બીજી કથા પ્રમાણે રથયાત્રાની કથાઃ-
બીજી એક કથા અનુસાર એક વાર બહેન સુભદ્રાને રથમાં બેસાડીને બંને ભાઇઓએ દ્વારીકાની નગરયાત્રા કરાવી હતી જેની સ્મૃતિમાં આજે પણ રથયાત્રા નિમીત્તે ત્રણેય ભાઇ-બહેન રથમાં બેસીને નગરયાત્રાએ નિકળે છે.
જેઠ સુદ એકાદશીનાં દિવસે ભગવાનની ત્રણેય મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે. તેથી ભગવાનનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે છે. ભગવાનને હળવા ખોરાકની સાથે ઔષધોનું સેવન પણ કરાવવામાં આવે છે. આ પછી અષાઢ શુદ બીજનાં મંગલ પર્વે મન મોકળું કરવા માટે નગરયાત્રા કે રથયાત્રા સ્વરૂપે ફેરવવામાં આવે છે. એમ કહેવાય છે કે પુરીનાં રાજા સોનાના સાવરણાથી રસ્તો વાળે ત્યાર પછી એ રસ્તેથી રથ પસાર થાય.
જગન્નાથપુરીની રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણ વિશાળ રથોનાં નામ આ પ્રમાણે છે. તાલધ્વજ, નંદીઘોષ અને દર્પદલન. જેમાં અનુક્રમે બલભદ્ર, ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાને બીરાજમાન કરવામાં આવે છે. તાલધ્વજ રથ ૧૩ થી ૨૦ મીટર ઉંચો અને ૧૪ પડાવાળો રથ લીલા રંગનો બનાવવામાં આવે છે.
નંદીઘોષ રથ પીળી ધરી વાળો, લાલ રંગનો અને ૧૬ પડા વાળો, બંને રથ કરતા ઉંચો બનાવાય છે. જયારે દર્પદલન રથ પણ લાલ રંગનો અને ૯ થી ૧૨ મીટર મીટર ઉંચો અને ૧૨ પડા વાળો બનાવાય છે. પુરીની આ રથયાત્રાની વિશેષતા એ છે કે આ ત્રણેય મૂર્તિઓ સચેતન છે એવી અનુભૂતિ અનેક ભકતોને થઇ ચૂકી છે.
અમદાવાદની રથયાત્રાનાં પ્રારંભે મહંતશ્રીએ એવુ કહ્યુ હતુ કે : 'શરીર રથ છે. જડ અને માયિક એવી બુદ્ધિ તે સારથી છે. પાંચ ઇન્દ્રીયો ઘોડા છે. મન એ લગામ છે. અને તેની સામે ગર્તામાં નાખનારા, લોભામણા પંચવિષયોનો લપસણો માર્ગ છે. અને શરીર રૂપી રથમાં આત્મા રથી છે.’
વિશ્વમાં આજે અબજો શરીર રૂપી રથ દોડી રહ્યા છે. આ બધા રથનો વેગ પુષ્કળ છે. પણ સાચી દિશા નથી. આથી સ્વભાવ અને પ્રકૃતિનાં ભેદનાં લીધે શરીર રૂપી રથ પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકતો નથી. રથ ઉથલી પડે અર્થાત શરીરનો નાશ થાય. ધમણ જેવું જીવન જીવીને માત્ર શ્વાસોચ્છશ્વાસ પૂર્ણ કરવા એ કંઇ જીવન થોડું છે ? જીવન જીવંત હોવું જોઇએ. ભગવાનની આ નગરયાત્રા જીવંતતાનું ઉત્તમ પ્રતિક છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો પુરાણો પ્રમાણે રથયાત્રા વિશેની માહિતી...