Home » Jyotish » Rashi Aur Niddan » Simple experiments to calm planets

ગ્રહોને શાંત કરવાના સરળ પ્રયોગો

Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 07:30 PM

લોખંડ, સીસું અને પંચધાતુની બનાવીને ઘરના મંદિરમાં તેની સ્થાપના કરીને નિત્ય તેનું પૂજન કરવું જોઈએ

 • Simple experiments to calm planets

  ધર્મ દર્શન: જ્યારે કોઈ વ્યક્તિ નારાજ હોય તો તેને રાજી એટલે કે પ્રસન્ન કરવી જરૂરી હોય છે, આ લોકરીત છે. આ જ રીતે જોઈએ તો નવગ્રહોમાંથી જેની ગતિ ગોચરની દૃષ્ટિએ ઠીક ન ચાલી રહી હોય અથવા કોઈ અશુભ ગ્રહ સાથે તેનો સંબંધ હોય અથવા તેની શુભ દૃષ્ટિ ન હોય તો તેને પ્રસન્નતા માટે જે-તે ગ્રહના મંત્ર જાપ દ્વારા પૂજન, દાન, રત્ન ધારણ, વસ્ત્ર ધારણ, ખાન-પાન વગેરેના રોજિંદા જીવનમાં કરી શકાય તેવા ઉપાયો જ્યોતિષશાસ્ત્રના વિવિધ ગ્રંથોમાં જણાવાયા છે.

  યાજ્ઞવલ્ક્ય સ્મૃતિકારનું કથન છે કે ગ્રહોને પ્રસન્ન કરવા માટે તેમની પ્રતિમાઓ (મૂર્તિ) ક્રમશ: તામ્ર, સ્ફટિક, લાલ ચંદન, કાંસું, સુવર્ણ, ચાંદી, લોખંડ, સીસું અને પંચધાતુની બનાવીને ઘરના મંદિરમાં તેની સ્થાપના કરીને નિત્ય તેનું પૂજન કરવું જોઈએ. આ ગ્રહોની મૂર્તિ બનાવી શકાય તેમ ન હોય તો તેમનાં યંત્રો પણ બનાવડાવીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરીને દરરોજ પૂજન કરવું જોઈએ. ગ્રહોના અધિદેવતા તથા પ્રત્યાધિદેવતાની પૂજા ગંધ, પુષ્પ, દીપ અને નૈવેદ્યથી કરવાનું કહેવાયું છે. પરમકૃપાળુ આચાર્યોએ મનુષ્યના કલ્યાણ માટે ગ્રહોને પ્રસન્ન કરવાના હેતુથી સરળ, પણ અસરકારક ઉપાયો જણાવ્યા છે.

  દાન અને ભોજન

  જ્યોતિષશાસ્ત્રમાં અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે તેમનાં પ્રિય ધાન્યોનું દાન કે આ ધાન્યોમાંથી બનેલ ભોજનનો રસ્તો જણાવ્યો છે. જેમ કે,
  * સૂર્યની પ્રસન્નતા માટે ઘઉં અથવા ગોળનું દાન કે ભોજન કરો.
  * ચંદ્રની પ્રસન્નતા માટે ચોખા અથવા ઘીનું દાન કે ભોજન કરો.
  * મંગળ ગ્રહને ખુશ કરવા માટે મસૂરની દાળ અને ગોળનું ભોજન અથવા દાન કરો.
  * બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે મગ અને ઘીનું દાન અથવા ભોજનમાં પ્રથમ ઉપયોગ કરવો.
  * ગુરુ ગ્રહની પ્રસન્નતા માટે ચણાની દાળ તથા ખાંડનું ભોજન અથવા દાન કરવું.
  * શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે ચોખા અથવા ઘીનું દાન કે ભોજન કરવું.
  * શનિ ગ્રહને ખુશ કરવા માટે અડદ અને તેલનું દાન કરવું અથવા ભોજનમાં ઉપયોગ કરવો.
  * રાહુને અનુકૂળ બનાવવા માટે તલ અથવા તલના તેલનું દાન અથવા ભોજન કરવું.
  * કેતુની પ્રસન્નતા માટે તલ અને તેલનું ભોજન કે દાન કરવું જોઈએ.

  મંત્ર જાપ-પૂજન


  બધા જ ગ્રહોના દોષમાંથી મુક્તિ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે દેવાધિદેવ ભોળાનાથ શિવજી પર રુદ્રાભિષેક અથવા શિવ મહિમ્નસ્તોત્ર દ્વારા અભિષેક કરવો. આ સિવાય શક્ય હોય તો નીચે જણાવેલો સર્વ ગ્રહોની શાંતિનો મંત્રજાપ દરરોજ એક માળા કરવો જોઈએ.

  બ્રહ્મ મુરારીસ્ત્રિપુરાંત કારી,

  ભાનુ: શશિ ભૂમિ સુતો બુધશ્ચ |
  ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ:
  સર્વેગ્રહા: શાંતિકરા ભવન્તુ ||

  ઉપરોક્ત મંત્રજાપ સિવાય તમામ લોકોએ સ્નાન કર્યા પછી નીચેના ત્રણ મંત્રોથી જલાંજલિ નિયમિત રીતે આપવી જોઈએ. તેનાથી બધા જ દોષ શાંત થાય છે અને સુખી તથા સમૃદ્ધ જીવનની દિશા મળે છે.

  સ્થાન દેવતા તૃપ્યતામ્ |
  કુલ દેવતા તૃપ્યતામ્ |
  પિતર: તૃપ્યતામ્ |

  મંગળ અને શનિની શાંતિ માટે

  મંગળ અને શનિ ગ્રહની યુતિ ખરાબ પરિણામ આપનારી હોય છે. આ સિવાય પણ મંગળ અને શનિ ગ્રહ જ્યારે કુંડળીમાં ખરાબ હોય ત્યારે તેમની શાંતિ માટે હનુમાનજીને આકડાની અથવા પીપળાના પાન પર સિંદૂર વડે શ્રીરામ લખીને અગિયાર પાનને કાચા સૂતરમાં પરોવીને માળા બનાવીને પહેરાવવી જોઈએ તથા હનુમાન ચાલીસાના અગિયાર પાઠ કરવા. આ પ્રયોગ દરરોજ શક્ય ન હોય તો મંગળ અને શનિવારે ખાસ કરવો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

વીડિયો વધુ જુઓ