હાજરીમાં છટકું ગોઠવી અધિકારી હરેન્દ્ર શુકલે લાંચ લેતા પકડી લીધા હતા.