• Gujarati News
  • જિલ્લામાં સરસ્વતી અને શંખેશ્ર્વર નવા તાલુકા જાહેર

જિલ્લામાં સરસ્વતી અને શંખેશ્ર્વર નવા તાલુકા જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ જિલ્લાના પાટણ અને સમી તેમજ બનાસકાંઠા જિલ્લાના વાવ એમ ત્રણ તાલુકાનું વિભાજન કરીને નવા ત્રણ સરસ્વતી, શંખેશ્ર્વર અને સૂઇગામ તાલુકા બનાવવાની જાહેરાત રવિવારે પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે જિલ્લાના વિકાસકામો માટે રૂ.બે હજાર કરોડના પેકેજની પણ ઘોષણા કરી હતી. આ તબક્કે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ નવનિર્મિત્ત પાટણ નજીક ધારપુર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ કોલેજનું શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે તેમ જાહેર કર્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે યુવાનોને રાહ ચિંધનાર વિવેકાનંદજીની રાષ્ટ્ર ભાવનાની સંકલ્પનાઓ ર્દષ્ટાંત સાથે વ્યક્ત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાશક્તિને જોડીને ગુજરાતને શાનદાર, જાનદાર બનાવીને રહીશ તેમ કહ્યું હતું. અત્રે આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે વર્ષોથી ઉત્તર ગુજરાતમાં મેડિકલ કોલેજની માંગણી હતી અને ધારપુર ખાતે ઉ.ગુ.ની પહેલી કોલેજનું ઉદ્ઘાટન થયું. રાજ્યની મેડિકલ કોલેજો સોસાયટી હસ્તક છે કોઇ ખાનગી કરાઇ નથી. બનાસકાંઠામાં મેડિકલ કોલેજની માગણી છે ત્યારે સહાનુભૂતિથી પ્રયાસ કરાશે. મહેસુલમંત્રી આનંદીબહેન પટેલે જિલ્લાને ૪૦ વર્ષ પછી મેડિકલ કોલેજ પ્રાપ્ત થઇ છે ત્યારે જિલ્લા વતી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના યુવા સંગઠનોને કીટ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી રમણલાલ વોરા, પરબતભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, સાંસદ દિલીપભાઇ પંડ્યા, ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, અગ્રણી કે.સી.પટેલ, દિલીપ ઠાકોર, દશરથજી ઠાકોર, મોહનભાઇ પટેલ, પ્રધાનજી ઠાકોર, મનોજ ઝવેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર સામે પ્રહારો કરતાં મુખ્યમંત્રી
વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને આડે હાથ લઇ પ્રહારો કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગેસના બાટલા અંગે કરેલા નિર્ણયને સમજવા જેવો છે. ગેસના બાટલાના કારણે સબસીડીનો બોજ આવે એટલે છ બાટલા આપીશુ, બાકી બજારમાં કાળા બજારમાંથી લઇ આવવાના તેની સામે અમે ઉપાય શોધ્યો દેશની તજિોરીમાં બોજ ન પડે, સામાન્ય માણસને તકલીફ ન પડે, વળતરમાં આર્થિક બોજ પણ ન પડે, એટલા માટે ગુજરાતે રર૦૦ કિ.મી. ગેસની પાલપલાઇન ૧૦ હજાર કરોડના ખર્ચે લગાવી હિન્દુસ્તાનમાં કોઇએ પાઇપલાઇનથી ગેસ આપ્યો નથી. ગુજરાતના ૩૦૦ ગામને પાઇપલાઇનથી ગેસ આપ્યો અને દિલ્હીવાળા જાગ્યા. ગુજરાતે સાત લાખ ઘરોમાં પાઇપલાઇન ગેસ આપી દીધો ત્યાં સુધી દિલ્હી ઉઘતી રહી.મોદી સરકાર પાઇપલાઇન લગાવી ન શકે તેવો ફતવો દિલ્હીની મનમોહન સરકારે બહાર પાડયો હોવાનું તેમણે કહ્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, દિલ્હીમાં ગુજરાત વિરોધી વાતાવરણ છે. સીબીઆઇ પણ કામે લગાડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
પાટણ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતને સ્પર્શતી જાહેરાતો
@ પાટણની મેડિકલ કોલેજને શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ નામ અપાયું
@ પાટણ તાલુકામાંથી અલગ સરસ્વતી તાલુકો બનશે
@ સમી તાલુકામાંથી શંખેશ્ર્વર અલગ તાલુકો બનશે.
@ બનાસકાંઠાના વાવ તાલુકામાંથી સૂઇગામ અલગ તાલુકો બનશે
@ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાના પ્રયાસો
@ પાટણ જિલ્લાને વિકાસકામો માટે રૂ.ર૦૦૦ કરોડનું પેકેજ
@ સાંતલપુર-રાધનપુર સ્પેશિયલ ઇન્વેટર્સ રિજિયન તરીકે મંજૂરી
@ કૃષિ અને આૈધ્યોગિક વિકાસ માટે નક્કર આયોજન
@ ૯૦૦ કિ.મીની નર્મદાની શાખા નહેરોથી ૪.૨૬ લાખ એકર જમીનમાં પિયત કરાવશે
પાટણને સદ્ભાવનાનું રૂ. ૨૦૦૦ કરોડના પેકેજની ભેટ
પાટણ જિલ્લામાં મને સહુ કહેતા હતા, બધા જિલ્લાને સદ્ભાવનામાં પેકેજ મળ્યું અમને કેમ નહીં. પરંતુ ઉતાવળમાં ભાષણમાં ઉલ્લેખ રહી ગયો હતો એમ કહી ગર્વ સાથે પાટણને પણ બે હજાર કરોડ રૂપિયાનું પેકેજ વિકાસના કામો માટે જાહેર કર્યું હતું. જોકે, પેકેજ પૈકી ર૭પ કરોડના કામ ઓલરેડી ચાલુ છે. પેકેજ જાહેર કરવામાં ભલે મોડો છંુ પણ આપવામાં મોડો નથી. પહેલા આપ્યું છે પછી જાહેર કરુ છું તેમ મોદીએ જણાવ્યું હતું.
દરેક જિલ્લે મેડિકલ કોલેજ બનાવીશું
ધારપુર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, અમદાવાદ બધે મેડિકલ કોલેજ હતી પણ ઉત્તર ગુજરાત કોરુધાકોર હતું. ત્યારે પાટણ નજીક ધારપુરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ એ ઉત્તર ગુજરાતનો ઐતિહાસિક પ્રસંગ છે. દરેક જિલ્લે મેડિકલ કોલેજ બનાવવાનું સપનું છે. પાટણ સરસ્વતીની ભૂમિ છે ત્યારે ધારપુરની મેડિકલ કોલેજ ‘શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ’’ તરીકે ઓળખાશે તેમ તેમણે જણાવ્યું હતું.
કૃષિ, પશુપાલન, ડેરી ઉદ્યોગ થકી વિકાસક્રાંતિનું ગ્રાઉન્ડ વર્ક તૈયાર
ઉત્તર ગુજરાત સુજલામ સુફલામ અને નર્મદાના કારણે લીલોછમ વિસ્તાર થયો છે ત્યારે કૃષિક્ષેત્રે આ નવી ક્રાંતિ માટે યુવાનોને આહ્વાન કરતાં નરેન્દ્ર મોદીએ કૃષિ, પશુપાલન, ડેરી ઉદ્યોગ દ્વારા વિકાસ ક્રાંતિ સર્જાય તેવું ગ્રાઉન્ડ વર્ક સરકારે તૈયાર કરી લીધું છે. તેમણે રાજ્યના યુવાનોને સ્વતંત્ર ધંધા, રોજગાર, ઉદ્યોગ માટે લોનની જરૂર હશે તો સરકાર બેન્કમાં ગેરંટર બનશે તેમ જણાવ્યું હતું.